India

કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

By GS TEAM
13 Jan 20263 mins read
TukuTouch Logo
રખડતા કૂતરાની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સ તથા તંત્રની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, કૂતરાઓમાં ખાસ પ્રકારનો વાઈરસ હોય છે જેનું કોઈ નિદાન નથી. કૂતરા 9 વર્ષના બાળક પર હુમલો કરે તો જવાબદાર કોણ? સરકાર કશું નથી કરી રહી. કૂતરા જેટલી વખત કરડશે અથવા તેનાથી કોઈનું મોત થશે તો અમે સરકારને વળતર આપવાનો આદેશ આપીશું.

Summarized by AI; it may make mistakes. Check important info

કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

India’s Top Court Slams Govt Over Stray Dog Attacks : રખડતાં કૂતરાની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સ તથા તંત્રની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, કૂતરાઓમાં ખાસ પ્રકારનો વાઇરસ હોય છે જેનું કોઈ નિદાન નથી. કૂતરા 9 વર્ષના બાળક પર હુમલો કરે તો જવાબદાર કોણ? સરકાર કશું નથી કરી રહી. કૂતરા જેટલી વખત કરડશે અથવા તેનાથી કોઈનું મોત થશે તો અમે સરકારને વળતર આપવાનો આદેશ આપીશું. 

કૂતરાઓને ખોરાક આપવો હોય તો ઘરે લઈ જાઓ: સુપ્રીમ કોર્ટ 

આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રણથંભૌર નેશનલ પાર્કમાં કૂતરાઓ દ્વારા બચકા ભરી લેવાતા વાઘ પણ ગંભીર બીમારીથી પીડાતા હતા. જ્યારે કૂતરા 9 વર્ષના બાળક પર હુમલો કરે છે તો તેના માટે કોણ જવાબદાર? તે સંગઠન જે તેમને ખાવાનું આપે છે કે પછી અમે આ મામલે આંખો બંધ કરી લઈએ. રખડતાં કૂતરાને ખોરાક આપનારા ડોગ લવર્સ કૂતરા પોતાના ઘરે લઈ જાય.


કૂતરું કરડે તો સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મેહતા અને જસ્ટિસ એન વી અંજારિયાની બેન્ચે આગળ કહ્યું કે, તે લોકો પર જવાબદારી નિશ્ચિત થવી જોઈએ જે કહે છે કે અમે કૂતરાઓને ભોજન કરાવીએ છીએ. સરકાર કંઈ પણ નથી કરી રહી. અમે હવે રાજ્ય સરકારો પર ન માત્ર જવાબદારી પરંતુ પીડિતને ચોક્કસ વળતર મળે તેવો આદેશ આપીશું. એવો આદેશ આપીશું કે દરેક ડોગ બાઇટ પર સરકારે ભારે વળતર આપવું પડે. 


સીનિયર ઍડવોકેટ અરવિંદ દાતાર (એક સંગઠન વતી): સુપ્રીમ કોર્ટનો 7 નવેમ્બરનો આદેશ સંપૂર્ણપણે યોગ્ય છે. શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બસ ડેપો અથવા રેલવે સ્ટેશનના પરિસરમાં એક પણ રખડતો કૂતરો હોવો જોઈએ નહીં.

જસ્ટિસ મહેતા: તમે પ્રથમ વ્યક્તિ છો જે આ આદેશની તરફેણમાં છે. 

ઍડ્વૉકેટ દાતાર: કોર્ટે વન્યજીવ વિસ્તારોમાં રખડતાં કૂતરાઓના મુદ્દા પર પણ વિચાર કરવો જોઈએ. લદ્દાખમાં 55,000 રખડતાં કૂતરાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યાં વન્યજીવોની 9 પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે, જેમને આ કૂતરાઓથી ખતરો છે. વન્યજીવ સંરક્ષણ જૂથો વતી અમે આ અંગે રિટ પિટિશન દાખલ કરી છે.

ઍડ્વૉકેટ દાતાર: મુખ્ય વિવાદ એ છે કે શું પકડાયેલા રખડતાં કૂતરાઓને ફરીથી તે જ વિસ્તારમાં છોડી દેવા જોઈએ? મદ્રાસ હાઇકોર્ટે ઠેરવ્યું છે કે જનતાને રસ્તા પર અવરજવર કરવાનો મૌલિક અધિકાર છે. તે સિવાય રસ્તા પર કંઈ પણ હોય તેને અતિક્રમણ (Encroachment) કહેવાશે. જ્યાં સુધી જાહેર સંસ્થાઓની વાત છે, ત્યાં માણસો માત્ર કામકાજ માટે આવે-જાય છે, રહી શકતા નથી. જ્યારે માણસો ત્યાં રહી શકતા નથી, તો પ્રાણીઓ પણ રહી શકે નહીં.

જસ્ટિસ મહેતા: ધારો કે એક RWA (રેસિડેન્ટ વેલ્ફેર ઍસોસિએશન) છે. ત્યાં 95% લોકો કૂતરાઓની હાજરી ઇચ્છતા નથી, તો શું માત્ર 5% લોકોની ઇચ્છાને પ્રાધાન્ય આપવું જોઈએ? કોનું પલ્લું ભારે રહેશે?

ઍડ્વૉકેટ દાતાર: આ બહુમતીનો સવાલ નથી. ભલે 99 લોકો કહે કે કૂતરા હોવા જોઈએ, તો પણ જો 1 વ્યક્તિને તેનાથી અડચણ હોય તો તે વાંધો ઉઠાવી શકે છે. કૂતરાઓના ત્રાસને કારણે રસ્તાઓ પર આપણે સૂર્યોદય પહેલા નીકળી શકતા નથી! હૉસ્પિટલ કે રેલવે સ્ટેશનના કેમ્પસને ખુલ્લી જગ્યા માનીને ત્યાં કૂતરાઓની હાજરીને મંજૂરી આપી શકાય નહીં. લોકો તે સંસ્થાઓમાં કોઈ ખાસ હેતુ કે મુલાકાત માટે જાય છે.

જસ્ટિસ મહેતા: પરંતુ કૂતરાઓને ખવડાવવા માટે નહીં.

ઍડ્વૉકેટ દાતાર: કૃપા કરીને 7 નવેમ્બર, 2025ના આદેશને ઍરપોર્ટ પર પણ લાગુ કરો. ઍરપોર્ટ ઑથોરિટી જણાવે છે કે અમારી ફરિયાદ છતાં તેઓ લાચાર છે, કારણ કે એવી ધારણા છે કે કૂતરાઓને પકડ્યા બાદ ફરી ત્યાં જ છોડવા પડશે.

જસ્ટિસ મહેતા: ગુજરાત હાઇકોર્ટની ઘટના પછી હવે અમારી પાસે અદાલતોમાં પણ કૂતરાઓના હુમલાના કિસ્સાઓ આવી રહ્યા છે. સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કૂતરાઓને પકડવા ગયા, ત્યારે વકીલોએ જ તેમના પર હુમલો કરી દીધો! તથાકથિત શ્વાન પ્રેમીઓ (Dog Lovers)!