રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકાર પાસે માંગ્યો SIT રિપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Ram Mandir donation case: અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના મામલે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું ભર્યું છે. કોર્ટે આ મામલે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે અને એક અઠવાડિયામાં આખા મામલાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, 'અમે સમજી શકીએ છીએ કે હાલ તપાસ ચાલી રહી છે. આ સાથે જ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 'SIT'(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)નો સ્ટેટસ રિપોર્ટ પણ મંગાવ્યો છે. હાલ સુરક્ષા અને ગુપ્તતાના કારણોસર આ રિપોર્ટની નકલ અરજીકર્તાઓને આપવામાં નહીં આવે અને તેને સીલબંધ પરબિડીયામાં જ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.' ચીફ જસ્ટિસ(CJI) સૂર્યકાંતની બેંચ દ્વારા આ મામલે દાખલ થયેલી ચાર અરજીઓ પર સુનાવણી શરૂ કરવામાં આવી છે, જેની આગામી સુનાવણી સોમવારે (20 તારીખે) હાથ ધરાશે.
CBI તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ સાથે હિન્દુ ધર્મ પરિષદ સુપ્રીમ કોર્ટ પહોંચી
રામ મંદિરમાં દાન તરીકે આવેલા દાનની ચોરીના આ ગંભીર મામલામાં હવે 'હિન્દુ ધર્મ પરિષદ' પણ સુપ્રીમ કોર્ટના શરણે ગઈ છે. સંસ્થાએ માંગ કરી છે કે આ કથિત દાન ચોરીની તપાસ સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ થવી જોઈએ જેથી કરીને આખી પ્રક્રિયા પારદર્શક રહે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ ચાર અરજીઓ દાખલ થયેલી છે, જેમાં વકીલ નરેન્દ્ર કુમાર ગોસ્વામી, અજય કુમાર રાય અને આરજેડી (RJD) સાંસદ સુધાકર સિંહની અરજીઓ સામેલ છે. આમાંથી બે અરજીઓમાં સમગ્ર મામલાની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક અરજીમાં પુરાવાઓ સુરક્ષિત રાખવા અને મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારોનું ફોરેન્સિક ઓડિટ કરાવવાની અપીલ કરાઈ છે.
દાન એ પવિત્ર ન્યાસ સંપત્તિ છે: અરજીકર્તાની દલીલ
વકીલ નરેન્દ્ર ગોસ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ સાર્વજનિક મંદિર કે ધાર્મિક સ્થળ પર ભક્તો દ્વારા આપવામાં આવતું દાન એ એક પવિત્ર ન્યાસ સંપત્તિ (ટ્રસ્ટ પ્રોપર્ટી) છે, જે કાયદાકીય રીતે ત્યાંના આરાધ્ય દેવતાની માલિકીની ગણાય. આથી, આવા દાન અને દાનનું સંચાલન કરતાં લોકો માત્ર વહીવટકર્તા છે અને તેઓ સંપૂર્ણ પારદર્શકતા તથા જવાબદારી જાળવવા માટે બંધાયેલા છે. અરજીમાં રામ મંદિરના દાન સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો, સીસીટીવી(CCTV) ફૂટેજ અને ડિજિટલ લોગને તાત્કાલિક અસરથી સુરક્ષિત કરવા માટે આદેશ આપવાની માંગ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય મહત્ત્વના મંદિરોના દાન માટે કડક વ્યવસ્થા ઊભી કરવા અપીલ
અરજીકર્તાઓએ કોર્ટને વિનંતી કરી છે કે મામલાની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટ દેશના તમામ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા મોટા મંદિરો માટે એક ખાસ બંધારણીય વ્યવસ્થા અને સુરક્ષા ઉપાયો નક્કી કરે. જનતા તરફથી મળતા કરોડો રૂપિયાના દાન અને કીમતી વસ્તુઓનો વહીવટ સંપૂર્ણપણે પારદર્શક રીતે થાય તે માટે સખત ગાઇડલાઇન બનાવવાનો આદેશ આપવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જસ્ટિસ સુંદરેશની અધ્યક્ષતાવાળી બેન્ચે કોર્ટના ઉનાળુ વેકેશન ખુલ્યા બાદ તેને લિસ્ટ કરવાના નિર્દેશ આપ્યા હતા, જે અંતર્ગત હવે આ સુનાવણી તેજ થઈ છે.









