Get The App

'DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..', વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભૂકંપ

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
Tamil Nadu Political Crisis

Tamil Nadu Political Crisis: તમિલનાડુમાં હાલમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અભિનેતા વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK)એ સીધી ચેતવણી આપી છે કે જો DMK અથવા AIADMK ગઠબંધન કરશે, તો TVKના તમામ 108 ધારાસભ્યો સામૂહિક રાજીનામાં આપી દેશે. સૌથી વધુ બેઠકો જીતી હોવા છતાં સરકાર બનાવવાની તક ન મળતા વિજયની પાર્ટીએ DMK અને AIADMK પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે.

રાજ્યપાલનો નિર્ણય અને TVKની વ્યૂહનીતિ

શુક્રવારે તમિલનાડુના રાજ્યપાલ આર.વી. અર્લેકરે વિજયની પાર્ટી (TVK)ને બહુમતી સાબિત કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. રાજ્યપાલે સ્પષ્ટતા કરી છે કે સરકાર બનાવવા માટે TVK એ 118 ધારાસભ્યોના સમર્થન પત્રો રજૂ કરવા પડશે. હાલની સ્થિતિ મુજબ, TVK પાસે કોંગ્રેસના 5 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે પાર્ટી અન્ય વામપંથી અને નાના પક્ષો સાથે ગઠબંધન માટે સતત વાટાઘાટો કરી રહી છે. પોતાની પાર્ટી સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરીને, વિજય હવે આ મામલે કાયદાકીય લડત લડવા અને અદાલતના દ્વાર ખખડાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે.

DMK અને AIADMK વચ્ચે નવી ગોઠવણની શક્યતા

રાજ્યમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે DMKએ એક તાકીદની બેઠક યોજી હતી, જેમાં પક્ષના વડા એમ.કે. સ્ટાલિનને કટોકટીના સમયે તમામ નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી છે. રાજકીય સૂત્રો મુજબ, તમિલનાડુમાં એક નવી અને અણધારી વ્યવસ્થા પર વિચાર ચાલી રહ્યો છે. આ રણનીતિ હેઠળ DMK બહારથી ટેકો આપે અને AIADMKના નેતા ઈ. પલાનીસ્વામી મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે. જોકે, આ પ્રકારના અકુદરતી ગઠબંધન સામે જનતાનો ભારે રોષ જોવા મળી શકે છે, તેવી ભીતિને કારણે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ મૂંઝવણમાં છે.

આ પણ વાંચો: ચંદ્રનાથ રથ પ્રથમ નહીં પણ અત્યાર સુધી શુભેન્દુ અધિકારીના 4 ખાસ વ્યક્તિઓની થઈ ચૂકી છે હત્યા

વિરોધ પક્ષોનો વિજયને ટેકો

રાજ્યપાલના આ વલણ સામે વિપક્ષોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. CPI એ રાજ્યપાલને બંધારણ મુજબ કામ કરવા અને સૌથી મોટી પાર્ટીને બહુમતી સાબિત કરવાની તક આપવા અપીલ કરી છે. આ ઉપરાંત, VCKના થોલ તિરુમાવલવન અને અભિનેતા કમલ હાસને પણ વિજયની પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી હવે તંત્ર માટે મહત્ત્વનું બની ગયું છે.

'DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..', વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભૂકંપ 2 - image