શ્રાવણ માસમાં ધર્મ પરાયણતામાં મંદિરોમાં નાસભાગ : સાતનાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બિહારના અશોકધામ અને ઉજૈનના નાગચંદ્રશ્વર મંદિરમાં ધક્કામુકી
- બંગાળના તારાપીઠ મંદિરની બાજુમાં આવેલી હોટલમાં ભીષણ આગ લાગતા સાત યાત્રાળુઓ બળીને ભડથું, અનેક દાઝ્યા
નવી દિલ્હી : બિહારના અશોકધામ મંદિરમાં દર્શન માટે ભીડ જામી હતી. એ દરમિયાન નાસભાગ થઈ જતાં સાતનાં મોત થયા હતા. અનેકને ઈજા પહોંચી હતી. વર્ષમાં માત્ર એક જ વખત નાગપંચમીના દિવસે દર્શન માટે ખુલતા ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં પણ આવી જ ધક્કામુક્કીની ઘટના બની હતી, જેમાં ઘણાં લોકોને ઈજા પહોંચી હતી. બંગાળમાં એક આગની દુર્ઘટનામાં પણ સાતના મોત થયા હતા.
બિહારના લખીમરાયમાં આવેલા વિખ્યાત અશોકધામ મંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે સવારે દર્શન માટે ભીડ જામી હતી. મંદિરમાં સુરક્ષાની વ્યવસ્થા નબળી હોવાથી નાસભાગ મચી હોવાનો આરોપ શ્રદ્ધાળુઓ લગાવી રહ્યા છે. બેરિકેડિંગ હોવા છતાં લગભગ ૧૦૦ લોકો અંદર ઘૂસવાની કોશિશ કરતા હતા અને તેના કારણે ધક્કામુક્કી થઈ હતી. દર્શનની લાઈનમાં આગળ ઉભેલી મહિલાઓ આ ધક્કામુક્કીના કારણે કચડાઈ ગઈ હતી. લોકો એક ઉપર એક પડયા હતા, જેમાં કચડાઈ જવાથી સાત મહિલાઓનાં મોત થયા હતા ને લગભગ ૧૨ લોકોને ગંભીર ઈજા થઈ હતી. તે સિવાયના ઘણાં શ્રદ્ધાળુઓ ઈજા પામ્યા હતા.
નાસભાગની આવી જ એક ઘટના ઉજ્જૈનના મહાકાલ પરિસરમાં બની હતી. નાગચંદ્રેશ્વર મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. આ મંદિરમાં વર્ષમાં માત્ર એક દિવસ નાગપંચમીએ જ દર્શન માટે ખુલે છે એટલે શ્રદ્ધાળુઓ દર્શન કરી લેવા ઉતાવળા બન્યા હતા. એ દરમિયાન એકાએક ધક્કામુક્કી થઈ ગઈ હતી. આ ઘટનામાં જાનહાનિ થઈ નથી, પરંતુ ૧૩ લોકો બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. તે સિવાયના ઘણાં લોકોને નાની-મોટી ઈજા થઈ હતી.
પશ્ચિમ બંગાળમાં વીરભૂમિ જિલ્લામાં તારાપીઠ મંદિરની નજીક આવેલી હોટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. હોટલ મંદિરની નજીક હોવાથી એમાં ઉતારો લેનારા મોટાભાગના યાત્રાળુઓ હતા. ચાર માળની હોટલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ ફાટી નીકળી હતી. હોટેલમાં રોકાયેલા ઘણાં શ્રદ્ધાળુઓ આગની જ્વાળામાં ફસાઈ ગયા હતા. સાત યાત્રાળુઓનાં મોત થયા હતા. એ સિવાયના ઘણા દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.









