Get The App

તમિલનાડુમાં બનશે 'રાહુલ અને વિજય'ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ!

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુમાં બનશે 'રાહુલ અને વિજય'ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! 1 - image

 AI IMAGE


Congress TVK alliance Tamil Nadu: તમિલનાડુમાં છેલ્લા 50 વર્ષથી ચાલી આવતા DMK અને AIADMKના શાસન સામે અભિનેતા વિજયની પાર્ટી TVKએ એક મોટી ક્રાંતિ સર્જી છે. હાલમાં TVK લગભગ 110 બેઠકો પર આગળ ચાલીને તમિલનાડુની સૌથી મોટી પાર્ટી બની રહી છે. તમિલનાડુમાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર હોય છે, ત્યારે વિજયની પાર્ટી મેજિક ફિગરથી માત્ર 8 બેઠક દૂર હોવાનું જણાય છે. તેવામાં સરકાર બનાવવા માટે તેને જેટલા ધારાસભ્યોની જરૂર છે તેટલા કોંગ્રેસ પાસે છે. તેવી સ્થિતિમાં કોંગ્રેસ માત્ર 5 ધારાસભ્યોના જોરે પણ કિંગમેકરની ભૂમિકામાં જોવા મળી શકે છે. કોંગ્રેસનાં તમામ નેતાઓ હાલ તમિલનાડુ મામલે હાઇપર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે.



5 રાજ્યોના ચૂંટણી પરિણામ:


કોંગ્રેસ બની શકે છે કિંગમેકર

તમિલનાડુના રાજકારણમાં અત્યારે સૌથી મોટો વળાંક એ આવ્યો છે કે, કોંગ્રેસ હવે કિંગમેકરની ભૂમિકામાં આવી શકે તેમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુ કોંગ્રેસે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને એક રિપોર્ટ મોકલીને TVK સાથે ગઠબંધન કરવા વિનંતી કરી છે. કોંગ્રેસના નેતાઓ સરકાર રચવામાં મદદ કરવા માટે થલાપતિ વિજયના સંપર્કમાં હોવાનું મનાય છે. બીજી તરફ આ બાબતના સંકેતો તેના પરથી પણ મળી રહ્યા છે કે, કોંગ્રેસના નેતાઓ સતત વિજયને ઐતિહાસિક જીત માટે અભિનંદન પાઠવવા માટે ટ્વીટ કરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે પણ વિજયની પાર્ટી રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવતા તેમને અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો: 12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો

ઐતિહાસિક જીત કરૂર દુર્ઘટનાના પીડિતોને અર્પણ

TVK નેતા આધવ અર્જુનાએ આ ઐતિહાસિક જીતને કરૂરમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા 41 લોકોના પરિવારોને સમર્પિત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "મહિલાઓએ વિજયને પોતાના પુત્ર અને ભાઈ તરીકે જોયા છે, જેના કારણે આ ભવ્ય વિજય મળ્યો છે". તેમણે વધુમાં ઉમેર્યું કે આગામી સરકાર મહિલાઓ અને યુવાનો માટે કામ કરશે.

રિસોર્ટ પોલિટિક્સ અને હોર્સ ટ્રેડિંગનો ભય

ચૂંટણી પરિણામો બાદ હોર્સ ટ્રેડિંગ(ધારાસભ્યોની ખરીદ-વેચાણ)ના ડરથી TVKના ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે ફોર પોઇન્ટ્સ રિસોર્ટ ખાતે ખસેડવામાં આવી શકે છે. કેટલાક ધારાસભ્યો પહેલાથી જ ત્યાં હાજર છે. બીજા ધારાસભ્યોને પણ ત્યાં મોકલવામાં આવી શકે છે. 

વિજયના પિતા અને ફિલ્મ જગત તરફથી પ્રશંસા

વિજયના પિતા એસ. એ. ચંદ્રશેખરે તેમના પુત્રના સ્વતંત્ર ચૂંટણી લડવાના નિર્ણયને બહાદુરીભર્યો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે મતદારોએ વિજયને "પોતાના ભાઈ" તરીકે સ્વીકાર્યો છે. 

કાજલ અગ્રવાલ: અભિનેત્રી કાજલ અગ્રવાલે પણ વિજયની આ 'શાનદાર જીત' ને બિરદાવી હતી અને સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન પાઠવ્યા હતા.

કેરળમાં ગઠબંધન સાથે સરકાર બનાવવાની તૈયારી કરી રહેલી કોંગ્રેસ હવે તમિલનાડુમાં પણ વિજયને ટેકો આપીને સત્તામાં ભાગીદારી મેળવી શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ભારતના રાજકારણમાં કોંગ્રેસનો પ્રભાવ વધતો જોવા મળી રહ્યો છે.