India

શરમજનક ઘટના: સરકારી સ્કૂલની ટીચરના 500 રૂપિયા ખોવાયા એટલે વિદ્યાર્થિનીઓના કપડાં ઉતરાવ્યા

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
રાજસ્થાનના ગંગાપુર સિટીની સરકારી શાળામાં શિક્ષિકાના ₹500 ગુમ થતાં ચકચાર મચી છે. શંકાના આધારે ધોરણ 9 અને 11ની વિદ્યાર્થિનીઓને રૂમમાં બંધ કરી, કપડાં ઉતરાવી તપાસ કરાઈ. આઘાતમાં સરી પડેલી બાળકીઓએ ઘરે જાણ કરતા વાલીઓ અને ગ્રામજનો ઉશ્કેરાયા. શાળાને તાળું મારી દેવાયું. એક શિક્ષિકાને સસ્પેન્ડ કરાઈ અને બીજીને કાર્યમુક્ત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શરમજનક ઘટના: સરકારી સ્કૂલની ટીચરના 500 રૂપિયા ખોવાયા એટલે વિદ્યાર્થિનીઓના કપડાં ઉતરાવ્યા

Rajasthan Gangapur News : રાજસ્થાનના ગંગાપુર સિટીના બામનવાસ વિસ્તારમાં આવેલા લીવાલી ગામની સરકારી શાળામાં એક અત્યંત શરમનાક મામલો સામે આવ્યો છે. અહીં સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાના ₹500 ક્લાસરૂમમાંથી ગુમ થઈ ગયા હતા. ઘણી શોધખોળ કરવા છતાં જ્યારે પૈસા ન મળ્યા, ત્યારે શિક્ષિકાએ ધોરણ 9 અને 11ની વિદ્યાર્થિનીઓને શંકાના આધારે એક રૂમમાં બંધ કરી દીધી હતી. ત્યારબાદ તલાશીના નામે બાળકીઓના કપડાં ઉતરાવીને નિર્વસ્ત્ર કરવામાં આવી હતી. આ ઘટનાથી વિદ્યાર્થિનીઓ ભારે આઘાતમાં સરી પડી હતી અને ઘરે જઈને પરિવારને આપવીતી જણાવી હતી.

ગ્રામજનોનો ભારે આક્રોશ અને શાળાને તાળાબંધી
આ શરમનાક ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થિનીઓના વાલીઓ અને ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા. મોટી સંખ્યામાં લોકો શાળાએ પહોંચ્યા હતા અને હંગામો મચાવી દીધો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાના મુખ્ય દરવાજા પર તાળું મારી દીધું હતું. પરિસ્થિતિ વણસતા બામનવાસના કાર્યવાહક ચીફ બ્લોક એજ્યુકેશન ઓફિસર (CBEO) પ્રતિભા મીણા અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સીબીઈઓ સમક્ષ વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી, જેના આધારે અધિકારીઓએ પીડિત બાળકીઓના નિવેદનો નોંધ્યા હતા.

કડક કાર્યવાહી: એક શિક્ષિકા સસ્પેન્ડ, અન્ય એકને કાર્યમુક્ત કરાઈ
ગ્રામજનો અને વાલીઓ દોષિત શિક્ષિકાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ પર અડી ગયા હતા. મામલાની ગંભીરતાને જોતાં ઉચ્ચ અધિકારીઓ અને સવાઈ માધોપુર જિલ્લા મુખ્યાલયને જાણ કરવામાં આવી હતી. શાળા શિક્ષણ ભરતપુરના સંયુક્ત નિર્દેશક દલવીરસિંહના જણાવ્યા અનુસાર, પ્રાપ્ત ગંભીર ફરિયાદોના આધારે હિન્દી વિષયના સિનિયર ટીચર સરસ્વતી મીનાને રાજસ્થાન સિવિલ સર્વિસીસ (વર્ગીકરણ, નિયંત્રણ અને અપીલ) નિયમ 1958 અંતર્ગત તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વ્યાવસાયિક શિક્ષણ પ્રશિક્ષક વંદના શર્માને પણ સેવા પ્રદાતા કંપની માટે કાર્યમુક્ત કરી દેવામાં આવ્યા છે.

સસ્પેન્શન સમયગાળા દરમિયાન મુખ્યાલય બદલાયું
વિભાગીય તપાસના આદેશ આપવાની સાથે જ સસ્પેન્ડ કરાયેલા શિક્ષિકા સરસ્વતી મીણાનું મુખ્યાલય બદલીને મુખ્ય બ્લોક શિક્ષણ અધિકારી કચેરી, રાજાખેડા (જિલ્લો ધૌલપુર) કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તેમને નિયમ મુજબ નિર્વાહ ભથ્થું મળવાપાત્ર રહેશે. શિક્ષણ વિભાગે આ મામલે કડક વલણ અપનાવીને યોગ્ય તપાસની ખાતરી આપી છે.