India

બે-બે વાર કેન્સરની આશંકા અને છાનીછૂપી સર્જરી: સોનિયા ગાંધીએ પુસ્તકમાં વર્ણવી જીવલેણ બીમારી સામેની લડાઈ

By GS Team
10 Nov 20264 mins read
TukuTouch Logo
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની આત્મકથા 'Belonging: A Journey of Love'માં કેન્સરની આશંકા સામેના સંઘર્ષનો ખુલાસો કર્યો છે. 2010માં સ્તન કેન્સરની આશંકાથી ઇટાલીના મિલાનમાં ગુપ્ત ઓપરેશન કરાવ્યું હતું. 2011માં પેન્ક્રિયાસમાં ગાંઠ મળતા નેધરલેન્ડ્સમાં ફરી ગુપ્ત સર્જરી કરાવી. 2016માં વારાણસી રોડ-શો દરમિયાન તેઓ બેભાન થયા હતા. આ કઠિન તબક્કાઓમાં પરિવારનો સાથ અને રાજીવ ગાંધીની યાદો તેમને બળ પૂરું પાડતી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બે-બે વાર કેન્સરની આશંકા અને છાનીછૂપી સર્જરી: સોનિયા ગાંધીએ પુસ્તકમાં વર્ણવી જીવલેણ બીમારી સામેની લડાઈ

Sonia Gandhi Memoir: Battle with Cancer Scare, Secret Surgeries | રાજકારણના મંચ પર અડગ અને મક્કમ દેખાતા નેતાઓ પણ અંદરથી ગંભીર બીમારીઓ અને પારિવારિક વેદનાઓ સામે ઝઝૂમતા હોય છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની આત્મકથા 'Belonging: A Journey of Love'માં પોતાની જિંદગીના સૌથી દર્દનાક અને કઠિન તબક્કાનું વર્ણન કર્યું છે. તેમણે પહેલીવાર સત્તાવાર ખુલાસો કર્યો છે કે તેઓ બે વાર કેન્સરની આશંકા સામે જીવલેણ સંઘર્ષ લડી ચૂક્યા છે. વર્ષ 2010માં સ્તન કેન્સરની આશંકાથી થયેલા ઓપરેશનથી લઈને એક જ વર્ષ બાદ પેન્ક્રિયાસમાં મળેલી રહસ્યમય ગાંઠ સુધી… આ બંને ગંભીર કટોકટી વખતે તેઓ પોતાના સંભવિત પરિણામોથી થથરી ગયા હતા.

2010: સ્તન કેન્સરની આશંકા અને મનમાં ઉઠેલા કંપાવનારા વિચારો

વર્ષ 2010માં સોનિયા ગાંધીને સ્તન કેન્સરની આશંકા જણાતાં ડોક્ટરોએ તાત્કાલિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી. તેમણે લખ્યું છે કે, 2010માં સ્તન કેન્સરની આશંકાને પગલે મને ઓપરેશન કરાવવાની સલાહ આપવામાં આવી હતી. સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટરો પર મને પૂરો વિશ્વાસ હતો. તેમ છતાં હું ડરી ગઈ હતી અને ભારે ચિંતામાં હતી. મને અને મારા બાળકોને જણાવવામાં આવ્યું હતું કે સમય ગુમાવવાની સહેજ પણ ગુંજાઈશ નથી. મારા મનમાં સંભવિત ભયાવહ પરિણામોને લઈને જાત-જાતના વિચારો આવવા લાગ્યા હતા.

પ્રાઈવસી ખાતર ટાટા મેમોરિયલ છોડી ઇટાલીના મિલાનમાં ગુપ્ત ઓપરેશન

સોનિયા ગાંધીએ હંમેશા પોતાની અંગત જિંદગીને ગુપ્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈની જાણીતી ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લેવાને બદલે તેમણે વિદેશ જવાનું પસંદ કર્યું, કારણ કે તેમને ડર હતો કે મીડિયા તેમની અંગત જિંદગી અને બીમારીની વિગતોને ચગાવશે. તેમણે પુસ્તકમાં આક્રોશ સાથે લખ્યું કે, મેં હંમેશાં મારી અંગત જિંદગીને ગોપનીય રાખવાનો પ્રયત્ન કર્યો હતો અને મારી બીમારી વિશે મીડિયામાં ચર્ચા થવાનો વિચાર પણ મને પીડાદાયક લાગતો હતો, બલ્કે તેનાથી મને ગુસ્સો આવતો હતો. એ સાચું છે કે હું એક જાહેર જીવનની વ્યક્તિ બની ગઈ હતી, પરંતુ શું તેનો અર્થ એ હતો કે મને થોડો પણ અંગતતાનો અધિકાર ન મળવો જોઈએ?

