મહિલાઓને રૂ.40 હજાર પેન્શન, બેરોજગારોને રૂ.5,000 ભથ્થું, ધો.12 પાસને લેપટોપ: અખિલેશે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UP Assembly Elections 2027, Samajwadi Party Manifesto : ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે બંધારણ દિવસના અવસરે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ‘સત્તાવીસનો સંકલ્પ : PDAનું પ્રણ પત્ર’ અને ‘જન મનનો મેનિફેસ્ટો 2027’ નામના આ ઢંઢેરામાં સમાજવાદી પાર્ટીએ સત્તામાં આવવા પર રાજ્યમાં સામાજિક ન્યાયનું શાસન સ્થાપવા, બંધારણ અને અનામતની રક્ષા કરવા તેમજ દરેક વર્ગને સમાન તક આપવાનો દાવો કર્યો છે.
સમાજવાદી પાર્ટીના ઢંઢેરા મુજબ જાહેર કરાયેલા મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
1… 25 લાખ સરકારી નોકરી અને રોજગાર
પાર્ટીના ઢંઢેરા મુજબ, સરકાર બન્યા બાદ આગામી 5 વર્ષમાં 25 લાખ યુવાનોને સરકારી નોકરી, અન્ય ક્ષેત્રોમાં 2થી 3 કરોડ રોજગાર અને 2032 સુધીમાં નાના તથા મધ્યમ ઉદ્યોગો (MSME) દ્વારા 1 કરોડથી વધુ રોજગાર આપવાનું વચન અપાયું છે.
2… બેરોજગાર ગ્રેજ્યુએટ્સને રૂ.5,000 ભથ્થું
જ્યાં સુધી ગ્રેજ્યુએટ યુવાનોને નોકરી કે રોજગાર ન મળે, ત્યાં સુધી તેમને દર મહિને રૂ.5,000 પોષણ ભથ્થું આપવાની જાહેરાત કરાઈ છે.
3… પેપર લીક અટકાવવા કડક વ્યવસ્થા
ભરતી પ્રક્રિયા પારદર્શક બનાવવા વાર્ષિક કેલેન્ડર બહાર પડશે. 1 પરીક્ષાવાળી ભરતી 3 મહિનામાં અને 1થી વધુ પરીક્ષાવાળી ભરતી 6 મહિનામાં પૂર્ણ થશે. પેપર લીક થાય તો સંબંધિત અધિકારી અને મંત્રી વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે તેવું પાર્ટીએ જણાવ્યું છે.
4… કૌશલ્ય વિકાસ અને અગ્નિવીર
તહસીલ સ્તરે કૌશલ્ય વિકાસ કેન્દ્રો દ્વારા દર વર્ષે 20 લાખ યુવાનોને તાલીમ અપાશે. અન્ય એક અહેવાલમાં દર વર્ષે 5 લાખ યુવાનોને તાલીમ આપવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત, વિદ્યાર્થીનીઓ માટે કરિયર કાઉન્સેલિંગ કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરાઈ છે. AIથી પ્રભાવિત યુવાનોને નવી ટૅક્નોલૉજીની ટ્રેનિંગ મળશે તથા અગ્નિવીર યોજનાનો વિરોધ કરતાં કાયમી કમિશન ન મેળવનાર અગ્નિવીરોને રાજ્ય પોલીસ અને અન્ય વિભાગોમાં રોજગાર આપવાની જાહેરાત કરાઈ છે.
5… જૂની પેન્શન યોજના અને કર્મચારી હિત
સરકારી કર્મચારીઓ માટે 2005 પહેલાંની જૂની પેન્શન વ્યવસ્થા (OPS) ફરી લાગુ થશે અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરાશે. આશા, આંગણવાડી અને કરાર આધારિત કર્મચારીઓને સન્માનજનક વેતન તથા શિક્ષામિત્રો કાયમી ન થાય ત્યાં સુધી તેમના માનદવેતનમાં માસિક રૂ.5,000નો વધારો કરાશે.
6… શિક્ષણ અને લેપટોપ યોજના
રાજ્ય શિક્ષણ નીતિ લવાશે અને શિક્ષણ પાછળ GSDPના 6% ખર્ચ કરાશે. વર્તમાન સરકાર દ્વારા બંધ કરાયેલી 26,000 પ્રાથમિક શાળાઓ ફરી શરૂ થશે, ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ અપાશે, શાળાઓમાં વાઇફાઇ સુવિધા મળશે અને ખાનગી શાળાઓમાં અનામત વર્ગના વિદ્યાર્થીઓની ફી સરકાર ભરશે.
