'ગાયને ભગવાન નહોતા માનતા સાવરકર, 5 વખત અંગ્રેજોને કરી હતી દયા અરજી..', પ્રપૌત્રએ કોર્ટમાં જુઓ શું-શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Satyaki Savarkar testimony: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા લંડનમાં વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ ફાઇલ થયેલા ગુનાઇત માનહાનિના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પુણેની સ્પેશિયલ MP/MLA કોર્ટમાં જુબાની દરમિયાન વિનાયક દામોદર સાવરકરના પ્રપૌત્ર સત્યકી સાવરકરે તેમના જીવન, તેમની વિચારધારા અને તે સમયના વિવાદો પર અનેક ખુલાસા કર્યા છે.
ગાય અને ધર્મ પર સાવરકરના વિચારો
રાહુલ ગાંધીના વકીલ મિલિંદ પવારની ઉલટ તપાસમાં સત્યકીએ સ્વીકાર્યું હતું કે, ‘સાવરકર ગાયને ભગવાન માનતા નહોતા. તેમના મતે ગાય માત્ર એક ઉપયોગી પશુ હતી. આ વિધાન સાવરકરના તર્કવાદી અને વૈજ્ઞાનિક અભિગમને સ્પષ્ટ કરે છે. જે ઘણીવાર જમણેરી અને ડાબેરી પક્ષો વચ્ચે વિવાદનો વિષય બને છે.’
દયા અરજીઓ અને બ્રિટિશ સેનામાં ભરતી
કોર્ટમાં સાવરકર દ્વારા કરાયેલી 5 દયા અરજીઓનો મુદ્દો પણ ઉછળ્યો હતો. આ અંગે સત્યકીએ સ્વીકાર્યું કે, ‘સેલ્યુલર જેલની સજા દરમિયાન સાવરકરે પાંચ વાર દયા અરજી કરી હતી.’
જો કે, આ અંગે બચાવ કરતા તેમણે તર્ક આપ્યો હતો કે, ‘એ વખતે અન્ય રાજકીય કેદીઓ પણ આવી અરજીઓ કરતા હતા.’
આ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીયોને બ્રિટિશ સેનામાં જોડાવાની સાવરકરની અપીલને સત્યકીએ તેમની દૂરંદેશિતા ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે, ‘સાવરકર ઈચ્છતા હતા કે ભારતીય યુવાનો સૈન્ય તાલીમ અને હથિયારોનો અનુભવ મેળવે. જે આઝાદી બાદ પાકિસ્તાન સામેના યુદ્ધમાં કામ લાગ્યો હતો.’
આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ
ટુ-નેશન થીયરી
સાવરકર પર લાગતા ટુ-નેશન થિયરીના આરોપો અંગે સત્યકીએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘આ મૂળ અવધારણા સાવરકરની નહીં, પરંતુ સર સૈયદ અહમદ ખાનની હતી. સાવરકરે માત્ર તે સમયના સંજોગો પર તથ્યાત્મક ટિપ્પણીઓ કરી હતી.’
સ્વાતંત્ર્યવીરની ઉપાધિ અને ભારત રત્ન
સત્યકીએ જણાવ્યું કે ‘વીર સાવરકરને સ્વાતંત્ર્યવીરની ઉપાધિ કોઈ સરકારી ગેઝેટ દ્વારા નહીં, પરંતુ એક લેખક દ્વારા તેમના સન્માનમાં અપાઈ હતી.’ આ સાથે સાવરકરને ભારત રત્ન આપવાની માંગ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ‘નહેરુ-ગાંધી પરિવારના ત્રણ સભ્યોને આ સન્માન મળી ચૂક્યું છે.’
આગળ શું થશે?
સત્યકી સાવરકરની ઉલટતપાસ હજુ પૂર્ણ થઈ નથી. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 1 જૂને નક્કી કરી છે. આ કેસ માત્ર રાહુલ ગાંધીની કાનૂની મુશ્કેલીઓ જ નહીં, પણ સાવરકરના ઐતિહાસિક પ્રદાન પરની રાષ્ટ્રીય ચર્ચાને પણ નવી દિશા આપી શકે છે.









