સતત પછડાટ બાદ મમતા બેનરજીને રાહત, બંગાળની આ ચૂંટણીમાં TMCએ મેળવી મોટી જીત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

West Bengal TMC Big Win Bar Council Election: પશ્ચિમ બંગાળની સત્તા પર લાંબા સમય સુધી રાજ કરનાર મમતા બેનરજીને રાજ્યમાં સતત હારનો સામનો કરવો પડી રહ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે મળેલી હાર બાદ TMCના હાથમાંથી સતત લોકલ બોડી સરકી રહી હતી, પરંતુ હવે TMCને બાર કાઉન્સિલની ચૂંટણીમાં મોટી જીત મળી છે. જેનાથી મમતાની પાર્ટીને મોટું નૈતિક બળ મળશે.
TMCને બાર કાઉન્સિલની ચૂંટણીમાં મોટી જીત મળી
પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ 23માંથી 15 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને 3, ડાબેરી મોરચાને 3 અને કોંગ્રેસને 2 બેઠકો મળી છે. મમતા બેનરજીની ભલામણથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા TMCના વકીલ ઉમેદવારોએ 5 અનામત મહિલા બેઠકોમાંથી 4 બેઠકો પર જીત હાસિલ કરી છે.
પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલની કુલ 23 ચૂંટાયેલી બેઠકોમાંથી 18 બેઠકો પુરુષો માટે અને 5 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી હતી. પરિણામોમાં TMCએ 15, ભાજપે 3, લેફ્ટ ફ્રન્ટે 3 અને કોંગ્રેસે 2 બેઠકો પર જીત મેળવી છે. 5 મહિલા અનામત બેઠકોમાંથી TMCએ 4 અને કોંગ્રેસે 1 બેઠક પર જીત હાંસલ કરી છે. ચૂંટણી બાદ સુપ્રીમ કોર્ટના નિર્દેશો પ્રમાણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વધુ 2 મહિલા ઉમેદવારોને મનોનીત કરશે, જેથી કુલ સભ્યોની સંખ્યા વધીને 25 થઈ જશે.
ચૂંટણીમાં કુલ 75 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા
તમને જણાવી દઈએ કે, ચૂંટણીમાં કુલ 75 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. TMCએ 23, ભાજપે 22, ડાબેરી મોરચાએ 12 અને 18 અપક્ષ વકીલોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. TMC લૉયર્સ સેલના શુભાશીષ ચક્રવર્તીએ સૌથી મોટા અંતરથી જીત નોંધાવી છે. અન્ય પ્રમુખ વિજેતાઓમાં વૈસ્વોનર ચેટર્જી, અંસાર મંડલ, અશોક દેબ, ઈન્દ્રનીલ બસુ અને સિદ્ધાર્થ મુખર્જી સામેલ છે. આ તમામ મમતા બેનર્જીની ભલામણ પર મેદાનમાં ઉતર્યા હતા.
TMC હવે ટૂંક સમયમાં નવા બોર્ડની રચના કરશે
TMC લૉયર્સ સેલના સભ્ય સંજય બર્ધને જણાવ્યું કે, તમામ જિલ્લા અદાલતોના પ્રેક્ટિસિંગ વકીલો દ્વારા મતદાનના માધ્યમથી બાર કાઉન્સિલની રચના કરવામાં આવી. ચૂંટણી માટે મતદાન 9 માર્ચથી શરૂ થયું હતું. ગત ચૂંટણીની સરખામણીએ ભાજપે 3 અને કોંગ્રેસે 2 બેઠકો જાળવી રાખી છે, જ્યારે ડાબેરી મોરચો 4થી ઘટીને 3 બેઠકો પર આવી ગયો છે. TMC હવે ટૂંક સમયમાં નવા બોર્ડની રચના કરવા જઈ રહી છે.









