દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશવ્યાપી નેટવર્કની તપાસ કરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court News : દેશમાં તાજેતરમાં બાળકોના ગૂમ થવાની ઘટનાઓ વધી રહી છે, ગૂમ થતા બાળકોની આ ઘટનાઓ પાછળ કોઇ દેશવ્યાપી નેટવર્ક છે કે કેમ તેની તપાસ કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. સુપ્રીમે કેન્દ્રને કહ્યું છે કે આ દેશવ્યાપી નેટવર્ક છે કે પછી માત્ર રાજ્યો પુરતા મામલા છે તેની ચકાસણી કરીને વિગતવાર રિપોર્ટ રજુ કરવામાં આવે. કેટલાક બાળકો અને ક્યાંથી ગૂમ થયા કે અપહરણ કરાયું તેના છેલ્લા છ વર્ષના ડેટા એકઠા કરવામાં આવે.
બાળકોના ગુમ થવાના વધી રહેલા કેસોને લઇને એક સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ બી વી નાગરત્ના, ન્યાયાધીશ ઉજ્જ્વલ ભુયાનની બેંચ દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી ડેટા માગવામાં આવ્યા હતા. જવાબમાં કેન્દ્ર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું હતું કે કેટલાક રાજ્યો દ્વારા બાળકોના ગુમ થવાના ડેટા આપવામાં આવ્યા છે પરંતુ અનેક રાજ્યો એવા છે કે જેણે આવા કોઇ જ ડેટા નથી આપ્યા. કેન્દ્ર સરકારને તમામ ડેટા મળે પછી જ બાળકોના ગુમ થવા કે અપહરણના મામલાની પેટર્નની તપાસ થઇ શકે.
સુપ્રીમની બેંચે સવાલ કર્યો હતો કે બાળકો ગુમ થઇ રહ્યા છે તે પાછળ રાષ્ટ્રવ્યાપી નેટવર્ક છે કે રાજ્યો પુરતા સિમિત છે તે અમારે જાણવું છે. જે પણ રાજ્યોએ કેન્દ્ર સરકાર સમક્ષ બાળકોના ગુમ થવાના ડેટા પુરા નથી પાડયા તેની પણ સુપ્રીમે ઝાટકણી કાઢી હતી સાથે જ આકરા આદેશની ચેતવણી પણ આપી હતી. એનજીઓની જાહેર હિતની અરજીમાં એવો દાવો કરાયો છે કે અનેક રાજ્યોમાં બાળકો ગુમ થયા છે તેની બાદમાં કોઇ જ જાણકારી નથી મળી શકી, આ પહેલા નવ ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ગુમ બાળકોના છ વર્ષના ડેટા એકઠા કરવા અને આ મુદ્દે રાજ્યો સાથે તાલમેલ બેસાડવા માટે ગૃહ મંત્રાલયમાં એક અધિકારીને નિમવા આદેશ કર્યો હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટે 18 નવેમ્બરના રોજ નોંધ્યું હતું કે એક ન્યૂઝ રિપોર્ટ મુજબ દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થઇ રહ્યું છે. જેને સુપ્રીમ કોર્ટે અત્યંત ગંભીર મામલો ગણાવ્યો હતો.









