હૉસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત્, પત્નીએ કહ્યું- 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonam Wangchuk Fast Continues in Hospital: દિલ્હીના જંતર-મંતર પર દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને NEET પેપર લીક વિવાદ મુદ્દે છેલ્લા 20 દિવસથી આમરણ અનશન પર બેઠેલા પ્રખ્યાત ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે સવારે સફદરજંગ હૉસ્પિટલમાં ખસેડ્યા છે. આ ઘટના બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ જે. આંગમોએ હૉસ્પિટલ બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં સ્પષ્ટ કર્યું છે કે, વાંગચુકને હૉસ્પિટલમાં દાખલ કરવા છતાં તેમનું અનશન ચાલુ જ છે અને આગામી 20 જુલાઈએ યોજાનારી સંસદ માર્ચ પોતાના નિર્ધારિત સમય મુજબ જ આગળ વધશે.
20 જુલાઈએ સંસદ સુધી જશે આંદોલનકારીઓ
ગીતાંજલિ જે. આંગમોએ જણાવ્યું કે, 20 જુલાઈએ સંસદ તરફ યોજાનારી માર્ચ સંપૂર્ણપણે યથાવત્ છે. શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર કરવો એ વહીવટીતંત્ર અને નીતિ ઘડવૈયાઓની જવાબદારી છે. આપણું કામ માત્ર તેમને એ જણાવવાનું છે કે વર્તમાન સિસ્ટમ સંપૂર્ણપણે પડી ભાંગી છે.
આ આંદોલન હવે માત્ર NEET પેપર લીક પૂરતું મર્યાદિત નથી રહ્યું. આ આખી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટેની વ્યાપક ઝુંબેશ બની ચૂકી છે. આ મુવમેન્ટ સમગ્ર દેશના અંતરાત્માને જગાડવા માટે છે, અને તે ઘણી હદ સુધી જાગી પણ ચૂક્યો છે.
- ગીતાંજલિ જે. આંગમો
હૉસ્પિટલે ગ્લુકોઝ આપવાનું કહ્યું પણ વાંગચુક હજુ અડગ
હૉસ્પિટલ દ્વારા સોનમ વાંગચુકને ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ પાવડર આપવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ વાંગચુક પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે અને તેમણે કોઈપણ પ્રકારની શુગર કે પાવડર લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. તેઓ છેલ્લા 20 દિવસથી માત્ર મીઠાવાળું પાણી પીને જ પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે. ગીતાંજલિએ ઉમેર્યું કે, સતત ઉપવાસના કારણે તેમના સ્નાયુઓ નબળા પડ્યા છે અને શરીરમાં અશક્તિ છે, પરંતુ માનસિક રીતે તેઓ અત્યંત મજબૂત અને સજાગ છે.
પોલીસ કાર્યવાહી પર વાંગચુકના પત્નીએ ઉઠાવ્યા સવાલ
વાંગચુકના પરિવારે દિલ્હી પોલીસ દ્વારા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયા સામે કાનૂની સવાલો ઉઠાવ્યા છે. હાઇકોર્ટના આદેશનો ઉલ્લેખ કરતાં ગીતાંજલિએ કહ્યું કે, કોર્ટે ક્યારેય હૉસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપ્યો નહોતો. કોર્ટે માત્ર એટલું જ કહ્યું હતું કે વ્યક્તિનું આરોગ્ય સર્વોપરી છે અને નિયમિત અંતરે તેની તપાસ થવી જોઈએ. આ ઉપરાંત હૉસ્પિટલ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગઈકાલે તેમનું પોટેશિયમ લેવલ 4.3 હતું, તો આજે અચાનક તે ઘટીને 2.9 કેવી રીતે થઈ શકે? સરકાર જે આંકડા ટાંકી રહી છે તેની સત્યતા તપાસવા માટે અમે બહારની સ્વતંત્ર લેબોરેટરીમાંથી ટેસ્ટ કરાવીશું. કોઈપણ દવા આપતા પહેલાં અમે રિપોર્ટ્સની સ્વતંત્ર ચકાસણી કરવા માંગીએ છીએ.
- ગીતાંજલિ જે. આંગમો
ઉપવાસના કારણે સોનમ વાંગચુકના શરીરમાં નબળાઈ આવી: હૉસ્પિટલ
બીજી તરફ, સફદરજંગ હૉસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. ચારુ બામ્બાએ જણાવ્યું હતું કે સોનમ વાંગચુક સવારે 7:40 વાગ્યે હૉસ્પિટલ આવ્યા હતા. લાંબા ઉપવાસના કારણે તેમને સામાન્ય ડીહાઇડ્રેશન અને નબળાઈ છે, પરંતુ તેમના બાકીના તમામ વાઇટલ પેરામીટર્સ સ્થિર છે અને સતત મોનિટરિંગ હેઠળ સારવાર ચાલી રહી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે તબિયત લથડવાના કારણે મેડિકલ એડવાઇઝ અને હાઇકોર્ટના નિર્દેશો મુજબ જ તેમને શિફ્ટ કરાયા છે.









