સુભાષ ચંદ્રાના અચ્છે દિન: રૂ.22,006 કરોડના દેવાની પતાવટ ફક્ત રૂ.6.5 કરોડમાં !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સુભાષ ચંદ્રાની પતાવટ હેરકટ નહીં પણ મુંડન : કોંગ્રેસ
- મારા રૂ. ૬,૨૦૩ કરોડની સામે ૧૪,૧૦૦ કરોડ બેન્કોએ વસૂલ્યા હોવા છતાં સરકાર મને છોડતી નથી: માલ્યા
- એસ્સેલ ગ્રુપની કંપનીઓ અને ઝી એન્ટરટેઇનમેન્ટે દેવાળુ કાઢતાં તે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ગઈ હતી
નવી દિલ્હી : એસ્સેલ ગ્રુપ અને ઝી એન્ટરટેઇનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રા પરના ૨૨,૦૦૬ કરોડના જંગી ઋણની ફક્ત ૬.૫ કરોડ રૂપિયામાં પતાવટ કરવાને મંજૂરી આપી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ બધાને આંચકો આપ્યો છે. કોંગ્રેસે આના પર કટાક્ષ કરતાં હેરકટ નહીં પણ મુંડન જ કહ્યુ છે. સુભાષ ચંદ્રાને કુલ લોનના ૯૯.૯૭ ટકા હેરકટ મળ્યો છે, જે અગાઉ કોઈને આપવામાં આવ્યો નથી.
એનસીએલટીના આ ચોંકાવનારા ચુકાદાએ સમગ્ર બેન્કિંગ અને કોર્પોરેટ સેક્ટરને આંચકો આપ્યો છે. તેનું કારણ એ છે કે લેણદારોએ તેમની લગભગ પૂરેપૂરી રકમ જ ભૂલી જવાની આવી છે. આમ લેણદારોએ ૯૯.૯૭ ટકાનો ફટકો વેઠવાનો આવ્યો છે. એનસીએલટીના ઇતિહાસમાં આટલો જબરદસ્ત હેરકટ કોઈપણ કંપનીને આપવામાં આવ્યો નથી.
કોંગ્રેસે જણાવ્યું હતું કે આ તો ૨૦૧૬માં પસાર કરવામાં આવેલા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી)ની મજાક છે. આ તો હજી શરુઆત છે. આગામી દિવસોમાં આવા બીજા કેટલાય કેસો જોવા મળશે તો આશ્ચર્ય નહીં થાય. ભાજપના રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય હોવાનો આટલો બધો ફાયદો તેમને કઈ રીતે આપી શકાય તેવો સવાલ પણ કોંગ્રેસે ઉઠાવ્યો હતો.
સુભાષ ચંદ્રા અને તેમની એસ્સેલ ગ્રુપની કંપનીઓ પર છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન જંગી ઋણબોજ હતો. લેણુ ચૂકવવામાં અસમર્થતાના લીધે મામલો એનસીએલટીમાં પહોંચ્યો હતો. અહેવાલ મુજબ એનસીએલટીએ ૨૨,૦૦૬ કરોડની જંગી રકમની પતાવટ કરવામાં માટે ચંદ્રા દ્વારા રજૂ કરવામાં આવેલા ફક્ત ૬.૫ કરોડના પ્રસ્તાવને કાયદાકીય મંજૂરી આપી દીધી છે.
એનસીએલટીના ત્રીજા સભ્ય નીલેશ શર્મા (ન્યાયિક)એ પોતાનો નિર્ણાયક ચુકાદો સંભળાવતા તેના રિપેમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે. વાસ્તવમાં સપ્ટેમ્બર ૨૦૨૫માં બે સભ્યોની બેન્ચ વચ્ચે મતભેદ પછી ફેબુ્રઆરી ૨૦૨૬માં આ મામલો તેમને સોંપવામાં આવ્યો હતો. તેના પર નિર્ણય લેતા નીલેશ શર્માએ આ પતાવટ યોજના પર મંજૂરીની મ્હોર મારી છે. આ પહેલા નવેમ્બર ૨૦૨૪માં લેણદારોએ ૮૦.૮૧૪ના બહુમતથી આ પ્લાનને પાસ કરી દીધો હતો, જે આઇબીસીના નિયમો મુજબ જરૂરી ૭૫ ટકાથી વધારે છે. એલઆઇસી હાઉસિંગ, એક્સિસ, કેનેરા અને યુનિયન બેન્ક સહિત કેટલાક અન્ય લેણદારોએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ કુલ વોટિંગમાં તેમની હિસ્સેદારી ૨૦ ટકાથી ઓછી હોવાના લીધે તેમનો વિરોધ સફળ થઈ શક્યો ન હતો તથા પ્લાનને સરળતાથી મંજૂરી મળી ગઈ હતી.
ભાગેડુ જાહેર થયેલા વિજય માલ્યાએ પણ આ મામલે કટાક્ષ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે જો આ વાત સાચી હોય તો મારા મિત્ર સુભાછ ચંદ્ર તને ખૂબ-ખૂબ અભિનંદન. બેન્ક અને સરકારે પોતે માન્યું છે કે તેમણે મારા પરના ૬,૨૦૩ કરોડના દેવાના બદલામાં મારી પાસેથી ૧૪,૧૦૦ કરોડ રૂપિયા વસૂલ્યા છે. જ્યારે બીજા કેટલાય દેવાદારો પોતાના દેવાનો નામ માત્રની રકમ આપી દેવાની ચૂકવણી કરી દીધી છે.
બેન્કિંગ અને ફાઈનાન્સની ભાષામાં હેરકટનો અર્થ તે રકમ થાય છે જે બેન્ક કે લેણદાર ડૂબેલી રકમ માનીને છોડવા તૈયાર થાય, જેથી તેને કમસેકમ થોડી રકમ તો પરત મળી શકે. અહીં ૯૯.૯૭ ટકા હેરકટનો અર્થ એવો થાય કે નાણાસંસ્થાઓ અને લેણદારોએ સુભાષ ચંદ્રાને ૧૦૦ રૂપિયા આપ્યા હતા, તેના બદલામાં તેમને ત્રણ પૈસા જ પરત મળશે.




