SIR... કર્ણાટકમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: ફાઇનલ મતદાર યાદીમાંથી 1.08 કરોડ નામ ગાયબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Voter List 2026 : કર્ણાટકમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન(SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. સામે આવેલા સત્તાવાર આંકડા અનુસાર, રાજ્યના આશરે 1.08 કરોડ મતદારોના નામ ફાઈનલ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જે કુલ મતદારોના લગભગ 19.48 ટકા જેટલા થાય છે. એન્યુમરેશન ફોર્મ જમા ન થવા તેમજ વેરિફિકેશન પ્રક્રિયાને પગલે આ નામો કમી કરાયા છે. ચૂંટણી પંચની સઘન તપાસ અને સુનાવણી બાદ 61,867 લોકોને અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે, જ્યારે કુલ 4.46 કરોડ પાત્ર મતદારોને આખરી યાદીમાં સ્થાન મળ્યું છે.
4 કેટેગરીમાં કરાઈ મતદારોની ચકાસણી
મતદાર યાદીને સંપૂર્ણ સચોટ અને પારદર્શક બનાવવા માટે પંચે મોટા પાયે ASDD એટલે કે ગેરહાજર, કાયમી સ્થળાંતરિત, મૃત્યુ પામેલા અને ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરી છે. આંકડા મુજબ, 65,45,679 મતદારો (11.81%) કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થળાંતરિત થઈ ગયા છે. 19,00,926 મતદારો (3.43%) પોતાના નોંધાયેલા સરનામે ગેરહાજર મળ્યા હતા. 16,39,864 મતદારો (2.96%) મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. 7,09,870 મતદારો(1.28%)ના નામ ડુપ્લિકેટ અથવા એક કરતાં વધુ સ્થળે નોંધાયેલા હતા.
43.82 લાખથી વધુ કેસોમાં કરાઈ રૂબરૂ સુનાવણી
સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહે તે માટે અધિકારીઓ દ્વારા કુલ 43,82,824 નોટિસ પાઠવવામાં આવી હતી અને તમામ કેસોમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીના અંતે 43,20,957 કેસોને અંતિમ યાદીમાં સમાવવા માટે સુરક્ષિત રખાયા છે. આ ઉપરાંત અન્ય 4,02,53,151 યોગ્ય મતદારોને પણ યાદીમાં સામેલ કરાયા છે. જોકે નોટિસ અને તપાસ બાદ 61,867 મતદારો અયોગ્ય સાબિત થતાં તેમને ફાઇનલ લિસ્ટમાંથી કાયમ માટે બાકાત રાખવામાં આવ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે આપ્યું મોટું નિવેદન
કર્ણાટકના મુખ્ય ચૂંટણી કમિશનર અંબુ કુમારે મતદાર યાદી અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘16 જૂન, 2026 સુધીમાં ઇલેક્ટોરલ રોલમાં નોંધાયેલા આશરે 5.54 કરોડ મતદારોમાંથી અંદાજે 1.08 કરોડ ડ્રાફ્ટ રોલમાં નહોતા. જેમાં લગભગ 18 લાખ મૃત્યુ પામેલા અને આશરે 7 લાખ ડુપ્લિકેટ મતદારો હતા. આમ, લગભગ 25 લાખ મતદારો કાં તો મૃત હતા અથવા ડુપ્લિકેટ હતા.’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘ડ્રાફ્ટ રોલ બહાર રહેલા લોકોમાંથી અમે છેલ્લા અઢી મહિનામાં 8.19 લાખથી વધુ મતદારોની નવી નોંધણી કરી શક્યા છીએ અને આ ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે. જે પણ પાત્ર નાગરિકોના નામ છૂટી ગયા હોય તેઓ ફોર્મ 6 ભરીને અરજી કરી શકે છે, ચકાસણી બાદ તેમના નામ ઉમેરી દેવાશે.’
છૂટી ગયેલા મતદારો ફોર્મ 6 ભરી શકશે
મતદાર નોંધણી અભિયાન અંગે અંબુ કુમારે વધુમાં જણાવ્યું કે, ‘અમે ઘણી વિશેષ ઝુંબેશ ચલાવી છે અને મોટો પ્રચાર કર્યો છે. તમામ રાજકીય પક્ષો અને તેમના પ્રતિનિધિઓએ પણ સંપૂર્ણ સહયોગ આપ્યો છે. મારા મતે કર્ણાટકમાં એવો કોઈ વિસ્તાર નથી જ્યાં લોકોને આ અંગે માહિતગાર ન કરાયા હોય. મને વિશ્વાસ છે કે દરેક યોગ્ય મતદાર Form 6નો ઉપયોગ કરીને ફરી અરજી જરૂર કરશે.’




