'જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..', ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharastra Politics News : પ.બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીમાં તોડફોડ બાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં ભંગાણના અહેવાલ સામે આવ્યા છે. અહીં ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીના 9 સાંસદોમાંથી 6 સાંસદો બળવો પોકારે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ મામલે ઉદ્ધવ ઠાકરે (યુબીટી) પાર્ટી તરફથી સંજય રાઉતે એક પત્રકાર પરિષદને સંબોધતા બળવાખોરોને ખુલ્લા શબ્દોમાં ચેતવણી આપી દીધી છે.
સંજય રાઉતે શું ધમકી આપી?
સંજય રાઉતે બળવાખોર સાંસદો સામે શરત મૂકી દીધી છે કે જો તેમણે પાર્ટી છોડીને જવું હોય તો જતાં રહે અને રાજીનામું આપી દે પરંતુ આ વખતે તેમને છોડવામાં નહીં આવે. ઉદ્ધવ ઠાકરેએ તેમને ચૂંટણી લડવા ટિકિટ આપી, પૈસા આપ્યા તેમ છતાં જો તેઓ બળવો કરશે તો મહારાષ્ટ્રની જનતા તેમને છોડશે નહીં.
સંજય રાઉતે ગંભીર વલણ અપનાવતા ચેતવણી આપી છે કે, તમામ સાંસદોએ સાંઈ બાબા, મા ભવાની અને પોતાની માતાના સમ ખાધા છે, તેમ છતાં જો હવે કોઈ પક્ષપલટો કે ગદ્દારી કરશે તો તેને છોડવામાં નહીં આવે. તેમણે ઉમેર્યું કે, તમામ સાંસદો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પક્ષના ચૂંટણી ચિહ્ન 'મશાલ' પર જીતીને આવ્યા છે અને તેમના માટે પક્ષે વ્હીપ પણ જાહેર કર્યો છે. આ અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખવામાં આવ્યો છે અને જો કોઈને પક્ષ છોડવો જ હોય તો તે સાંસદ પદેથી રાજીનામું આપીને જઈ શકે છે.
યુબીટી (શિવસેના - ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષમાં બળવાની ચાલી રહેલી અટકળો વચ્ચે દિલ્હીમાં સાંસદ સંજય રાઉતે એક મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ યોજીને પક્ષના તમામ સાંસદો એકસાથે હોવાનો દાવો કર્યો છે. આ બેઠકને 'ઓપરેશન ટાઇગર' ગણાવતા રાઉતે સ્પષ્ટ કર્યું કે, માતોશ્રી ખાતે યોજાયેલી બેઠકમાં 5 સાંસદો રૂબરૂ હાજર હતા અને બાકીના સાંસદો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે તેમની સાથે લોકસભાના નેતા અરવિંદ સાવંત અને ચીફ વ્હીપ અનિલ દેસાઈ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.









