India

આસામ-અરુણાચલ પ્રદેશમાં મેઘતાંડવ, રોડ-રસ્તા ડૂબ્યા, બ્રિજ ધરાશાયી, જનજીવન ઠપ

By GS Team
29 Jun 20263 mins read
TukuTouch Logo
પૂર્વોત્તર ભારતમાં ચોમાસાના પ્રારંભે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અરુણાચલ પ્રદેશ અને અસમમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલને તબાહી મચાવી છે. અસમમાં 100થી વધુ ગામો પાણીમાં ગરકાવ થતાં હજારો લોકો પ્રભાવિત થયા છે. અરુણાચલમાં 3 લોકોના મોત થયા છે. વાયુસેના અને SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગી છે. ધેમાજીમાં 300 મીટરનો પુલ તૂટ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આસામ-અરુણાચલ પ્રદેશમાં મેઘતાંડવ, રોડ-રસ્તા ડૂબ્યા, બ્રિજ ધરાશાયી, જનજીવન ઠપ

Assam Arunachal Pradesh Flood Situation 2026: પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈ રહેલા અવિરત મુસળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. પૂરના કારણે અસમના 100 થી વધુ ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. જેના લીધે હજારો લોકો પ્રભાવિત થયા છે. અરુણાચલ પ્રદેશમાં આ કુદરતી આપત્તિના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોતના અહેવાલછે. જ્યારે અનેક લોકો ગુમ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વાયુસેના અને SDRF ની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.

300 મીટર લાંબો લોખંડનો આખો પુલ પાણીના પ્રવાહમાં વહી ગયો
અરુણાચલ પ્રદેશમાંથી આવતા પૂરના પાણીના પ્રચંડ પ્રવાહને કારણે અસમના ધેમાજી જિલ્લામાં સ્થિતિ સૌથી વધુ વણસી છે. 28 જૂનના રોજ ધેમાજીમાં કેમી નદી પર બનેલો 300 મીટર લાંબો વિશાળ લોખંડનો પુલ પૂરના ધસમસતા પ્રવાહમાં પત્તાની જેમ વહી ગયો હતો. આ પુલ તૂટી પડવાના કારણે કેમી-પુરાના જેલોમ વિસ્તાર અને જોનાઈ સદર વચ્ચેનો માર્ગ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. આ કનેક્ટિવિટી તૂટવાથી હજારો લોકો અટવાઈ પડ્યા છે અને તેમને જીવનજરૂરી ચીજવસ્તુઓ, દવાઓ અને હોસ્પિટલ સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, ધેમાજીમાં સિમેન નદી પર આવેલો રેલવે બ્રિજ પણ આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.

100 થી વધુ ગામો જળમગ્ન, 20,000 થી વધુ નાગરિકો પ્રભાવિત
અસમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રધિકરણના જણાવ્યા અનુસાર, ધેમાજી જિલ્લામાં 20,000 થી વધુ લોકો પૂરથી સીધા પ્રભાવિત થયા છે. અસમ-અરુણાચલ બોર્ડરના જોનાઈ વિસ્તારમાં નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. અહીની બહીર ચિલે પંચાયતના 40 ગામો અને બહીર જોનાઈ પંચાયતના 60 થી વધુ ગામો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સેંકડો એકર જમીનમાં ઉભેલો પાક નાશ પામ્યો છે, જ્યારે અનેક પશુઓ પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોમાં હાઈ-એલર્ટ જાહેર કર્યું છે.

ભૂસ્ખલનમાં બાઈક સવાર તણાયો, કેન્દ્ર સરકાર એક્શનમાં
અરુણાચલ પ્રદેશના લોઅર સિયાંગ જિલ્લાના સિજી વિસ્તારમાંથી ભૂસ્ખલનનો એક કંપાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં પહાડનો એક મોટો હિસ્સો ધરાશાયી થતાં એક બાઈક સવાર તે કાટમાળ સાથે નીચે ખીણમાં વહી જતો જોવા મળે છે. સદનસીબે તે બાઈક સવારનો આબાદ બચાવ થયો છે.

આ ભયાનક આપત્તિ વચ્ચે કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂરની સ્થિતિ અને નુકસાનની વિગતો મેળવી હતી. ઉપરાંત કેન્દ્ર તરફથી તમામ સંભવિત મદદની ખાતરી આપી છે. સીએમ સરમાએ જણાવ્યું કે રાજ્ય સરકાર તમામ સંસાધનોનો ઉપયોગ કરીને પ્રભાવિત પરિવારોની સુરક્ષા માટે કામ કરી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપી હોવાથી તંત્રને વધુ સતર્ક રહેવા જણાવાયું છે.