મહાકાલ પરિસરમાં નાગચંદ્રેશ્વર મંદિરમાં નાસભાગ, શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત; વર્ષમાં એક જ દિવસ માટે ખૂલે છે મંદિરના કપાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stampede Like Situation at Nagchandreshwar Temple : પવિત્ર શ્રાવણ માસના સોમવારે મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પરિસરમાં દુર્ઘટના સર્જાઈ છે. વર્ષમાં માત્ર એક જ વાર ખુલતા પૌરાણિક નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે ઉમટેલી લાખો ભક્તોની ભારે ભીડ વચ્ચે અચાનક નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં અમુક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
બેરિકેડિંગ પાસે અચાનક દબાણ વધતાં સ્થિતિ વણસી
ઉત્તર ભારતના રાજ્યોમાં આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. ભગવાન મહાકાલ અને નાગચંદ્રેશ્વર મહાદેવના વિશેષ દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો. મંદિર પરિસર નજીક આવેલા હરસિદ્ધિ માતાના મંદિર સામેના બેરિકેડિંગ વાળા વિસ્તારમાં ભીડનું દબાણ અચાનક વધી ગયું હતું. લોકો આગળ વધવા માટે ધક્કામુક્કી કરવા લાગતાં અફરાતફરી મચી ગઈ હતી.
અનેક શ્રદ્ધાળુઓ બેભાન થયા
- ભીડનું ભારે દબાણ વધવાના કારણે ઘણા શ્રદ્ધાળુઓની તબિયત લથડી હતી અને ગૂંગળામણના કારણે કેટલાક લોકો નીચે પડીને બેભાન થઈ ગયા હતા.
- ઘટનાસ્થળે તૈનાત સુરક્ષાકર્મીઓ અને ભક્તોના પરિવારજનોએ તાત્કાલિક લોકોને ભીડમાંથી બહાર કાઢ્યા હતા.
- સ્થાનિક અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને તુરંત જ એમ્બ્યુલન્સ અને સુરક્ષા વાહનો મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વર્ષમાં માત્ર 1 જ દિવસ ખુલે છે નાગચંદ્રેશ્વરના કપાટ
ઉલ્લેખનીય છે કે મહાકાલ મંદિરના શિખર પર સ્થિત નાગચંદ્રેશ્વર મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક જ વાર નાગપંચમીના પાવન અવસરે ખોલવામાં આવે છે. આ દુર્લભ દર્શનનો લાભ લેવા દેશભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉજ્જૈન પહોંચે છે. સત્તાવાર માહિતી અનુસાર, અત્યાર સુધીમાં આશરે 5.50 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.
( નોંધ- ગુજરાતમાં શ્રાવણ વદ પાંચમ (કૃષ્ણ પક્ષ)ના દિવસે નાગ પાંચમની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે, જે ઉત્તર ભારત કરતાં 15 દિવસ પછી આવે છે. )
બિહારના અશોકધામ મંદિરમાં મોટી દુર્ઘટના: વીજપોલ પડવાની અફવા બાદ નાસભાગ
બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં સોમવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પવિત્ર શ્રાવણ માસના સોમવારે ભગવાન શિવના દર્શન માટે ઉમટેલી ભારે ભીડ વચ્ચે અચાનક નાસભાગ જેવી સ્થિતિ સર્જાતા 7 મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા છે. લખીસરાયના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) શૈલેન્દ્ર કુમારે જણાવ્યું છે કે, અશોકધામ રેલવે સ્ટેશનની બિલકુલ સામેથી મંદિર પરિસર સુધી ભક્તોની લાંબી લાઈન લાગેલી હતી. તે જ સમયે સ્ટેશન પર 2 ટ્રેનો આવી પહોંચી હતી, જેના કારણે ભીડનું દબાણ અચાનક વધી ગયું. આ દરમિયાન વીજળીનો થાંભલો પડ્યો હોવાની ખોટી અફવા ફેલાઈ ગઈ, જ્યારે હકીકતમાં માત્ર વીજળીનો વાયર તૂટ્યો હતો. અફવાના કારણે ડાબી બાજુ લાગેલી મહિલાઓની લાઈનમાં ભારે દબાણ સર્જાયું અને મહિલાઓ એકબીજા પર પડતી ગઈ.









