દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઇવર જીવતો ભૂંજાયો

Delhi Mumbai Express Way Accident news : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ડુંગરપુર ઇન્ટર એક્સચેન્જ પાસે શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યે એક અત્યંત ભયાનક અને કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરને અચાનક ઝોકું આવી જતાં એક કન્ટેનર ટ્રક બેકાબૂ થઈને પલટી મારી ગઈ હતી, જેના પગલે કેબિનમાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો અને જીવતો બળીને ખાખ થઈ ગયો હતો.
કેવી રીતે સર્જાઈ કરૂણ દુર્ઘટના?
ASP દિનેશ અગ્રવાલે જણાવ્યું કે, ઉન્નાવથી મુંબઈ તરફ જઈ રહેલા કન્ટેનરના ચાલકને અચાનક આંખ લાગી ગઈ હતી. આ કારણે, વાહન સીધું રસ્તાની બાજુમાં લાગેલા LED પોલ સાથે અથડાયું અને બેકાબૂ થઈને પલટી ગયું. કન્ટેનર પલટાતાની સાથે જ તેના AC યુનિટમાં આગ લાગી, જેણે જોતજોતામાં આખા કેબિનને પોતાની ઝપેટમાં લઈ લીધું. આગની જ્વાળાઓમાં ફસાઈ જવાને કારણે ચાલક બહાર નીકળી શક્યો ન હતો અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.
મૃતકની ઓળખ અને તંત્રની કામગીરી
અગ્રવાલે મૃતકની ઓળખ ઝાંસીના રહેવાસી આકાશ તરીકે કરી છે, જે કન્ટેનર ચલાવી રહ્યો હતો. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો અને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. અકસ્માતને કારણે હાઇવે પર પડેલા LED પોલ અને કન્ટેનરને હટાવીને પોલીસે વાહનવ્યવહાર ફરીથી સામાન્ય બનાવ્યો હતો.

