India

મૉક સંસદમાં CEC વિરુદ્ધ 6 આરોપો સાથે મહાભિયોગ પ્રસ્તાવ પસાર, ખડગે-રાહુલ ગાંધીના PM અને EC પર આકરા પ્રહાર

By GS Team
31 Oct 20264 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને INDIA ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રતીકાત્મક 'જન મહાભિયોગ' યોજ્યો. પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારની અધ્યક્ષતામાં, ખડગેએ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો. રાહુલ ગાંધીએ 13.1 કરોડ મતદારોના નામ કપાવા સામે આકરા પ્રહારો કર્યા. વિપક્ષે CEC પર 6 ગંભીર આરોપો મૂકી ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

મૉક સંસદમાં CEC વિરુદ્ધ 6 આરોપો સાથે મહાભિયોગ પ્રસ્તાવ પસાર, ખડગે-રાહુલ ગાંધીના PM અને EC પર આકરા પ્રહાર

INDIA Alliance Mock Impeachment : નવી દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રતીકાત્મક 'જન મહાભિયોગ' યોજવામાં આવ્યો હતો. સંસદની કાર્યવાહીની તર્જ પર યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમારે કરી હતી, જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને કથિત ચૂંટણી ગેરરીતિઓના વિરોધમાં આયોજિત આ મૉક સંસદમાં તમામ વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીના સંબોધન અને રાષ્ટ્રગીતના ગાન સાથે આ પ્રતીકાત્મક કાર્યવાહી સંપન્ન થઈ હતી.

Mock Impeachment-7.jpg

બંધારણીય સંસ્થાની ગરિમા બચાવવા માટે આ પગલું: મલ્લિકાર્જુન ખડગે

મૉક સંસદમાં પ્રસ્તાવ રજૂ કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, 'મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વડાપ્રધાન અને ગૃહમંત્રીના સીધા નિર્દેશ પર ચૂંટણી પંચ ચલાવી રહ્યા છે. 7 મહિના પહેલાં સંસદના બંને ગૃહોમાં વિપક્ષના 193 સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે નોટિસ આપી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી અને તેના પર કોઈ એક્શન લેવામાં આવી નહીં. તેથી અમે જે પ્રસ્તાવ લાવ્યા છીએ તેનો હેતુ કોઈ વ્યક્તિ સામે વ્યક્તિગત વેર વાળવાનો નથી, પરંતુ બંધારણીય સંસ્થાની ગરિમા અને નિષ્પક્ષતાનું રક્ષણ કરવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી પંચ બંધારણની ભાવના મુજબ કામ કરે જેથી સામાન્ય નાગરિકનો તેના પર ભરોસો જળવાઈ રહે. દિલ્હીમાં બેઠેલી કોઈ વ્યક્તિ કોમ્પ્યુટર દ્વારા નબળા વર્ગો, મહિલાઓ અને યુવાનોના મતાધિકાર ચૂપચાપ છીનવી ન લે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.'

તેમણે 2023ના કાયદાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ચૂંટણી કમિશનરોને મળેલી કાનૂની સુરક્ષા ખતમ થવી જોઈએ અને જ્ઞાનેશ કુમારે કાયદાનો સામનો કરવો પડશે.

Mock Impeachment-10.jpg

જ્ઞાનેશ કુમાર CEC નહીં રહી શકે, મોદી-શાહ પણ નહીં બચાવી શકે: રાહુલ ગાંધી

કાર્યક્રમના સમાપન ભાષણમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તીખા પ્રહારો કરતાં કહ્યું હતું કે, 'હું આ મહાભિયોગ પ્રસ્તાવનું સંપૂર્ણ સમર્થન કરું છું. જ્ઞાનેશ કુમાર અને જ્ઞાનેશ કુમાર CEC વચ્ચે મોટો તફાવત છે. ચૂંટણી પંચ પોતે જ કહી રહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી ગેરકાયદે હતી. દેશમાં 13.1 કરોડ મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા, જે દેશના દર 7માંથી 1 ભારતીય અને કુલ મતદારોના આશરે 15 ટકા જેટલા થાય છે. ગત ચૂંટણીમાં જીત-હારનો તફાવત માત્ર 3 ટકા હતો. જો ચૂંટણી પંચ આ 15 ટકા મતદારોને અમાન્ય ગણાવતું હોય તો તેનો અર્થ એ થાય કે 2024ની ચૂંટણી પણ ગેરકાયદે હતી અને ચૂંટાઈને આવેલા લોકો ગેરકાયદે રીતે સંસદમાં પહોંચ્યા છે.'

