'સમગ્ર દિલ્હીમાંથી બેરિકેડ્સ હટાવો...', CJPના દેખાવો વચ્ચે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, ગૃહ મંત્રાલયને ફટકારી નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court On Delhi Protest : દિલ્હીના જંતર-મંતર પર 10 ઓક્ટોબરે યોજાયેલા વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિ વણસતાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. પ્રદર્શન દરમિયાન વકીલો અને સામાન્ય નાગરિકોની અટકાયત તેમજ મેટ્રો સેવાઓ પ્રભાવિત થવા અંગે દાખલ થયેલી અરજીઓ પર જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેંચે મોટો આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, સમગ્ર દિલ્હીમાંથી તત્કાલ બેરિકેડ્સ હટાવવામાં આવે, મેટ્રો સેવાઓ નિયમિત સમયપત્રક મુજબ ચલાવવામાં આવે અને ઈન્ટરનેટ સેવાઓ બંધ ન કરવામાં આવે.
ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ
સુપ્રીમ કોર્ટે આદેશનું પાલન ન કરવાના આરોપ હેઠળ ગૃહ મંત્રાલયના સંબંધિત અધિકારીઓને નોટિસ ફટકારી હતી. સવાલ પણ પૂછ્યો કે તેમની સામે અવગણનાની કાર્યવાહી કેમ ના કરવી જોઈએ. આ મામલે સોગંદનામુ દાખલ કરવા પણ કહેવાયું છે.
દિલ્હીમાં મેટ્રો પર પ્રતિબંધ નહીં, ઈન્ટરનેટ અને બેરિકેડિંગ હટાવાશે
સુપ્રીમ કોર્ટે CJP પ્રદર્શન મામલે સુનાવણી કરતા આદેશ આપ્યો છે કે દિલ્હીમાં લોકોની અવરજવર રોકી શકાતી નથી. કોર્ટે મેટ્રોનું સંચાલન સામાન્ય રાખવા, ઈન્ટરનેટ સેવાઓ બહાલ કરવા, વકીલોને નહીં રોકવા અને શહેરભરમાંથી પોલીસ બેરિકેડિંગ હટાવી તેની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. એસજી તુષાર મહેતાએ જણાવ્યું કે શનિવારે 303 માંથી માત્ર 45 મેટ્રો સ્ટેશન જ બંધ કરાયા હતા.
કોર્ટરૂમમાં વકીલો અને પોલીસ વચ્ચે ઉગ્ર દલીલો
સુનાવણી દરમિયાન કોર્ટરૂમમાં વકીલો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. વકીલોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે પ્રદર્શન દરમિયાન 10 ઓક્ટોબરે પોલીસે વકીલો સાથે મારપીટ કરી હતી અને સુપ્રીમ કોર્ટ પરિસરમાં પણ પોલીસની હાજરી સામે આપત્તિ દર્શાવી હતી. શરૂઆતમાં કોર્ટરૂમ નંબર 18માં વીડિયો કોન્ફરન્સિંગ લિંક કામ ન કરતી હોવાથી વકીલોની રજૂઆત બાદ સુનાવણી 15 મિનિટ સ્થગિત કરી કોર્ટરૂમ નંબર 5માં ખસેડવામાં આવી હતી.
45 મેટ્રો સ્ટેશનો પર પ્રતિબંધ મુદ્દે DMRC પાસે નકશો માંગ્યો
જસ્ટિસ બાગચીએ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) પાસે એ તમામ મેટ્રો સ્ટેશનોનો નકશો માંગ્યો છે જ્યાં એન્ટ્રી અને એક્ઝિટ બંધ કે મર્યાદિત કરવામાં આવ્યા હતા. અદાલતે પૂછ્યું કે, શરૂઆતમાં 57 સ્ટેશનો બંધ કરવાનો પ્રસ્તાવ હતો, તો પછી 45 સ્ટેશનો પર નિયંત્રણ કેમ લાદવામાં આવ્યા? મુસાફરોની અવરજવર પર પડેલી અસરની સમીક્ષા કરવા માટે કોર્ટે આ વિગતો માંગી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે ગઈરાત્રે 10 વાગ્યા સુધીમાં તમામ મેટ્રો સ્ટેશનો ખોલી દેવામાં આવ્યા હતા.
સોલિસિટર જનરલે મેટ્રો સેવાઓ સામાન્ય હોવાનો દાવો કર્યો
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે દિલ્હી મેટ્રોના કુલ 303 સ્ટેશનોમાંથી માત્ર 45 સ્ટેશનો પર જ પ્રવેશો મર્યાદિત કરાયા હતા અને આસપાસના સ્ટેશનો કાર્યરત હતા. તેમણે જણાવ્યું કે સામાન્ય સમયપત્રક મુજબ 7,981 ટ્રેન ટ્રિપ્સ ચાલી હતી. આ ઉપરાંત, બપોરે 2 વાગ્યે પ્રદર્શન સ્થળેથી લોકોને ખસેડાયા બાદ સાંજે 6 વાગ્યા સુધીમાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા, તેથી હેબિયસ કોર્પસ અરજીની જરૂર નથી.
7,000 થી વધુ લોકોની અટકાયતનો વકીલોનો દાવો
સિનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામી અને શોએબ આલમે અદાલતમાં રજૂઆત કરી હતી કે મેટ્રો અને ટ્રેનો અટકાવવાથી નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે. તેમણે દાવો કર્યો કે 3 પૂર્વ મુખ્યમંત્રીઓ, વિપક્ષી નેતાઓ, પત્રકારો, વકીલો અને સામાન્ય નાગરિકો સહિત 7,000 થી વધુ લોકોની ગેરકાયદે અટકાયત કરવામાં આવી હતી અને 45 જેટલા અટકાયત કેન્દ્રો બનાવાયા હતા. તેમણે આ સ્થિતિની સરખામણી ઈમરજન્સી સાથે કરીને બંધારણીય અધિકારોના રક્ષણની માંગ કરી હતી.
વકીલો પર હુમલા અને ગેરકાયદે અટકાયત અંગે તપાસની માંગ
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, ગોપાલ શંકરનારાયણન અને શાદાન ફરાસતે જણાવ્યું કે શાંતિપૂર્ણ રીતે જઈ રહેલા વકીલોને ચાલુ બસમાં ફેંકી દેવાયા અને ચેમ્બરમાંથી પણ અટકાયત કરવામાં આવી. સુપ્રીમ કોર્ટ બારના પ્રતિનિધિઓએ આ ઘટનાઓની તસવીરો અને પુરાવા રેકોર્ડ પર લેવા વિનંતી કરી હતી. અદાલતે તમામ પક્ષોને શાંતિ જાળવવા તાકીદ કરી હતી અને ઘટનાઓના વીડિયો તથા સ્ક્રીનશૉટ્સ રેકોર્ડ પર મૂકવા નિર્દેશ આપ્યો હતો.
સરકાર પાસેથી ખુલાસો માંગતી સુપ્રીમ કોર્ટ
જસ્ટિસ બાગચીએ સ્પષ્ટ કર્યું કે અદાલત આટલી મોટી સંખ્યામાં થયેલી અટકાયતો અને મામલાની ગંભીરતાને સારી રીતે સમજે છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને તમામ અરજીઓ પર મંગળવાર સુધીમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે નોંધ્યું કે પોલીસકર્મી હોય, વકીલ હોય કે સામાન્ય નાગરિક-દરેકના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવું એ અદાલતની સમાન જવાબદારી છે.




