India

મિલકત માટે સગા પુત્રએ કરોડપતિ પિતાની સોપારી આપી! હત્યારાને કહ્યું- પકડાય તો પત્નીનું નામ લેજે

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
કાનપુરના કલ્યાણપુર સ્થિત રતન ઓર્બિટ એપાર્ટમેન્ટમાં 5 સપ્ટેમ્બરે દવા વેપારી વિનીત મિનોચા (63)ની હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. 40 લાખના દેવામાં ડૂબેલા પુત્ર સુબ્રતે જ સટ્ટા અને કેસિનોની લતને કારણે પિતાની સોપારી આપી હત્યા કરાવી હતી. પોલીસે મુખ્ય આરોપી પુત્ર સુબ્રતની ધરપકડ કરી છે. CCTV ફૂટેજ અને પૂછપરછમાં સમગ્ર ષડયંત્રનો ખુલાસો થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

મિલકત માટે સગા પુત્રએ કરોડપતિ પિતાની સોપારી આપી! હત્યારાને કહ્યું- પકડાય તો પત્નીનું નામ લેજે

Kanpur Murder Case : કાનપુરના કલ્યાણપુર વિસ્તારમાં આવેલા ઈન્દિરાનગર સ્થિત રતન ઓર્બિટ એપાર્ટમેન્ટમાં 5 સપ્ટેમ્બરની રાત્રે થયેલી જાણીતા દવા વેપારી વિનીત મિનોચા (63)ની ચકચારી હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સટ્ટો અને કેસિનો રમવાની ખરાબ આદતના કારણે 40 લાખ રૂપિયાથી વધુના દેવામાં ડૂબેલા સગા પુત્ર સુબ્રત મિનોચાએ જ સોપારી આપીને પોતાના પિતાની ઘાતકી હત્યા કરાવી હતી. આ હત્યાનું ષડયંત્ર ઘડનાર મુખ્ય આરોપી પુત્ર સુબ્રતની પોલીસે ધરપકડ કરી લીધી છે.

જુગારની લત અને 40 લાખનું દેવું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક વિનીત મિનોચા પોતાના પુત્ર સુબ્રતને દર મહિને 40 હજાર રૂપિયા પોકેટમની તરીકે આપતા હતા. આમ છતાં સુબ્રત કેસિનો અને સટ્ટાબાજીની ખરાબ લતમાં ફસાઈ ગયો હતો. તેના કારણે તેના માથે આશરે 40 લાખ રૂપિયાનું મોટું દેવું થઈ ગયું હતું. પિતા દ્વારા વારંવાર ટોકવામાં આવતા અને પૈસા બાબતે નિયંત્રણો લાદવામાં આવતા સુબ્રત ભારે પરેશાન રહેતો હતો. આખરે તેણે વિશાલ ગૌતમ અને રાજકિશોર નામના શખ્સો સાથે મળીને આ ભયાનક કાવતરું રચ્યું અને શૂટરો મારફતે પિતાની હત્યા કરાવી દીધી.

મિલકત પડાવી લેવા ઘડ્યું ષડયંત્ર

સુબ્રતે પોલીસ સમક્ષ એવો દાવો કર્યો હતો કે, તેના પિતાના અન્ય મહિલાઓ સાથે સંબંધો હતા અને તેઓ કોઈને પણ ઘરમાં લાવીને કરોડોની સંપત્તિ પોતાના હાથમાંથી છીનવી શકે તેમ હતા. બીજી તરફ, પુત્રવધૂ શાલૂએ પતિને નિર્દોષ ગણાવીને પોતાને જેલ ભેગી કરવાની વિનંતી કરી હતી. જોકે, હત્યારા પકડાય તો પુત્રવધૂને ફસાવી દેવાની યોજના હોવાની વિગતો પણ સામે આવી છે. તપાસ દરમિયાન એ પણ સ્પષ્ટ થયું છે કે, હત્યાના દિવસે ફ્લેટનું તાળું ડુપ્લિકેટ ચાવીથી નહીં પણ અસલ ચાવીથી ખોલવામાં આવ્યું હતું, જે ચાવી સુબ્રતે જ શૂટરોને આપી હતી.

પોલીસ તપાસમાં ઘોર બેદરકારી

આ સમગ્ર કેસમાં કલ્યાણપુર પોલીસની ગંભીર બેદરકારી પણ છતી થઈ છે. ઘટના બાદ આરોપી સુબ્રત રૂમમાં આશરે 15 મિનિટ સુધી કોઈપણ પ્રકારના પોલીસ બંદોબસ્ત વિના એકલો ઊભો રહ્યો હતો અને ફ્લેટના બંને દરવાજા પર એક પણ પોલીસકર્મી તહેનાત નહોતો. આટલી મોટી ચૂક અને ઢીલા વલણને જોઈને ડીસીપી કાસિમ આબિદીએ ઈન્સ્પેક્ટર કેશવ તિવારીનો જોરદાર ઉધડો લીધો હતો.

CCTV ફૂટેજથી બેનકાબ થયો પુત્ર

5 સપ્ટેમ્બરની મોડી રાત્રે એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર સી-104માં વિનીત મિનોચા પર તીક્ષ્ણ હથિયાર વડે 18થી વધુ ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે પોતે શંકાના દાયરામાં ન આવે તે માટે સુબ્રત પત્ની સાથે બહાર પાર્ટી કરવાનો ઢોંગ કરીને નીકળી ગયો હતો. જોકે, એપાર્ટમેન્ટની ગેલેરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક જૂનો કર્મચારી સહિત બે અજાણ્યા શખ્સો ફ્લેટમાં પ્રવેશતા કેદ થઈ ગયા હતા. પોલીસે આ શંકાસ્પદોને કસ્ટડીમાં લઈને કડક પૂછપરછ શરૂ કરતાં આખી હત્યાકાંડની કડીઓ જોડાઈ ગઈ અને કાવતરા પાછળ રહેલા માસ્ટરમાઈન્ડ પુત્ર સુબ્રતનો ચહેરો ખુલ્લો પડી ગયો.