India

'વિરાટ કોહલીની કેમ મદદ નથી લેતા...', સુપ્રીમ કોર્ટે કેમ આપી સરકારને આવી સલાહ

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્ત્વની સુનાવણી કરી. કોર્ટે સરકારને પ્રદૂષણ નિયંત્રણ અને જનજાગૃતિ માટે વિરાટ કોહલી જેવી જાણીતી હસ્તીઓની મદદ લેવાનો સુઝાવ આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માત્ર કાગળ પર આદેશોથી સમસ્યા નહીં ઉકેલાય. દિલ્હી સરકારે પ્રદૂષણ સામે એક્શન પ્લાન રજૂ કર્યો, જેમાં જૂના વાહનો પર રોક અને બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ જેવા કડક પગલાં સામેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'વિરાટ કોહલીની કેમ મદદ નથી લેતા...', સુપ્રીમ કોર્ટે કેમ આપી સરકારને આવી સલાહ

Supreme Court firecrackers ban: વિરાટ કોહલીનું નામ હવે રમતના મેદાનથી લઈને દેશની સુપ્રીમ કોર્ટ સુધી ગૂંજ્યું છે. દિલ્હી-એનસીઆરમાં દિવાળી પહેલા વધતા વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટમાં એક મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ રોકવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સરકારને વિરાટ કોહલી જેવી જાણીતી હસ્તીઓની મદદ લેવા સુઝાવ આપ્યો છે.

'પ્રદૂષણ રોકવા વિરાટ કોહલીની મદદ કેમ નથી લેતા?': સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ન બી. વરાલેની બેન્ચે પ્રદૂષણના મુદ્દા પર સુનાવણી કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને જણાવ્યું હતું કે, 'માત્ર કાગળ પર આદેશો જાહેર કરવાથી આ સમસ્યા ઉકેલાશે નહીં. પ્રદૂષણ નિયંત્રણમાં તમામ નાગરિકોનો સહયોગ જરૂરી છે અને તેના માટે જનજાગૃતિ ફેલાવવી અત્યંત મહત્ત્વની છે. તમે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિરાટ કોહલી જેવા પ્રખ્યાત ખેલાડીઓ અને જાણીતી હસ્તીઓની મદદ કેમ નથી લેતા?' સાથે જ તેમણે અધિકારીઓને જમીની સ્તર પર ઉતરીને કામગીરી કરવા પણ નિર્દેશ આપ્યા હતા.

સરકારે રજૂ કર્યો પ્રદૂષણ સામેનો એક્શન પ્લાન

સુનાવણી દરમિયાન દિલ્હી સરકાર અને સીએક્યુએમ (CAQM) તરફથી રજૂ થયેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે પ્રદૂષણ સામે લડવા માટે તંત્ર પૂરી રીતે તૈયાર છે. નવેમ્બર મહિનાથી જૂના વાહનો પર રોક, બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ તેમજ દિલ્હીમાં ઓફિસોના સમયમાં ફેરફાર જેવા અનેક કડક પગલાં લાગુ કરવામાં આવશે.

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધના પક્ષમાં નથી કોર્ટ

ફટાકડાના ઉપયોગ અને બેરિયમ પરના પ્રતિબંધ મુદ્દે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કોર્ટ ફટાકડા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી, કારણ કે તેઓ જનતાની લાગણીઓ પણ સમજે છે. પરંતુ આ દરેક જીવજંતુ અને પર્યાવરણ સાથે જોડાયેલા ગંભીર મુદ્દાને ગંભીરતાથી લેવો પડશે અને નિયમોનું પાલન કરાવવું પડશે. આ ઉપરાંત, ફટાકડામાં બેરિયમના ઉપયોગ અંગે આંતરિક સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકારે ત્રણ અઠવાડિયાનો સમય માંગતા કોર્ટે તે સ્વીકારી લીધો છે.