Get The App

રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય 1 - image


- રાષ્ટ્રપતિના રેફરન્સ પર સુપ્રીમે પોતાનો જ નિર્ણય બદલી ઐતિહાસિક ચૂકાદો આપ્યો

- રાષ્ટ્રપતિ-રાજ્યપાલ અનિશ્ચિત કાળ સુધી બિલ પેન્ડિંગ રાખી શકે નહીં, બિલ લાંબા સમય સુધી રોકી રખાયું હોય તો કોર્ટ મર્યાદિત દખલ કરી શકે

- 'ડિમ્ડ એસેન્ટ'ના આધારે બિલોને મંજૂરીવાળો દ્રષ્ટિકોણ રાજ્યપાલોની શક્તિ પર કોર્ટના કબજા સમાન

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલને સંસદ અથવા વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને નિશ્ચિત સમય મર્યાદામાં પસાર કરવાની ફરજ પાડી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાનો જ નિર્ણય બદલતા એક ઐતિહાસિક ચૂકાદામાં કહ્યું હતું. જોકે, બંધારણીય બેન્ચે કહ્યું કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ અનિશ્ચિત સમય સુધી કોઈ બિલ પેન્ડિંગ રાખી શકે નહીં. તેમણે ભારતના સહકારી સંઘવાદમાં બિલો અંગે સંસદ અથવા વિધાનસભા સાથે સંવાદ કરવો જોઈએ. વધુમાં તેમના તરફથી કોઈ બિલ અંગે નિર્ણય લેવામાં ખૂબ જ વિલંબ થતો હોય અથવા કારણ બતાવ્યા વિના તેને રોકી રખાયું હોય તો કોર્ટ ન્યાયિક સમીક્ષા માટે મર્યાદિત દખલ કરી શકે છે.

રાજ્ય વિધાનસભા અથવા સંસદમાં પસાર થયેલા કોઈ બિલને રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિએ કેટલા સમયમાં મંજૂરી આપવી જોઈએ તે મુદ્દે રાષ્ટ્રપતિએ કલમ ૧૪૩ હેઠળ સુપ્રીમ કોર્ટનું મંતવ્ય માગ્યું હતું. આ કેસમાં મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના અધ્યક્ષપદે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બે જજોની બેન્ચના અગાઉના ચૂકાદાને ઉથલાવી દીધો હતો. સાથે જ આ બેન્ચ તરફથી બિલને 'ડીમ્ડ એસેન્ટ'ના આધારે મંજૂર માની લેવાના દૃષ્ટીકોણની પણ ટીકા કરી હતી.

ડિમ્ડ એસેન્ટનો ચૂકાદો ભારતીય બંધારણની ભાવના વિરુદ્ધ

બંધારણીય બેન્ચે કહ્યું કે, આ પ્રકારનો ચૂકાદો ભારતના બંધારણની ભાવના અને શક્તિઓના પૃથક્કરણના સિદ્ધાંત વિરુદ્ધ છે. 

'ડિમ્ડ એસેન્ટ' એટલે કે નિશ્ચિત સમય પછી આપમેળે મંજૂરીવાળો દૃષ્ટિકોણ હકીકતમાં રાજ્યપાલો માટે નિર્ધારિત કાર્યપાલિકા સંબંધિત કામો પર કોર્ટ દ્વારા કબજો કરવો અને તેને બદલવા સમાન છે, જે આપણા લેખિત બંધારણના દાયરામાં યોગ્ય નથી. 

બંધારણીય બેન્ચે સતત 10 દિવસ સુનાવણી કરી, ચૂકાદો અનામત રાખ્યો

ન્યાયાધીશો સૂર્યકાંત, વિક્રમ નાથ, પીએસ. નરસિંહા અને એએસ ચંદુરકરને સમાવતી બંધારણીય બેન્ચે રાષ્ટ્રપતિના રેફરન્સ કેસમાં સતત ૧૦ દિવસ સુધી વિવિધ પક્ષોની દલીલો સાંભળી હતી અને બેન્ચે સુનાવણી પૂરી કર્યા પછી ૧૧ સપ્ટેમ્બરે તેનો ચૂકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાના છે ત્યારે આ પહેલાં આ બેન્ચે ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો.

રાષ્ટ્રપતિ-રાજ્યપાલોના વિવેકાધિકાર મર્યાદિત કરી શકાય નહીં 

બંધારણીય બેન્ચે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલો દ્વારા સંસદ કે રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવેલા બિલોને અનિશ્ચિત કાળ સુધી પેન્ડિંગ રાખવાથી બંધારણીય વ્યવસ્થા નબળી થાય છે. આ પ્રકારનો વિલંબ માત્ર લોકતાંત્રિક પ્રક્રિયા પર જ અસર નથી કરતી, પરંતુ બંધારણીય જવાબદારીઓના પણ વિપરિત છે. જોકે, સુપ્રીમે એ પણ સ્પષ્ટ કર્યું કે કોર્ટ રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિને બિલો પર નિશ્ચિત સમયમાં નિર્ણય લેવાની ફરજ પાડી શકે નહીં. આમ કરવું ન્યાયતંત્રના અધિકાર ક્ષેત્રની બહાર હશે અને વિવિધ શક્તિઓના પૃથક્કરણના સિદ્ધાંતનો ભંગ હશે.

