India

ભારત પર ટેરિફથી અમેરિકામાં પણ મોંઘવારી વધવાની આશંકા

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત અને ચીન પર ટેરિફ નાખવાનું બિલ સંસદમાં પાસ કર્યું છે. આનાથી ભારતમાંથી અમેરિકામાં થતી વાર્ષિક 88 અબજ ડોલરની નિકાસ પર અનિશ્ચિતતા છવાઈ છે. જો 100% ટેરિફ લાગે તો નિકાસ બંધ થઈ શકે છે, જોકે નિષ્ણાતો માને છે કે આનાથી અમેરિકામાં પણ મોંઘવારી વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત પર ટેરિફથી અમેરિકામાં પણ મોંઘવારી વધવાની આશંકા
  • ભારતીય નિકાસકારો પર લટકતી તલવાર
  • યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાએ ૨૦૨૫માં રશિયા પાસેથી કુલ ૩.૮ અબજ ડોલરની આયાત કરી

વોશિંગ્ટન : રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદી બદલ ભારત, ચીન પર ટેરિફ નાંખવાની પ્રમુખ ટ્રમ્પને સત્તા આપતું બિલ અમેરિકન સંસદમાં પસાર થઈ ગયું છે. આ સાથે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા સામાન પર અનિશ્ચિતતાની તલવાર લટકી ગઈ છે. જોકે, ભારત પર ટેરિફ નાંખવાથી અમેરિકાની પણ મુશ્કેલી વધી શકે છે તેમ નિષ્ણાતોનું કહેવું છે.
નિકાસકારોનું કહેવું છે કે અમેરિકા ભારત પર ૧૦૦ ટકા ટેરિફ નાંખે તો ભારતમાંથી અમેરિકામાં નિકાસ લગભગ બંધ જ થઈ શકે છે. કારણ કે આટલા ઊંચા ટેરિફ લાગ્યા પછી અમેરિકામાં નિકાસ કરવી અવ્યવહારુ બની જશે. અમેરિકા ભારતનો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જ્યાં ભારતમાંથી વાર્ષિક ૮૮ અબજ ડોલરની નિકાસ થાય છે. જોકે, ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિયો)ના મહાનિર્દેશક અને સીઈઓ અજય સહાયે કહ્યું કે, અમેરિકા ભારત પર ૧૦૦ ટકા ટેરિફ નાંખશે તો અમેરિકામાં પણ મોંઘવારી વધી જશે. ત્યાં પહેલાથી જ મોંઘવારી વધેલી છે, તેમાં વધારો થઈ શકે છે.
અમેરિકા પોતે જ રશિયા પાસેથી માલ-સામાનની આયાત કરે છે ત્યારે રશિયા પાસેથી વેપાર બદલ ભારત સહિતના દેશો પર ટેરિફ નાંખવાનું અમેરિકા માટે મુશ્કેલ થઈ શકે છે. અમેરિકાએ ૨૦૨૫માં રશિયા સાથે ૫.૯ અબજ ડોલરનો કારોબાર કર્યો હતો, જેમાં નિકાસ અને આયાત બંનેનો સમાવેશ થાય છે.
આ આંકડો ૨૦૨૪ના વેપાર કરતાં ૧૪.૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ૨૦૨૫માં અમેરિકાએ રશિયા પાસેથી કુલ ૩.૮ અબજ ડોલરની આયાત કરી હતી, જે ૨૦૨૪ની સરખામણીમાં ૨૫.૬ ટકા વધુ છે. આમ, પ્રમુખ ટ્રમ્પ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદી બદલ ભારતને બ્લેકમેઈલ કરી રહ્યા હોવાનો અનેક નિષ્ણાતોએ દાવો કર્યો હતો.