બાળકોના શોષણની ઓનલાઇન સામગ્રી રોકવા મુદ્દે સુપ્રીમે કેન્દ્રનો જવાબ માગ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- તમામ સોશિયલ મીડિયા કંપનીઓ માટે કડક નિયમોની સુપ્રીમમાં માગ
- સોશિયલ મીડિયા કંપનીઓ આવી સામગ્રીની પોલીસને જાણ ના કરી પોક્સો કાયદાનું પાલન નથી કરી રહી : અરજદાર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર બાળકોના શારીરિક શોષણની સામગ્રીને લઇને સુનાવણી કરી હતી, સાથે જ પોક્સો કાયદા મુજબ ફરજિયાત આવી સામગ્રી રોકવાની જોગવાઇનું પાલન ના થવા બદલ પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ મુદ્દે હાલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ હાલ બાળકોના શારીરિક શોષણની જાણકારી પોલીસને નથી કરી રહ્યા તેને લઇને પણ સવાલો ઉઠાવાયા છે.
સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર બાળકોના શારીરિક શોષણની કોઇ સામગ્રી આવે છે તો સોશિયલ મીડિયા કંપનીઓ તેને લઇને સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટને ફરિયાદ નથી કરતી, જ્યારે હકીકતમાં આવી ફરિયાદ કરવી કે જાણકારી આપવી તે પોક્સો કાયદા હેઠળ ફરજિયાત છે. જોકે કંપનીઓ તેનંુ પાલન નથી કરી રહી તેવો દાવો આ અરજીમાં કરવામાં આવ્યો છે. જેને પગલે બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી આ મામલે જવાબ માગવામાં આવ્યો છે.
થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવ્યો હતો, જોકે બાદમાં તેને ફરી વિઝિબલ કરી દેવાયો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર બાળકોના શારીરિક શોષણ અંગેની સામગ્રીને રોકવા માટે યોગ્ય પગલા ના લેવા બદલ મેટા પાસેથી જવાબ માગ્યો હતો. હવે આ જ પ્રકારનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે, અરજદારે એવી માગ કરી છે કે એક યુનિફોર્મ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો અમલ થવો જોઇએ, જ્યારે પણ કોઇ બાળકોનું શારીરિક શોષણ કરતી સામગ્રી સોશિયલ મીડિયા કે ઓનલાઇન પ્લેટફોર્મ પર અપલોડ કરે કે જાહેર કરે કે તુરંત જ તેનું આઇપી એડ્રેસ તપાસ એજન્સી પાસે જવું જોઇએ સાથે જ ઇલેક્ટ્રોનિક પુરાવા સંગ્રહ કરી શકાય તે પ્રકારનું માળખુ તૈયાર કરવામાં આવે.









