AIADMK Party Leaders: તમિલનાડુમાં ફ્લોર ટેસ્ટ દરમિયાન મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVKને વોટ આપનારા AIADMKના બળવાખોર ધારાસભ્યો સામે AIADMKએ કાર્યવાહી કરી છે. પાર્ટીએ સી.વી. શણમુગમ, એસ.પી. વેલુમણિ અને વિજયભાસ્કરને પક્ષના હોદ્દા પરથી હટાવી દીધા છે.
25 ધારાસભ્યોના પાર્ટી હોદ્દામાં ફેરફાર
AIADMKના મહાસચિવ એડપ્પાદી કે. પલાનીસ્વામીએ બુધવારે જણાવ્યું હતું કે વેલુમણિ, શણમુગમ અને વિજયભાસ્કર સહિત અનેક નેતાઓને તેમના પક્ષના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. પક્ષના આદેશની અવજ્ઞા કરીને દિવસની શરૂઆતમાં વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન TVK સરકારની તરફેણમાં મતદાન કર્યું હતું. પલાનીસ્વામીએ આ 25 ધારાસભ્યોના પક્ષના હોદ્દાઓમાં ફેરફાર કર્યો અને તેમની જગ્યાએ નવા જિલ્લા સચિવોની નિમણૂક કરી.
કયા કયા નેતાઓ પર કાર્યવાહી?
ધારાસભ્યો સહિત કુલ 29 AIADMK નેતાઓને પક્ષના વિવિધ હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે. પદ પરથી હટાવવામાં આવેલા લોકોની યાદીમાં આર. કામરાજ, થંગામણિ, કે.પી. અનબઝગન, બેન્જામિન, ઉદુમલાઈ રાધાકૃષ્ણન, એસાકી સુબ્બૈયા, એમ.સી. સંપત, કે.સી. વીરમણિ અને એમ.આર. વિજયભાસ્કરનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી વિજયે સ્પષ્ટ બહુમતી સાબિત કરી
સીએમ વિજયના નેતૃત્વવાળી ટીવીકે (TVK) સરકારે ગઇકાલે બુધવારે 144 ધારાસભ્યોના સમર્થન સાથે બહુમતી સાબિત કરી દીધી છે, જ્યારે બહુમતી માટે માત્ર 118 ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. વિજયના સમર્થનમાં AIADMKના લગભગ 25 ધારાસભ્યોએ પણ પાર્ટી સામે બળવો કર્યો હતો અને સીએમ વિજયના બહુમત પરીક્ષણ માટે થયેલા મતદાનમાં ભાગ લીધો હતો. આ બળવાખોર નેતાઓનું નેતૃત્વ કરી રહેલા સીવે શણમુગમે જણાવ્યું હતું કે આ ધારાસભ્યોએ ટીવીકે સરકારને કેમ સમર્થન આપ્યું?
AIADMKએ કેમ કર્યું વિજયનું સમર્થન?
બળવાખોર નેતાઓનું નેતૃત્વ કરી રહેલા સીવે શણમુગમે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી અને સી. જોસેફ વિજયના નેતૃત્વવાળી ટીવીકેનો વૈચારિક એજન્ડા સમાન છે, અને તેમની પાર્ટી DMKને 'ખરાબ શક્તિ' તરીકે જુએ છે. આ સમાનતાને કારણે જ વિરોધ પક્ષના ધારાસભ્યોના એક વર્ગે વિશ્વાસ મતના પ્રસ્તાવ દરમિયાન ટીવીકેની વિજય સરકારને ટેકો આપ્યો હતો.


