‘કોઈ છોકરી ના પાડે, તો તેનો મતલબ ના જ હોય...’ જાતીય શોષણ કેસમાં તરુણ તેજપાલને 10 વર્ષની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tarun Tejpal Goa Court Case Verdict Supreme Court Appeal : ‘તહેલકા’ મેગેઝિનના પૂર્વ એડિટર તરુણ તેજપાલને 2013ના ચકચારી જાતીય શોષણ અને દુષ્કર્મના કેસમાં બોમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે દોષિત ઠેરવતા 10 વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં અગાઉ 2021માં ટ્રાયલ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા, જે ચુકાદાને હાઇકોર્ટે પલટી નાંખ્યો છે.
ઘટનાની પૃષ્ઠભૂમિ: શું છે સમગ્ર મામલો?
આ મામલો વર્ષ 2013નો છે. 7 અને 8 નવેમ્બર, 2013ના રોજ ગોવા સ્થિત એક હોટેલમાં યોજાયેલા ‘થિંકફેસ્ટ’ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર તરુણ તેજપાલ પર તેમની જ જુનિયર મહિલા સહયોગીએ હોટેલની લિફ્ટમાં જાતીય સતામણી કરવાનો ગંભીર આરોપ હતો.
કાયદાકીય પ્રક્રિયા અને ટ્રાયલ કોર્ટનો ચુકાદો
આ કેસની સુનાવણી વર્ષ 2017માં માપુસાની ટ્રાયલ કોર્ટમાં શરૂ થઈ હતી. લાંબી કાયદાકીય લડાઈ બાદ વર્ષ 2021માં ટ્રાયલ કોર્ટે તરુણ તેજપાલને આ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને બરી કરી દીધા હતા. જો કે, આ ચુકાદા સામે રાજ્ય સરકાર દ્વારા બોમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચમાં અપીલ દાખલ કરાઈ હતી.
સોલિસિટર જનરલની દલીલ, ‘ના એટલે ના’
આ સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલત સમક્ષ દોષિતને સખતમાં સખત સજા આપવાની માંગણી કરી હતી. તેમણે કોર્ટમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે ‘પીડિતા, જે તેજપાલની પુત્રીની ઉંમરની હતી, તેણે વારંવાર ના પાડવા છતાં આ ગુનો આચરાયો હતો. કોર્ટે સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે જ્યારે કોઈ છોકરી 'ના' કહે છે, ત્યારે તેનો મતલબ ફક્ત 'ના' જ થાય છે.’
તરુણ તેજપાલનું નિવેદન અને બચાવ
દોષિત જાહેર થયા બાદ તરુણ તેજપાલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પોતાને પીડિત ગણાવતાં કહ્યું હતું, ‘હું 62 વર્ષનો છું અને મારું માનવું છે કે હું પીડિત છું. મારી પત્ની છે અને આ સિવાય કહેવા માટે વધુ કંઈ નથી. હું ફક્ત એટલું કહી શકું છું કે અમે ઉચ્ચ કોર્ટમાં અપીલ કરી શકીશું. કૃપા કરીને મારા પ્રત્યે નરમી રાખો.’ અગાઉ તેમણે આ ઘટના અંગે ખેદ વ્યક્ત કરતાં તેને સ્થિતિની ગેરસમજ ગણાવી હતી, જ્યારે બાદમાં રાજકીય બદલાની ભાવનાનો શિકાર બન્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા.









