India

ભાઈ રાહુલ ગાંધી માટે બહેન પ્રિયંકા ગાંધી સ્ટ્રીટ ફાઈટરની જેમ ગેટ પર ચઢી ગયા... પોલીસ જોતી રહી ગઈ...

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં 6 ઓક્ટોબરે INDIA બ્લોકના વિપક્ષી સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી કૂચ કરી. રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાયેલા આ પ્રદર્શનમાં પોલીસ સાથે ઘર્ષણ અને અટકાયત બાદ કિંગ્સવે કેમ્પમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. પ્રિયંકા ગાંધી ભાઈને મળવા ડિટેન્શન સેન્ટરના ગેટ પર ચઢી ગયાં, જેને પગલે પોલીસે ગેટ ખોલવો પડ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાઈ રાહુલ ગાંધી માટે બહેન પ્રિયંકા ગાંધી સ્ટ્રીટ ફાઈટરની જેમ ગેટ પર ચઢી ગયા... પોલીસ જોતી રહી ગઈ...

Rahul Gandhi Detained : દિલ્હીમાં 6 ઓક્ટોબરે INDIA બ્લોકના વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષી સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની કચેરી તરફ કૂચ કરી હતી. રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ અને અટકાયત બાદ મોડી રાત્રે કિંગ્સવે કેમ્પમાં પણ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક નેતાઓને પોલીસે કસ્ટડીમાં લઈને ન્યૂ પોલીસ લાઇન, કિંગ્સવે કેમ્પ ખાતે રાખ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રા ત્યાં પહોંચ્યાં અને ભાઈ રાહુલ ગાંધીને મળવા માટે ડિટેન્શન સેન્ટરના ગેટ પર ચઢી ગયાં. તેઓ લાંબા સમય સુધી ગેટ પર ઊભાં રહ્યાં અને ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. અંતે પોલીસે ગેટ ખોલવો પડ્યો હતો. ગેટ ખુલતાં કોંગ્રેસના કાર્યકરો અને અન્ય પ્રદર્શનકારીઓ પણ અંદર પ્રવેશ્યા હતા.

આ પહેલાં INDIA બ્લોકના સાંસદો સંસદથી ચૂંટણી પંચની કચેરી તરફ કૂચ કરી રહ્યા હતા. પોલીસે તેમને આકાશવાણી ભવન પાસે રોકતાં રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા. આ વિરોધ આઠ કલાકથી વધુ ચાલ્યો હતો. ત્યારબાદ પોલીસે પ્રદર્શનકારીઓને હટાવીને કસ્ટડીમાં લીધા હતા.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શન માટે લેખિત મંજૂરી આપવામાં આવી નહોતી. BNSSની કલમ 163ના ઉલ્લંઘન અને આકાશવાણી ભવનમાં પરવાનગી વિના પ્રવેશના આરોપસર 10 સાંસદો સહિત આશરે 260 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચે કહ્યું હતું કે સાંજે 4 વાગ્યા સુધી કોઈ પક્ષે મુલાકાત માટે લેખિત સમય માંગ્યો નહોતો. ત્યારબાદ દિલ્હી પોલીસ મારફતે 240 સાંસદોના પ્રતિનિધિમંડળ અને સંસદ ભવન એનેક્સીમાં બેઠક યોજવાની માહિતી મળતાં સુરક્ષા અને વ્યવસ્થાકીય કારણોસર પ્રસ્તાવ સ્વીકારાયો નહોતો. જોકે પંચે આવેદનપત્ર સ્વીકારવા માટે વરિષ્ઠ અધિકારી મોકલવાનો વિકલ્પ આપ્યો હતો, જેને સાંસદોએ સ્વીકાર્યો નહોતો.

પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે વિપક્ષ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ અંગે મુલાકાત કરવા માંગતો હતો, પરંતુ સરકાર વિપક્ષનો અવાજ દબાવવા પોલીસનો ઉપયોગ કરી રહી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં સરકાર પર આકરા પ્રહાર કરતાં લખ્યું કે લોકશાહીના ગદ્દારોને બચાવવા માટે બાકી રહેલી લોકશાહીને પણ ઘસડવામાં આવી રહી છે અને તેનો હિસાબ થશે.

દરમિયાન મહુઆ મોઇત્રાએ દિલ્હી પોલીસ પર ગેરવર્તન કરવાનો અને સાંસદોને જબરજસ્તી બસમાં બેસાડીને કિંગ્સવે કેમ્પ લઈ જવાનો આરોપ લગાવ્યો. ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું કે કસ્ટડીમાં લેવાયેલા તમામ સાંસદોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. પવન ખેડાએ મુખ્ય ચૂંટણી કમિશનર પર નિશાન સાધતાં વિરોધ ચાલુ રાખવાની ચેતવણી આપી, જ્યારે પી. ચિદમ્બરમે પણ જ્ઞાનેશ કુમાર નેતા વિપક્ષને મળવાથી કેમ બચી રહ્યા છે તે અંગે સવાલ ઉઠાવ્યો. કૉંગ્રેસે હવે મકર દ્વાર પર વિરોધ અને રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચની તૈયારી શરૂ કરી હોવાનું જણાવ્યું છે. જોકે તેના માટેનો ચોક્કસ દિવસ અને સમય હજુ નક્કી થયો નથી.