Get The App

હૈદરાબાદના રસ્તાને 'ટ્રમ્પ'નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
હૈદરાબાદના રસ્તાને 'ટ્રમ્પ'નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ 1 - image

A venue for investment, an avenue for controversy: અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી (Freedom 250) નિમિત્તે હૈદરાબાદમાં આવેલી અમેરિકન એમ્બેસી (કોન્સ્યુલેટ) નજીકના રસ્તાનું નામ બદલીને 'ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ' કરાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ભારત સ્થિત અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોર અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) ભટ્ટી વિક્રમાર્કે સંયુક્ત રીતે અહીં એક તકતીનું અનાવરણ કરીને આ માર્ગનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, કોંગ્રેસ શાસિત તેલંગાણા સરકારના આ નિર્ણયથી સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય ઘમસાણ સર્જાઈ ગયું છે. 

શા માટે લેવાયો આ નિર્ણય?

તેલંગાણા સરકારના જણાવ્યાનુસાર, હૈદરાબાદના ફાઇનાન્સિયલ ડિસ્ટ્રિક્ટમાં આવેલા આ રસ્તાનું નામ બદલવાનો નિર્ણય મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા ડિસેમ્બર 2025માં લેવાયો હતો. આ નિર્ણયનો હેતુ અમેરિકા અને તેલંગાણા વચ્ચેના મજબૂત વ્યાપારિક સંબંધો, આઇટી રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારીને બિરદાવવાનો છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે આ સન્માન બદલ તેલંગાણા સરકારનો આભાર માન્યો હતો. ગોરે જણાવ્યું હતું કે, હૈદરાબાદ શહેર ભારત અને અમેરિકાના સંબંધોમાં એક મહત્ત્વનો સેતુ છે.

ટ્રમ્પ મુદ્દે કોંગ્રેસના બેવડા ધોરણો કેમ?: BRS 

હૈદરાબાદમાં 'ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ' બનતા જ વિપક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ શાસક પક્ષ કોંગ્રેસને આડે હાથ લીધી છે. BRSના નેતા દાસોજુ શ્રવણ કુમારે આ મુદ્દે સીધું કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે રાહુલ ગાંધીને પત્ર લખીને સવાલ કર્યો છે કે, ‘જ્યારે દિલ્હીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા પવન ખેરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ અને ટ્રમ્પ સાથેની મિત્રતાની ટીકા કરે છે, તો પછી તેલંગાણાની કોંગ્રેસ સરકાર અમેરિકન પ્રમુખના નામ પર રોડનું નામકરણ કેવી રીતે કરી શકે? કોંગ્રેસ એક જ સમયે બે વિપરીત દિશામાં કેવી રીતે ચાલી શકે?’

BRSનું કહેવું છે કે, માત્ર વિદેશી નેતાના નામ પર રોડ રાખવાથી રોકાણ નથી આવતું. તેલંગાણામાં જે આઇટી અને બિઝનેસ ઇકો સિસ્ટમ ઊભી થઈ છે તે BRS સરકારના સમયમાં થઈ હતી. કોંગ્રેસ માત્ર પ્રતીકાત્મક રાજકારણ રમી રહી છે.

કોંગ્રેસને હવે જ્ઞાન લાધ્યું: ભાજપના પણ પ્રહાર  

બીજી તરફ, ભાજપે પણ કોંગ્રેસના આ આશ્ચર્યજનક નિર્ણય પર કટાક્ષ કર્યો છે. ભાજપના સ્થાનિક નેતાઓએ જણાવ્યું છે કે, જે કોંગ્રેસ પક્ષ કેન્દ્ર સરકારની અમેરિકા તરફની નીતિઓ અને ટ્રમ્પ સાથેના સંબંધોને લઈને હંમેશા સવાલો ઉઠાવતો આવ્યો છે, તે જ કોંગ્રેસના મુખ્યમંત્રી હવે ટ્રમ્પના નામના બોર્ડ લગાવી રહ્યા છે. 

ભાજપે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ પાસે વિદેશ નીતિ અંગે કોઈ સ્પષ્ટ વિચારધારા નથી. આ બધું રાજકીય તકવાદથી વિશેષ કશું નથી. 

આ પણ વાંચો: 'ભારત નહીં માને...', જે.ડી.વેન્સનો યુદ્ધ અંગેનો એ પ્લાન જેને ટ્રમ્પે તાત્કાલિક ફગાવી દીધો હતો

નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં બંને દેશોના રાજદ્વારીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ વિવાદ આગામી દિવસોમાં વધુ વકરવાના એંધાણ છે.