Get The App

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા 'ક્રૂરતા' ના ગણાય...’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્ટનો ચુકાદો ફગાવ્યો

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા 'ક્રૂરતા' ના ગણાય...’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્ટનો ચુકાદો ફગાવ્યો 1 - image


 AI IMAGE

SC Overturns Gujarat Courts’ Feudalistic Verdict: સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા ટિપ્પણી કરી છે કે, શિક્ષિત સ્ત્રી પોતાની કારકિર્દી ઘડવા માંગતી હોય કે બાળકના સુરક્ષિત ભવિષ્ય માટે અલગ રહેતી હોય, તો તેને 'ક્રૂરતા' કે 'ત્યાગ' (Desertion) ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે અમદાવાદના એક મહિલા ડેન્ટિસ્ટ અને આર્મી ઓફિસર પતિ વચ્ચેના છૂટાછેડાના કેસમાં આ ટિપ્પણી કરી હતી.

આર્મી ઓફિસર સાથે લગ્ન કરીને કારગિલમાં સ્થાયી 

આ મહિલાએ વર્ષ 2009માં લગ્ન બાદ પૂણેમાં ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ છોડીને કારગિલમાં પતિ સાથે રહેવાનું પસંદ કર્યું હતું. જો કે, પુત્રીના જન્મ બાદ તેને ખેંચ આવવાની તબીબી સમસ્યાઓ વધી ગઈ હતી. આ કારણસર તે વધુ સારી સારવાર અને સ્થિર વાતાવરણ માટે અમદાવાદ આવી ગયા હતા. જ્યાં તેમણે પોતાનું ડેન્ટલ ક્લિનિક શરૂ કરીને ફરી પ્રેક્ટિસ શરૂ કરી હતી.  

ગુજરાતની ફેમિલી કોર્ટનું અવલોકન 

આ કેસમાં ગુજરાતની ફેમિલી કોર્ટે અવલોકન કર્યું હતું કે, પત્નીની નૈતિક ફરજ છે કે પતિ જ્યાં હોય ત્યાં તેની સાથે રહેવું જોઈએ. કારકિર્દીને પ્રાધાન્ય આપવું એ ક્રૂરતા છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ વાતને માન્ય રાખી હતી. સુપ્રીમ કોર્ટે આ અભિગમને અત્યંત 'અતિ-રૂઢિચુસ્ત' ગણાવીને ટીકા કરી હતી. જો કે, બંને પક્ષો વચ્ચે સમાધાનની શક્યતા ન હોવાથી, 'ક્રૂરતા'ને બદલે 'લગ્ન સંબંધોમાં આવેલ કાયમી તિરાડ'ના આધારે છૂટાછેડાને માન્ય રાખ્યા છે.

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા 'ક્રૂરતા' ના ગણાય...’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્ટનો ચુકાદો ફગાવ્યો 2 - image

સુપ્રીમ કોર્ટના મહત્ત્વના અવલોકન 

આ કેસમાં સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્ત્વના અવલોકન કર્યા હતા. જેમ કે...

સ્વતંત્ર અસ્તિત્વ: લગ્ન એ સ્ત્રીના વ્યક્તિત્વ કે તેની ઓળખને ભૂંસી નાખતી ઘટના નથી. સ્ત્રી માત્ર તેના પતિના ઘરની કોઈ વધારાની વસ્તુ નથી. 

સમાનતા: જો ભૂમિકા ઉલટી હોત, તો કોઈ પતિ પાસેથી એવી અપેક્ષા ન રખાય કે તે પત્નીની બદલીપાત્ર નોકરીને કારણે પોતાની કારકિર્દી છોડી દે.

નિર્ણય: નીચલી કોર્ટ દ્વારા મહિલા વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીઓ રદ કરી છે. 

નોંધનીય છે કે, આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, મહિલા સશક્તિકરણના યુગમાં પત્નીની વ્યવસાયિક સફળતાને પતિ કે સાસરી પક્ષની લાગણી દુભાવનારું કૃત્ય માનવું એ કાયદાકીય રીતે અસ્વીકાર્ય છે.