બિલોના સંદર્ભમાં રાજ્યપાલો પાસે માત્ર ત્રણ જ વિકલ્પ

સીજેઆઈ ગવઈના અધ્યક્ષપદે બંધારણીય બેન્ચે સર્વસંમતિથી કહ્યું કે, રાજ્યપાલે કલમ ૨૦૦ હેઠળ યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના બિલોને રોકવાની મંજૂરી અપાય તો તે સંઘવાદના હિતો વિરુદ્ધ હશે. કલમ ૨૦૦માં વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવામાં રાજ્યપાલની શક્તિનો ઉલ્લેખ છે. બેન્ચે કહ્યું કે, અમને નથી લાગતું કે, રાજ્યપાલો પાસે વિધાનસભામાંથી પસાર થયેલા બિલોને પેન્ડિંગ રાખવાનો અમર્યાદિત અધિકાર છે. રાજ્યપાલો પાસે ત્રણ જ વિકલ્પ હોય છે. તેઓ બિલને મંજૂરી આપી શકે છે અથવા તેને પુનર્વિચાર માટે વિધાનસભાને પાછા મોકલી શકે છે અથવા તેને રાષ્ટ્રપતિના સંદર્ભ માટે મોકલી શકે છે.

તામિલનાડુ વિ. રાજ્યપાલના કેસમાં ચૂકાદાને પડકારાયો હતો

રાષ્ટ્રપતિએ 14 સવાલો અંગે સુપ્રીમનો રેફરન્સ માગ્યો હતો

- સુપ્રીમે રાષ્ટ્રપતિ-રાજ્યપાલો માટે બિલોને મંજૂર કરવા ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરી હતી

નવી દિલ્હી : રાષ્ટ્રપતિએ તમિલનાડુ વિ. રાજ્યપાલના કેસમાં બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા બિલને મંજૂર કરવા માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો પર ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરતા ચૂકાદાને પડકાર્યો હતો અને કલમ ૧૪૩ હેઠળ ૧૪ સવાલો અંગે સુપ્રીમ કોર્ટનો મત માગ્યો હતો. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૧૪ મેના રોજ સુપ્રીમ કોર્ટ પાસેથી કલમ ૧૪૩ હેઠળ મત માગ્યો હતો કે, બંધારણમાં સમય મર્યાદા નિશ્ચિત નહીં હોવાના કારણે રાજ્ય વિધાનસભાઓમાં પસાર બિલોને મંજૂરી આપવા, નકારવા, રોકવા માટે રાજ્યપાલો પર કોઈપણ પ્રકારની સમય મર્યાદા નિર્ધારિત કરી શકાય કે નહીં? રાષ્ટ્રપતિએ  સવાલ કર્યો હતો કે બંધારણમાં સમય મર્યાદા નિશ્ચિત ના હોય ત્યારે રાષ્ટ્રપતિ-રાજ્યપાલ માટે શક્તિઓનો ઉપયોગ કરવાની રીત નક્કી કર્યા વિના શું તેમના માટે ન્યાયિક આદેશોના માધ્યમથી સમય મર્યાદા નિશ્ચિત કરી શકાય? અને તેના ઉપયોગની રીત નિશ્ચિત કરી શકાય? રાષ્ટ્રપતિ તરફથી રાજ્યપાલ પાસે પેન્ડિંગ બિલોને મંજૂરી આપવા માટે બંધારણની કલમ ૧૪૨ હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા વિશેષ શક્તિઓના ઉપયોગ પર પણ ઉઠાવાયો હતો. રાષ્ટ્રપતિએ સવાલ કર્યો કે રાજ્યપાલ સમક્ષ બંધારણની કલમ ૨૦૦ હેઠળ કોઈ બિલ રજૂ કરવામાં આવે તો તેમની પાસે બંધારણીય વિકલ્પો કયા છે? શું કલમ ૩૬૧ કલમ ૨૦૦ હેઠળ રાજ્યપાલોના કામ સંબંધે ન્યાયિક સમીક્ષા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે?

આ પહેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જેબી પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે તામિલનાડુ વિરુદ્ધ રાજ્યપાલોના કેસમાં અસાધારણ ચૂકાદામાં તામિલનાડુના ગવર્નર પાસે પેન્ડિંગ ૧૦ બિલો, જે વિધાનસભામાં પસાર થઈ ગયા હતા, તેને રાજ્યપાલની ઔપચારિક  સ્વીકૃતિ વિના જ ડિમ્ડ એસેન્ટ એટલે કે આપમેળે મંજૂર થયેલા માની લેવાનો આદેશ કર્યો હતો. એટલું જ નહીં બેન્ચે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે સંસદ અથવા વિધાનસભામાં પસાર થયેલા બિલોને મંજૂરી આપવા, ઈનકાર કરવા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરી દીધી હતી. 

Tags :