SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shashi Tharoor on West Bengal Elections: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ દેશભરમાં ચર્ચા જગાવી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે એક ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. થરૂરના જણાવ્યા અનુસાર, બંગાળમાં જે રીતે મોટા પાયે મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવામાં આવ્યા, તેનાથી ચૂંટણી પરિણામો પ્રભાવિત થયા હોઈ શકે છે.
91 લાખ નામ યાદીમાંથી ગાયબ, 34 લાખ લોકોએ કરી અપીલ
સ્ટેનફોર્ડ ઇન્ડિયા કોન્ફરન્સમાં બોલતા શશિ થરૂરે જણાવ્યું હતું કે, બંગાળમાં SIR પ્રક્રિયા હેઠળ લગભગ 91 લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. જે પૈકી 34 લાખ લોકોએ સત્તાવાર રીતે અપીલ દાખલ કરી હતી કે, તેઓ જીવિત છે અને સાચા મતદારો છે. નિયમ મુજબ દરેક કેસની અલગ તપાસ થવી જોઈએ, પરંતુ મતદાન પહેલા માત્ર ગણતરીના કેસોનો જ નિકાલ થઈ શક્યો. આજે પણ લગભગ 31-32 લાખ લોકો એવા છે જેમની સુનાવણી પેન્ડિંગ છે. આ લોકો કદાચ ભવિષ્યમાં સાચા મતદારો સાબિત થશે, પણ તેઓ 2026ની ઐતિહાસિક ચૂંટણીમાં વોટ આપવાની તક ગુમાવી ચૂક્યા છે.
જીતનું અંતર અને ગાયબ મતદારોનું ગણિત
શશિ થરૂરે ભાજપની જીત અને બાકી રહેલી અપીલો વચ્ચે સીધો સંબંધ જોડતા સવાલ ઉઠાવ્યો હતો. બંગાળમાં ભાજપની જીતનું અંતર લગભગ 30 લાખ મતો છે, અને જે મતદારોની અપીલ વણઉકેલાયેલી રહી છે તેમની સંખ્યા પણ 34 લાખ છે. શું આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને લોકશાહી કહી શકાય? તેવો શશિ થરૂરે સવાલ ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે 2026ની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપે 207 બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવીને મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે, જ્યારે TMCને માત્ર 80 બેઠકો મળી છે.
કેરળમાં પરિસ્થિતિ અલગ કોંગ્રેસને થયો ફાયદો
થરૂરે પશ્ચિમ બંગાળની સરખામણી કેરળ સાથે પણ કરી હતી. તેમણે દાવો કર્યો કે કેરળમાં ડુપ્લિકેટ મતદારોના નામ હટાવવાથી કોંગ્રેસ(UDF)ને ફાયદો થયો છે. થરૂરે આક્ષેપ કર્યો કે, કેરળમાં સત્તાધારી પક્ષ લાંબા સમયથી એક જ વ્યક્તિના નામ ચાર અલગ-અલગ બૂથ પર નોંધણી કરાવવાની પ્રક્રિયામાં માહેર હતો. આ વખતે કેરળમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતાં 63 બેઠકો જીતી છે, જ્યારે ભાજપને 3 બેઠકો મળી છે. કેરળ અને તમિલનાડુમાં મતદાર યાદીમાંથી નામ હટાવવા સામે બહુ ઓછી અપીલો આવી હતી, જે બંગાળ કરતાં સાવ વિપરીત સ્થિતિ દર્શાવે છે.
રાષ્ટ્રીય રાજકારણ પર અસર
શશિ થરૂરના મતે કેરળમાં UDFની જીત માત્ર રાજ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે રાષ્ટ્રીય સ્તરે INDIA Blocની રણનીતિ અને ભવિષ્યની દિશા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. જોકે, બંગાળમાં જે રીતે મતદારોના નામની અનિશ્ચિતતા વચ્ચે સત્તા પરિવર્તન થયું છે, તે આવનારા દિવસોમાં મોટો કાયદાકીય અને રાજકીય વિવાદ બની શકે છે.