રાહુલ ગાંધીએ વધુમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, 'અમે તમને છટકીને જવા નહીં દઈએ. આપણી પાસે પુરાવા છે. સંસ્થાઓનો દુરુપયોગ ચાલતો રહેશે પણ આ બધું અસ્થાયી છે. અમે ન ભૂલીશું, ન માફ કરીશું. દેશના યુવાનો જ્ઞાનેશ કુમારને ક્યારેય માફ નહીં કરે. જો જ્ઞાનેશ કુમાર વિચારતા હોય કે મોદી અને શાહ તેમને બચાવી લેશે તો કોઈ સુરક્ષા કવચ કામ નહીં આવે. તેમના પર માત્ર મહાભિયોગ જ નહીં, પરંતુ દેશદ્રોહનો કાયદેસરનો કેસ ચાલવો જોઈએ.'

Mock Impeachment-3.jpg

વિપક્ષી ગઠબંધને પ્રસ્તાવમાં લગાવ્યા 6 ગંભીર આરોપ

મૉક પાર્લામેન્ટમાં પસાર કરવામાં આવેલા પ્રતીકાત્મક પ્રસ્તાવમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે 6 ચોક્કસ આરોપો ઘડવામાં આવ્યા હતા.

  • પ્રથમ આરોપમાં શાસક પક્ષ સાથે મળીને મતદાર યાદીઓમાં અનધિકૃત ફેરફાર અને ચૂંટણી પરિણામો સાથે ચેડાં કરવાનો આક્ષેપ કરાયો હતો.
  • બીજા આરોપમાં SIR પ્રક્રિયા દ્વારા જાણીજોઈને 13.2 કરોડ નાગરિકોના નામ રદ કરી બંધારણીય અધિકાર છીનવવાનો આરોપ મુકાયો હતો.
  • ત્રીજા આરોપમાં સંસદની મંજૂરી વિના ફોર્મ 6માં ગેરકાયદે સુધારા કરી નવા મતદારોનું રજિસ્ટ્રેશન અટકાવવાનું જણાવાયું હતું.
  • ચોથા આરોપમાં ERONET અને ECINET સોફ્ટવેરનો દુરુપયોગ કરી મતદાર યાદીઓનું ગેરકાયદે કેન્દ્રીકરણ કરવાનો આરોપ હતો.
  • પાંચમા આરોપમાં અન્ય બે ચૂંટણી કમિશનરોને નિર્ણયોમાંથી બાકાત રાખવાની વાત છે.
  • છઠ્ઠા આરોપમાં વિપક્ષ સામે પૂર્વગ્રહ રાખી સત્તાધારી પક્ષના હિતમાં કામ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.
Mock Impeachment-6.jpg

સામાન્ય નાગરિકો અને અન્ય વિપક્ષી નેતાઓની રજૂઆત

મૉક સંસદનું સંચાલન કરી રહેલા પૂર્વ સ્પીકર મીરા કુમારે જણાવ્યું હતું કે, 'આવી સભા મેં જીવનમાં પહેલી વાર જોઈ છે. આજની નવી પેઢી એટલે કે Gen-Z વિપક્ષ તરફ મોટી આશાઓ સાથે જોઈ રહી છે અને લોકશાહીના રક્ષણ માટે આપણે આ સંકલ્પ પૂરો કરવો પડશે.' આ સભામાં મતદાર યાદીમાંથી નામ કપાઈ ગયેલા સામાન્ય નાગરિકોને પણ બોલવાની તક આપવામાં આવી હતી. દિલ્હીમાં રહેતી સિંગલ મધર અનિતા જાયસ્વાલે જણાવ્યું હતું કે, '2012થી ઓળખપત્ર હોવા છતાં મારું નામ યાદીમાંથી હટાવી દેવાયું છે. સરકાર સાબિત કરે કે હું કયા દેશની નાગરિક છું.' પશ્ચિમ બંગાળના ઇફ્તિખાર અહેમદે પણ પોતાનું નામ કપાવા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Mock Impeachment-5.jpg

લખનૌમાં અખિલેશ યાદવ અને રામલીલા મેદાન રેલી અંગે નિવેદનો

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે લખનૌ ખાતે જણાવ્યું હતું કે, 'જ્યારે સરકાર જનતા અને વિપક્ષનો અવાજ સાંભળતી નથી, ત્યારે ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સંદેશ આપવા માટે આવા મૉક ડ્રિલ કે મૉક પાર્લામેન્ટનું આયોજન અનિવાર્ય બને છે. ચૂંટણી પંચ આજે લોકશાહી અને બંધારણ માટે સૌથી મોટો ખતરો બની ગયું છે. ભાજપ જો સાચી સંસદના નિર્ણયો જમીન પર લાગુ ન કરતી હોય તો મહિલા અનામત કાયદો કેમ લાગુ કરાયો નથી?'