ઓપરેશન થિયેટર તરફ જતાં રાહુલ-પ્રિયંકાએ હાથ પકડીને માથું ચૂમ્યું

ઇટાલીમાં એક વરિષ્ઠ અધિકારી, પુત્ર રાહુલ ગાંધી, પુત્રી પ્રિયંકા ગાંધી, જમાઈ રોબર્ટ વાડ્રા તેમજ પોતાની બહેનો નાદિયા અને અનુષ્કાની હાજરી વચ્ચે જાણીતા સર્જન ડૉ. ઉમ્બર્ટો વેરોનેસીની દેખરેખમાં તેમનું ઓપરેશન થયું. સોનિયા ગાંધીએ એ ક્ષણને યાદ કરતાં જણાવ્યું કે ઓપરેશન થિયેટર તરફ લઈ જતી વખતે રાહુલ અને પ્રિયંકાએ તેમનો હાથ થામી લીધો હતો અને કપાળ પર વહાલથી ચુંબન કરીને ભરોસો આપ્યો હતો કે બધું બરાબર થઈ જશે. સર્જરી દરમિયાન ડોક્ટરે શરીરમાંથી બે ટ્યુમર બહાર કાઢ્યા. તેમાંથી એક ટ્યુમરમાં કેન્સરની આશંકા નહોતી, છતાં સાવચેતીના પગલારૂપે તેને હટાવી દેવાયો હતો. ડોક્ટરોએ ઓપરેશન દરમિયાન જ રેડિયેશન ટ્રીટમેન્ટ આપી દીધી હતી, જેનાથી સોનિયાને 5 અઠવાડિયા સુધી દરરોજ રેડિયોથેરાપી કરાવવાની પીડામાંથી મુક્તિ મળી ગઈ હતી.

એક વર્ષ પછી પેન્ક્રિયાસમાં બીજી ગાંઠ: મનમાં ભયાનક આંચકો

પહેલા ઓપરેશન પછી સાજા થવામાં આશરે એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. પરંતુ નિયમિત મેડિકલ ચેકઅપ દરમિયાન તેમના પેન્ક્રિયાસમાં વધુ એક ગાંઠ જોવા મળી. આ સમગ્ર પરિવાર માટે એક ભારે આઘાત સમાન હતું. સોનિયા ગાંધીએ લખ્યું છે કે, આ મારા અને બાળકો માટે એક મોટો આંચકો હતો. અમને તરત વિચાર આવ્યો કે ક્યાંક પહેલી બીમારી ફરીથી તો નથી ઊભરી આવી ને? અનેક ડોક્ટરોની સલાહ બાદ જાણવા મળ્યું કે મને તાત્કાલિક બીજા ઓપરેશનની જરૂર છે. શરૂઆતમાં આ ટ્યુમર 'ન્યુરોએન્ડોક્રાઇન' હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેનો અર્થ એ હતો કે ઓપરેશન લાંબું ચાલશે અને હોસ્પિટલમાં પણ લાંબો સમય રહેવું પડશે.

આ વખતે તેમને નેધરલેન્ડ્સના રોટરડેમ ખાતે આવેલા 'ઇરાસ્મસ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર' મોકલવામાં આવ્યા, જ્યાં પેન્ક્રિયાસના જાણીતા સર્જન ડૉ. કેસ્પર વાન આઇકે તેમની સારવાર કરી. આ ઓપરેશન સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. તેની જાણકારી માત્ર તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને કેટલાક અતિ-વિશ્વાસુ સાથીઓ પૂરતી જ સીમિત હતી. ઓપરેશન બાદ ડૉ. વાન આઇકે જણાવ્યું કે સોનિયા નસીબદાર હતા કે આ ટ્યુમર કેન્સર-પૂર્વેની પ્રારંભિક અવસ્થામાં જ ઝડપાઈ ગયું હતું.

ઓગસ્ટ 2016: વારાણસીમાં બેભાન થઈ ઢળી પડ્યા અને રાજીવ ગાંધીનો ચહેરો દેખાયો

બીમારીઓમાંથી બહાર આવ્યાના થોડા વર્ષો બાદ, ઓગસ્ટ 2016માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન વારાણસીમાં એક વિશાળ રોડ-શો યોજાયો હતો. રસ્તાની બંને બાજુ કૉંગ્રેસ સમર્થકોની ભારે ભીડ હતી. આ કાફલો સતત 5 કલાક સુધી તડકામાં ચાલતો રહ્યો. શારીરિક અશક્તિ અને સતત વધતી થાકને કારણે સોનિયા ગાંધી અચાનક ચક્કર ખાઈને બેભાન થઈને ઢળી પડ્યા. તેમને તાત્કાલિક એર-એમ્બ્યુલન્સ દ્વારા વિમાન મારફતે દિલ્હી લાવવામાં આવ્યા. હોશ આવવા અને પાછા બેભાન થવાની વચ્ચે સોનિયા ગાંધીને એક અજીબ અનુભવ થયો. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે, મેં રાજીવને જોયા, જેઓ મારી તરફ હાથ લંબાવી રહ્યા હતા અને એક શાંત, આશ્વાસન આપતી સ્મિત સાથે મારી સામે જોઈ રહ્યા હતા, જાણે કહી રહ્યા હોય કે બધું ઠીક થઈ જશે.