દુકાનમાં ચાઇનાના સીસીટીવી દ્વારા પાક. માટે જાસૂસી, યુવકની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લુધિયાણા : પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ પંજાબના લુધિયાણામાંથી એક દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે. બુટ ચપ્પલની દુકાનની આડમાં આરોપી લુધિયાણાની તમામ માહિતી પાકિસ્તાન મોકલી રહ્યો હતો. દુકાનમાં સીસીટીવી કેમેરા રોડ તરફ લગાવ્યા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે ૨૨ વર્ષીય આ આરોપીએ પોતાની દુકાને ચાઇનાના સીસીટીવી કેમેરા લગાવ્યા હતા જેની લાઇવ ફીડ પાકિસ્તાની એજન્સીઓ સુધી પહોંચાડવામાં આવી રહી હતી. પોલીસને મળેલી ગુપ્ત સુચના બાદ આરોપીને એક છટકુ ગોઠવીને પકડી પાડવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અલગ અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરીને ધાક ધમકીઓ પણ આપતો હતો.
પોલીસને એવી શંકા છે કે પાકિસ્તાની એજન્સી લુધિયાણામાં કોઇ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. આરોપીએ પૂછપરછમાં ગુનો કબુલી લીધો છે, તેણે વધુમાં ખુલાસો કરતા કહ્યું છે કે મને પાકિસ્તાન સ્થિત હેન્ડલર દ્વારા સલાહ આપવામાં આવી હતી જે મુજબ મે લુધિયાણા-ફિરોઝપુર રોડ પર દુકાન લીધી હતી. દુકાનનું ૪૦ હજાર રૂપિયા ભાડુ પણ ચુકવી રહ્યો હતો. આ દુકાન મહત્વના સૈન્ય હથિયારોનું સરક્ષણ ધરાવતા એક ડેપોથી થોડે દૂર રાખવામાં આવી હતી.




