દિલ્હીથી રાજસ્થાન-યુપી સુધી મેઘરાજાનો કહેર, 5 સપ્ટેમ્બરે 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IMD Weather Alert : દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં હવામાનનો મિજાજ પલટાયો છે. ઘણા રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે, તો કેટલીક જગ્યાએ સર્જાયેલા લો પ્રેશરને કારણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી, પંજાબ, રાજસ્થાનથી લઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ સુધી ભારે વરસાદનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 5 સપ્ટેમ્બર 2026 માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગના દૈનિક બુલેટિન અનુસાર, આવતીકાલે દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
દિલ્હી-NCRમાં વરસાદનું રેડ એલર્ટ
દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. સવારથી બપોર સુધી ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. આ દરમિયાન વાવાઝોડું ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા થવાની આશંકા છે. મહત્તમ તાપમાન 29°C થી 31°C અને લઘુત્તમ તાપમાન 24°C થી 26°C વચ્ચે રહેવાનો અંદાજ છે.
રાજસ્થાનમાં અતિભારે વરસાદની આગાહી
રાજસ્થાનમાં પણ હવામાનમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલમાં ઉત્તરી મધ્યપ્રદેશ અને દક્ષિણી ઉત્તરપ્રદેશ પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેના પગલે ભરતપુર, જયપુર, અજમેર, કોટા વિભાગ અને શેખાવટી ક્ષેત્રમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કોટા વિભાગમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ વરસી શકે છે.
ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગોમાં વરસાદ અને વીજળી પડવાની ચેતવણી
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વ્યાપક વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા છે. તેની સામે પૂર્વ ઉત્તર પ્રદેશમાં હવામાન મોટાભાગે સૂકું રહેશે અને માત્ર અમુક છૂટાછવાયા વિસ્તારોમાં જ હળવો વરસાદ થઈ શકે છે.
બિહારમાં ભારે વરસાદનો દોર ચાલુ રહેશે
બિહારમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત છે અને આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે. આવતીકાલે પણ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
મધ્યપ્રદેશમાં વહીવટીતંત્ર સતર્ક, કલેક્ટરોને એલર્ટ રહેવા આદેશ
પશ્ચિમ મધ્યપ્રદેશમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય રહેશે. અહીં ભારે પવન, વાવાઝોડું અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદના એલર્ટને ધ્યાને રાખીને મુખ્યમંત્રી મોહન યાદવે તમામ જિલ્લાના કલેક્ટરોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે.
ઉત્તરાખંડમાં ભૂસ્ખલનનો ખતરો વધ્યો
ઉત્તરાખંડમાં આવતીકાલે ગાજવીજ અને વાવાઝોડા સાથે વ્યાપક વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવાનું જોખમ વધી ગયું છે.
હિમાચલ પ્રદેશમાં 102 રસ્તાઓ બંધ, યલો એલર્ટ જાહેર
હિમાચલ પ્રદેશમાં પણ વ્યાપક વરસાદની સાથે વીજળી પડવાની શક્યતા છે. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે અત્યાર સુધીમાં કુલ 102 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. શિમલા હવામાન કેન્દ્ર દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ
દેશભરમાં વરસાદના વિસ્તારોનું વર્ગીકરણ જોઈએ તો પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અત્યંત ભારે વરસાદનું જોખમ છે. જ્યારે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ જેવા રાજ્યોમાં મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.




