India

‘હું દરેક સવાલનો જવાબ આપવા તૈયાર...’: અમિત શાહ; રાહુલ ગાંધીએ પૂછ્યું- વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાનો આદેશ કોણે આપ્યો?’

By GS Team
12 Aug 20263 mins read
TukuTouch Logo
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ મુદ્દે રાહુલ ગાંધી અને અમિત શાહ આમને-સામને આવ્યા. ગૃહમંત્રી શાહે ચર્ચા માટે ખુલ્લી ચેલેન્જ આપતાં કહ્યુંં કે સરકાર પાસે છુપાવવા કંઈ નથી. બીજી તરફ, રાહુલ ગાંધીએ શાહ પર બાળકો પર પેલેટ ગન ચલાવવાનો આદેશ આપવાનો આરોપ મૂકી રાજીનામાની માંગ કરી. આ મુદ્દે સંસદમાં રાજકીય ગરમાવો વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘હું દરેક સવાલનો જવાબ આપવા તૈયાર...’: અમિત શાહ; રાહુલ ગાંધીએ પૂછ્યું- વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાનો આદેશ કોણે આપ્યો?’

Rahul Gandhi and Amit Shah News : NEET પેપર લીક અને જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામસામે આવી ગયા છે. એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે ‘સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી અને હું આજે જ આ મુદ્દે ચર્ચા કરવા તથા દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છું.’ તો બીજી તરફ, વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મારે ભાષણ નથી સાંભળવું. જો વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાનો આદેશ ગૃહમંત્રીએ આપ્યો હોય તો તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.’

ગૃહમંત્રી અમિત શાહનો ચર્ચા માટે ખુલ્લી ચેલેન્જ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષને સંસદ ચાલવા દેવાની અપીલ કરતાં કહ્યું કે, "સરકાર દરેક વિષય પર વિગતવાર ચર્ચા કરવા તૈયાર છે. વિપક્ષ બપોરે 2 વાગ્યા સુધીમાં સ્પીકરને ચર્ચા માટે પત્ર સોંપે, સરકાર આજે બપોરે 3 વાગ્યાથી લઈને મોડી રાત સુધી અને આવતીકાલે પણ ચર્ચા કરવા તૈયાર છે. હું પોતે આ ચર્ચામાં હાજર રહીશ અને વિપક્ષના દરેક સવાલનો જવાબ આપીશ."

તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકાર NEET મુદ્દે વિદ્યાર્થીઓના આંદોલન અને વિપક્ષના તમામ આક્ષેપોના જવાબો આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો જરૂર પડે તો પ્રશ્નકાળ સ્થગિત કરીને પણ આ મુદ્દે સંસદના નિયમો અનુસાર ચર્ચા થઈ શકે છે, પરંતુ વિપક્ષ માત્ર હંગામો કરીને ચર્ચાથી ભાગી રહ્યો છે.

રાહુલ ગાંધીનો તીખો પલટવાર: રાજીનામાની માંગ

ગૃહમંત્રીના આ નિવેદન પર પલટવાર કરતાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમારે ગૃહમંત્રીનું કોઈ લેક્ચર નથી સાંભળવું. દેશના ભવિષ્ય એવા નિર્દોષ વિદ્યાર્થીઓ પર જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે તેનો જવાબ સરકારે આપવો પડશે."

રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, જો જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા માસૂમ બાળકો પર પેલેટ ગન અને લાઠીચાર્જ કરવાનો આદેશ અમિત શાહે આપ્યો હોય, તો તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. અમે છેલ્લા 20 દિવસથી તેમની પાસે જવાબ માગી રહ્યા છે પણ તેઓ જવાબ આપવાની જગ્યાએ ગાયબ થઇ ગયા છે.

એક વિદ્યાર્થીને આંધળો કરી દેવાયો, બીજાને ગોળી મારી. ખિલ્લીવાળા દંડા વડે વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા હતા. આ આદેશ આપ્યા કોણે અમને તો એ કહો? યુવા પેઢી અમિત શાહ તરફથી કોઈ સ્પષ્ટતા કે તર્ક જાણવા નથી માગતી બસ એટલું કહે કે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાનો આદેશ આખરે આપ્યો કોણે? જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી કોઈ ચર્ચા સ્વીકારવામાં નહીં આવે.

સંસદના બંને ગૃહમાં ગરમાયેલું રાજકારણ

સંસદનું સત્ર શરૂ થયું ત્યારથી જ NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો મુદ્દો છવાયેલો રહ્યો છે. વિપક્ષ આ મુદ્દે સરકારને સતત ઘેરી રહ્યો છે અને ગૃહમાં ભારે હંગામો મચાવી રહ્યો છે. ત્યારે અમિત શાહના આજના પ્રસ્તાવ અને રાહુલ ગાંધીના આકરા વલણ બાદ સંસદમાં રાજકીય ગરમાવો વધુ વધી ગયો છે.