બેંગ્લુરુમાં 50 ટકા ડિસ્કાઉન્ટથી નકલી કેન્સર ડ્રગ, આઇસીયુ ઇન્જેકશન્સના વેચાણનું કૌભાંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બેંગ્લુરુ પોલીસના અનેક રાજ્યોમાં દરોડા, પાંચ કરોડની દવા જપ્ત
- ૯૦થી પણ વધુ હોસ્પિટલો અને ક્લિનિક્સને દવાઓનું વેચાણ કરાયાનો દાવો, ફાર્મસી માલિકની ધરપકડ
બેગ્લુરુ : બેંગ્લુરુમા કેન્સરની બનાવટી દવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.તપાસકારો હવે બનાવટી અને રિપેકેજ્ડ થયેલી દવાઓ ૯૦થી પણ વધુ હોસ્પિટલોઅને ક્લિનિક્સને મોકલવામાં આવી હતી તેની તપાસ કરી રહ્યા છે. બેંગ્લુરુ પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) અને ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ તપાસ સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહી છે.
આ કૌભાંડના સંદર્ભમાં ફાર્મસી કૃપા હેલ્થકેરના માલિક વીરેશકુમાર જૈનની ધરપકડ કરવામાઁ આવી છે. અહેવાલો મુજબ પોલીસે જણાવ્યું હતું કે જૈનની ફાર્મસી કૃપા હેલ્થકેરનો ઉપયોગ બનાવટી દવાઓનો સંગ્રહ કરવા અને તેનું વિતરણ કરવા માટે કરવામાં આવતો હતો. બેંગ્લુરુમાં મિનર્વા સર્કલ નજીક ફાર્મસીમાં પોલીસે દરોડો પાડતા અને શંકાસ્પદ બનાવટી ડ્રગ્સનો નોંધપાત્ર જથ્થો કબ્જે કરતાં આ તપાસનો વ્યાપ વધ્યો હતો. જપ્ત કરવામાં આવેલા જથ્થામાં કેન્સરની દવાઓ, જીવનરક્ષક દવાઓ અને આઇસીયુ ઇન્જેકશન્સનો સમાવેશ થાય છે. તપાસકર્તાઓ માને છે કે કૌભાંડીઓ આ બનાવટી દવાઓ હોસ્પિટલો, ક્લિનિક્સ અને મેડિકલ સ્ટોર્સને ૫૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટે પૂરી પાડતા હતા.
આ અંગે વરિષ્ઠ અધિકારીને ટાંકીને સ્થાનિક અખબારે આપેલા અહેવાલમાં જણાવાયું હતું કે અમે સંખ્યાબંધ દસ્તાવેજો જપ્ત કર્યા છે, તેમા આ દવાઓ ખરીદવામાં આવી અને પછી વેચવામાં આવી તથા તેનું વિતરણ કરવામાં આવ્યું તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ં બિડાડી ખાતે ૧૮મી ઓગસ્ટના રોજ દરોડો પાડવામાં આવ્યો ત્યાં સુધી કોઈને આ કૌભાંડની ખબર ન હતી. સત્તાવાળાઓને તેમા ૪.૯ કરોડની બનાવટી દવાઓ મળી આવી હતી, તેની સાથે તેના બનાવટી દસ્તાવેજો, ઇન્જેકશન્સથી ભરેલા સાધનો અને બનાવટી લેબલ્સનો સમાવેશ થાય છે.
આ તપાસના પગલે સિટેે કર્ણાટક, હરિયાણા, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ૧૦ સ્થળોએ તપાસ કરી હતી. તેના પગલે તપાસકારો કૃપા હેલ્થકેર અને તેના માલિક વીરેશકુમાર સુધી પહોંચ્યા હતા. તપાસકારો હવે આ દવાઓ વેચવામાં મહત્ત્વની ભૂમિકા જાવનારા ૧૫ મેડિકલ રિપ્રેઝન્ટેટિવની ભૂમિકા પણ ચકાસી રહ્યા છે.
સિટના વડા અને જોઇન્ટ પોલીસ કમિશ્નર (વેસ્ટ) વામસી કૃષ્ણાએ જણાવ્યું હતું કે તપાસ હજી પણ ચાલી રહી છે અને તપાસક્રતાઓ હજી આ ઇન્ટરસ્ટેટ કૌભાંડનો વ્યાપ કેટલો છે તેના તળિયા સુધી પહોંચી શક્યા નથી. અમે બેન્ક ટ્રાન્ઝેકશન્સ રેકોર્ડ, ખરીદી અને વેચાણના આંકડા તથા અન્ય દસ્તાવેજો મેળવ્યા છે. આના પરથી કૌભાંડની ખબર પડી છે. પોલીસનું માનવું છે કે જૈન પાંચ વર્ષથી કૌભાંડ ચલાવતો હતો. તે પ્રશાંત સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે.આ પ્રશાંત કૌભાંડનો માસ્ટરમાઇન્ડ હોવાનું તપાસકર્તાઓ માની રહ્યા છે.