7… જાતિગત વસ્તી ગણતરી અને અનામત
રાજ્યમાં જાતિગત વસ્તી ગણતરી કરાશે, રૂ.50 કરોડ સુધીના સરકારી કોન્ટ્રાક્ટમાં દલિત અને PDA વર્ગને 50% અનામત મળશે તથા SC/STના ઉત્થાન માટે બજેટનો 20% હિસ્સો ખર્ચાશે. આ ઉપરાંત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દલિત વિકાસ પરિષદની રચના કરાશે.
8… રૂ.5માં સમાજવાદી કેન્ટીન અને રૂ.40,000 પેન્શન
ગરીબો, મહિલાઓ અને શ્રમિકો માટે 'સમાજવાદી કેન્ટીન'માં રૂ.5માં થાળી મળશે. વૃદ્ધ મહિલા કારીગરોને વાર્ષિક રૂ.40,000 પેન્શન અપાશે. સાથે જ વરિષ્ઠ નાગરિક કલ્યાણ અધિનિયમ અને દિવ્યાંગો માટે ઈલેક્ટ્રિક ટ્રાઇસિકલની જાહેરાત કરાઈ છે.
9… ખેડૂતોને MSPની ગેરંટી અને દેવામાફી
તમામ 23 પાક અને દૂધ માટે MSPની કાનૂની ગેરંટી, બટાટા-ટામેટાં-ડુંગળી માટે ભાવ નુકસાન વળતર વ્યવસ્થા, તબક્કાવાર દેવામાફી અને રૂ.15,000 કરોડના કોર્પસ ફંડથી 24 કલાકમાં શેરડીના ખેડૂતોને ચૂકવણી કરાશે.
10… મફત વીજળી અને મોંઘવારી પર અંકુશ
ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી અને ગ્રામીણ ઘરેલુ ગ્રાહકોને 300 યુનિટ સુધી મફત વીજળી અપાશે. મોંઘવારી રોકવા 'દામ બાંધો નીતિ' હેઠળ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ, ખાનગી શાળાની ફી અને હૉસ્પિટલના ખર્ચની મર્યાદા નક્કી કરાશે.
11… મફત સારવાર અને રૂ.10 લાખનો વીમો
રાજ્ય સ્વાસ્થ્ય નીતિ 2027 હેઠળ સરકારી હૉસ્પિટલોમાં PDA અને ગરીબોને મફત સારવાર, BPL લોકોને રૂ.10 લાખનો હેલ્થ ઇન્સ્યોરન્સ, તમામ 18 મંડળમાં સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ અને લખનઉની બંધ પડેલી કેન્સર હૉસ્પિટલ શરૂ કરી મફત સારવાર અપાશે.
12… કાયદો-વ્યવસ્થા, પોલીસ અને AI સર્વેલન્સ
માફિયાઓ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી જમીન કબજા રોકવા અલગ રંગના પેટ્રોલિંગ વાહનો સાથે ખાસ STF બનશે. દરેક જિલ્લામાં સાયબર યુનિટ, 1 વર્ષમાં ગામો-કસ્બામાં CCTV અને ડ્રોન સર્વેલન્સ, મહિલા સુરક્ષા માટે 1090 સેવા મજબૂત કરવાની સાથે પોલીસ ભરતીમાં મહિલાઓને 33% પ્રતિનિધિત્વ અપાશે. પોલીસકર્મીઓને મોબાઇલ અને મોટરસાઇકલ ભથ્થું, સાપ્તાહિક રજા અને પતિ-પત્ની પોલીસમાં હોય તો એક જ જિલ્લામાં પોસ્ટિંગ અપાશે.
13… વેપારી-શ્રમિક સુરક્ષા, પ્રદૂષણ અને યશ ભારતી સન્માન
વેપારીઓ માટે વેપાર સુરક્ષા આયોગ, પ્રવાસી મજૂરો માટે હેલ્પલાઇન, બાંધકામ શ્રમિકો માટે રૂ.10 લાખનો સ્વાસ્થ્ય વીમો અપાશે. મુખ્ય શહેરોને AI-IT હબ બનાવવા, સ્ટાર્ટઅપ યોજના, વાયુ પ્રદૂષણ નિવારણ માટે નદીઓની સફાઈ તથા 'યશ ભારતી સન્માન' વધુ રાશિ સાથે ફરી શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. મહિલાઓ માટે અલગ વિસ્તૃત ઘોષણાપત્ર ટૂંક સમયમાં જાહેર થશે તેમ પાર્ટીએ જણાવ્યું છે.




