સત્યેન્દ્ર જૈનની ધરપકડ: કેજરીવાલે કહ્યું- આ કેસ પણ ફેક સાબિત થશે; ભાજપે પણ કર્યો વળતો પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

High Voltage Political Battle Unfolds: દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈનની મંગળવારે (18 ઓગસ્ટ) એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન દિલ્હી જલ બોર્ડમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ટેન્ડર કૌભાંડ મામલે ACB દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (BJP) સામસામે આવી ગયા છે અને રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે.
આ કેસ પણ બોગસ સાબિત થશે: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ ધરપકડ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપે ફરી એકવાર સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરાવી છે. અગાઉ પણ તેમને જેલમાં ધકેલીને જે દુર્દશા કરવામાં આવી હતી તે સૌ કોઈ જાણે છે. અગાઉનો કેસ પણ ખોટો હતો અને આ નવો કેસ પણ સંપૂર્ણપણે બોગસ સાબિત થશે.
કેજરીવાલે ભાજપની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે,
"આખરે ભાજપની આ સરમુખત્યારશાહી ક્યાં સુધી ચાલશે? જેને મન ફાવે તેના પર ખોટા આક્ષેપો મૂકીને જેલમાં મોકલી દેવામાં આવે છે. તેમનું આ જૂઠાણું ફરી એકવાર દેશની સામે ખુલ્લું પડશે. પરંતુ જેલમાં વિતાવેલા સમય અને માનસિક ત્રાસની ભરપાઈ કોણ કરશે? હવે ભાજપના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. તેઓ ગમે તેટલી તાનાશાહી કરે, મોદી સરકારનો અંત હવે નિશ્ચિત છે. સમગ્ર આમ આદમી પાર્ટી અને દેશની જનતા મજબૂતીથી સત્યેન્દ્ર જૈનની સાથે ઊભી છે."
પંજાબ ચૂંટણી પહેલાં એજન્સીઓનો દુરુપયોગ: મનીષ સિસોદિયા
આ મામલે આપ નેતા મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, પંજાબ ચૂંટણી નજીક આવતાં જ પંજાબના સહ-પ્રભારી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ તેમને 2.5 વર્ષ સુધી એક ખોટા કેસમાં જેલમાં રાખવામાં આવ્યા હતા અને હવે વધુ એક ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો છે. GenZ આંદોલનથી લઈને રામ મંદિરમાં ચંદા ચોરી અને E20 જેવા અનેક મુદ્દાઓ પર ઘેરાયેલી ભાજપ હવે ફરીથી ED, ACB અને CBI જેવા જૂના ચૂંટણી હથકંડાઓ પર ઉતરી આવી છે.
ભાજપનો વળતો પ્રહાર: 'આપ'નું કથિત ઈમાનદાર મોડેલ બેનકાબ
સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ ભાજપે પણ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ જણાવ્યું કે,
"STP કૌભાંડ અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિતના લોકોની ધરપકડથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેજરીવાલ સરકારના 10 વર્ષના શાસનમાં એક પણ નાળા પર STP કેમ ન બન્યું અને 10 વર્ષમાં યમુના નદી વધુ પ્રદૂષિત કેમ થઈ. ACBની તપાસમાં સમગ્ર 'મની ટ્રેઇલ' પકડાઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલે સામે આવીને પોતાની સરકારનો ગુનો સ્વીકારવો જોઈએ. કાયદાકીય પ્રક્રિયામાં થોડો સમય લાગશે પરંતુ સત્યેન્દ્ર જૈન અને અન્ય દોષિતોને સજા જરૂર મળશે."
દિલ્હી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ પણ સોશિયલ મીડિયા પર પ્રહાર કરતા લખ્યું કે, દિલ્હીને લૂંટનારાઓનો અસલી ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે. દિલ્હી જલ બોર્ડના STP ટેન્ડર કૌભાંડ અને ગેરરીતિ મામલે ACBએ આ કડક પગલું ભર્યું છે.
તેમણે ઉમેર્યું કે, ટેન્ડરમાં ગોટાળા અને કરોડો રૂપિયાની લાંચ – આ જ આમ આદમી પાર્ટીનું જનતાના પૈસા પર ચાલતું કહેવાતું 'ઈમાનદાર' મોડેલ હતું. જે પાણી અને સ્વચ્છતાના નામે મત માંગ્યા હતા, તેમાં જ કમિશનખોરી કરવામાં આવી. દિલ્હીની જનતા આપની વાસ્તવિકતા પહેલેથી જ જાણી ચૂકી છે અને હવે તેમણે એક-એક ચોરીનો હિસાબ આપવો પડશે. અરવિંદ કેજરીવાલના પાપ હવે દેશની જનતાની સામે આવી ગયા છે.









