તમિલનાડુમાં ફરી ખેલ, TVK પ્રમુખ વિજયને ઝટકો, CM જેવી સુરક્ષા પાછી ખેંચાઈ, શું છે કારણ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

TVK Chief Vijay Security Withdrawn: તમિલનાડુ પોલીસે બુધવારે (6 મે, 2026) રાત્રે તમિલગ વેટ્રી કઝગમ(TVK)ના અધ્યક્ષ સી. જોસેફ વિજયને આપવામાં આવેલી ચુસ્ત સુરક્ષા અને તેમનો કાફલો પાછો ખેંચી લીધો છે. સૂત્રો મુજબ વિજયને તમિલનાડુના મુખ્યમંત્રીની સમકક્ષ આપવામાં આવી રહેલી 'ઝેડ-પ્લસ' સ્તરની સુરક્ષા પ્રોટોકોલને ઘટાડીને હવે ન્યૂનતમ કરી દેવામાં આવી છે.
શા માટે વધારવામાં આવી હતી સુરક્ષા?
ખરેખર, 4 મેના રોજ મતગણતરી દરમિયાન જ TVKની જંગી જીતના પ્રારંભિક સંકેતો મળવા લાગ્યા હતા. જેના થોડા કલાકો બાદ જ પોલીસે વિજયના નિવાસસ્થાન અને પાર્ટી કાર્યાલય પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું હતું કે, આ સુરક્ષા TVK નેતાના નિવાસસ્થાને પહોંચતા પાર્ટી કાર્યકર્તાઓ અને ચાહકોની ભારે ભીડને નિયંત્રિત કરવા માટે વધારવામાં આવી હતી. જો કે, તેમના રૂટ બંદોબસ્ત અને અન્ય સુરક્ષા પગલાં જોતાં એ સ્પષ્ટ હતું કે તેમની સુરક્ષા વધારીને સીધી મુખ્યમંત્રી સ્તરની કરી દેવામાં આવી છે.
એક ડઝનથી વધુ સશસ્ત્ર કમાન્ડોની સુરક્ષા મળી હતી
ખાનગી રિપોર્ટ મુજબ વિજયની સુરક્ષાની દેખરેખ માટે પોલીસ નાયબ નિરીક્ષક (DIG) રેન્કના એક વરિષ્ઠ અધિકારીને જવાબદારી આપવામાં આવી હતી. આ સાથે જ, રાજ્ય પોલીસની સિક્યોરિટી બ્રાન્ચ સીઆઇડી(CID)ના એક ડઝનથી વધુ સશસ્ત્ર કમાન્ડોએ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. સૂત્રો અનુસાર, સુરક્ષાને મજબૂત કરવા માટે 'એક્સેસ કંટ્રોલ સિસ્ટમ' પણ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસ અધીક્ષક (SP) રેન્કના અન્ય બે અધિકારીઓને સીધા ગુપ્તચર વિભાગના મહાનિરીક્ષક(IG)ને રિપોર્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
અચાનક કેમ પાછી ખેંચવામાં આવી 'Z-Plus' સિક્યોરિટી?
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, આ સુરક્ષા વ્યવસ્થા TVKના વરિષ્ઠ નેતાઓની વિનંતી બાદ જ પાછી ખેંચવામાં આવી છે. નામ ન આપવાની શરતે અધિકારીએ જણાવ્યું કે, 'તેઓ ઇચ્છતા ન હતા કે વિજયને આવો કાફલો કે VIP સુરક્ષા પ્રોટોકોલ આપવામાં આવે.' ત્યારબાદ વિશેષ ફરજ પર લગાડવામાં આવેલા ત્રણેય મોટા અધિકારીઓને પણ પરત બોલાવી લેવામાં આવ્યા છે અને તેમને તેમની જૂની પોસ્ટિંગ પર મોકલી દેવામાં આવ્યા છે.
'Y' શ્રેણીના સુરક્ષા ઘેરામાં રહેશે વિજય
રાજ્ય પોલીસની વિશેષ સુરક્ષા હટ્યા પછી પણ વિજયની સુરક્ષામાં કોઈ મોટી ચૂક થશે નહીં, કારણ કે તેમની પાસે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી 'Y' શ્રેણીની સુરક્ષા યથાવત્ રહેશે. જ્યારે પણ તેઓ ક્યાંય પ્રવાસ કરે છે અથવા રોકાય છે, ત્યારે CRPFના સશસ્ત્ર ગાર્ડ તેમને સુરક્ષા પૂરી પાડે છે. આ ઉપરાંત, અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની સુરક્ષા માટે પાર્ટી દ્વારા રાખવામાં આવેલા ખાનગી ગાર્ડ પણ તૈનાત રહે છે. પ્રવાસ અને જાહેર સભાઓ દરમિયાન સ્થાનિક પોલીસ પણ જરૂરિયાત મુજબ સુરક્ષાની જવાબદારી સંભાળે છે.
આ પણ વાંચો: વિજય CM નહીં બની શકે? TVKને અટકાવવા જાની દુશ્મનો એક થઈ ગઠબંધન કરવાની અટકળો
સરકાર બનાવવા પર હજુ પણ સંશય
આ અગાઉ વિજયે બુધવારે તમિલનાડુના રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. પરંતુ સૂત્ર મુજબ રાજ્યપાલે 118 ધારાસભ્યના સમર્થન વાળો પત્ર માંગ્યો છે. કોંગ્રેસે એક મોટા રાજકીય ફેરફાર અને નવા ગઠબંધન હેઠળ અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી અને ચૂંટણી પૂર્વેના સહયોગી દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) સાથે છેડો ફાડી નાખ્યો.








