‘જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું’ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ CM સ્ટાલિનની પ્રતિક્રિયા

Supreme Court Tamil Nadu V/s Governor's Case : તામિલનાડુ વિ. રાજ્યપાલના કેસમાં રાષ્ટ્રપતિના રેફરન્સ પર સુપ્રીમે પોતાનો જ નિર્ણય બદલીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય. ત્યારે સુપ્રીમ કોર્ટના વલણ બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને પ્રતિક્રિયા આપી છે.
સુપ્રીમ કોર્ટની સલાહથી CM સ્ટાલિન નારાજ
મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને(Tamil Nadu CM M.K.Stalin) કહ્યું છે કે, ‘જ્યાં સુધી બંધારણમાં ફેરફાર કરીને રાજ્યપાલો દ્વારા બિલ મંજૂરીની સમય મર્યાદા નિશ્ચિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી હું પીછેહટ નહીં કરું. અમે રાજ્યના અધિકારો અને સાચા સંઘીય માળખા માટે સંઘર્ષ ચાલુ રાખીશું. સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલ-2025ના રોજ 'તમિલનાડુ સરકાર વિરુદ્ધ રાજ્યપાલ' કેસમાં જે આદેશ પસાર કર્યો છે, તેના પર 20 નવેમ્બરે આપવામાં આવેલી સલાહની કોઈ અસર થશે નહીં.’
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય
રાજ્યપાલ કારણવગર બિલ ન અટકાવી શકે : CM સ્ટાલિન
સ્ટાલિને કહ્યું કે, ‘કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યમાં ચૂંટણીમાં જનતાના મત દ્વારા ચૂંટાયેલી સરકારને જ નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. તેથી, રાજ્યમાં કારોબારી નિર્ણયોના બે અલગ કેન્દ્રો હોઈ શકે નહીં. રાજ્યપાલ પાસે બિલ રોકવાનો અથવા પૉકેટ વીટો કરવાનો કોઈ વિકલ્પ નથી. તેઓ કારણવગર બિલ ન અટકાવી શકે. રાજ્યપાલ પાસે એવો ચોથો વિકલ્પ પણ નથી, કે તેઓ બિલ લટકાવીને રાખે.’
આ પણ વાંચો : અયોધ્યાથી પરત ફરી રહેલી તીર્થયાત્રીઓની બસ ખીણમાં ખાબકી, એકનું મોત, 25ને ઈજા
સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે આપેલી ટિપ્પણીમાં શું કહ્યું?
રાષ્ટ્રપતિના રેફરન્સ પર સુપ્રીમ કોર્ટે પોતાનો જ નિર્ણય બદલીને 20 નવેમ્બરે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલને સંસદ અથવા વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને નિશ્ચિત સમય મર્યાદામાં પસાર કરવાની ફરજ પાડી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાનો જ નિર્ણય બદલતા એક ઐતિહાસિક ચુકાદામાં કહ્યું હતું. જોકે, બંધારણીય બેન્ચે કહ્યું કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ અનિશ્ચિત સમય સુધી કોઈ બિલ પેન્ડિંગ રાખી શકે નહીં. તેમણે ભારતના સહકારી સંઘવાદમાં બિલો અંગે સંસદ અથવા વિધાનસભા સાથે સંવાદ કરવો જોઈએ. વધુમાં તેમના તરફથી કોઈ બિલ અંગે નિર્ણય લેવામાં ખૂબ જ વિલંબ થતો હોય અથવા કારણ બતાવ્યા વિના તેને રોકી રખાયું હોય તો કોર્ટ ન્યાયિક સમીક્ષા માટે મર્યાદિત દખલ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં શું કહ્યું હતું?
વાસ્તવમાં તમિલનાડુ સરકાર અને રાજ્યપાલ એન. રવિ વચ્ચેનો ‘બિલ પસાર’ કરવાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ન્યાયાધીશો જે. બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે તામિલનાડુ વિરુદ્ધ રાજ્યપાલોના કેસમાં અસાધારણ ચુકાદામાં તામિલનાડુના ગવર્નર પાસે પેન્ડિંગ 10 બિલો, જે વિધાનસભામાં પસાર થઈ ગયા હતા, તેને રાજ્યપાલની ઔપચારિક સ્વીકૃતિ વિના જ ડિમ્ડ એસેન્ટ એટલે કે આપમેળે મંજૂર થયેલા માની લેવાનો આદેશ કર્યો હતો. એટલું જ નહીં બેન્ચે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે સંસદ અથવા વિધાનસભામાં પસાર થયેલા બિલોને મંજૂરી આપવા, ઇન્કાર કરવા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરી દીધી હતી.

