India

રામ મંદિર ટ્રસ્ટમાં ઘમસાણ, દાન ચોરી બાદથી બે દિગ્ગજો અબોલા, આરોપ-પ્રત્યારોપ વધ્યા

By GS Team
10 Jul 20263 mins read
TukuTouch Logo
અયોધ્યાના શ્રીરામ મંદિરમાં દાનચોરીની ઘટના બાદ ટ્રસ્ટમાં મોટો વિવાદ છેડાયો છે. મહાસચિવ ચંપત રાય અને સભ્ય ડૉ. અનિલ મિશ્રા વચ્ચે સંબંધો વણસ્યા છે. ચંપત રાયે SIT રિપોર્ટ બાદ જવાબ આપવાનું કહી મૌન વ્રત ધારણ કર્યું છે. તેમણે દાન ગણતરીના નિયમો (SOP) અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે, જેના કરારથી તેઓ અજાણ હોવાનો દાવો કર્યો. ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરીએ દાનપાત્રોની જવાબદારી અનિલ મિશ્રાની ગણાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિર ટ્રસ્ટમાં ઘમસાણ, દાન ચોરી બાદથી બે દિગ્ગજો અબોલા, આરોપ-પ્રત્યારોપ વધ્યા

Ram Janmabhoomi Trust internal conflict: અયોધ્યા સ્થિત ભવ્ય શ્રીરામ મંદિરમાં દાનની ચોરી થવાની ઘટના સામે આવ્યા બાદ હવે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અંદર જ મોટો ઘમાસણ શરૂ થઈ ગયો છે. આ વિવાદમાં ટ્રસ્ટના પદાધિકારીઓ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાના પ્રયાસો કરી રહ્યા છે, જેના કારણે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર તેજ બન્યો છે. અહેવાલો અનુસાર, ચોરીની ઘટના બહાર આવ્યા બાદ વર્તમાન જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા વચ્ચે સંબંધો અત્યંત વણસ્યા છે. બંને વચ્ચે સામાન્ય વાતચીત કે શિષ્ટાચાર પણ બંધ થઈ ગયો છે અને વિવાદ બાદ બંને એકબીજાને મળ્યા પણ નથી.

ચંપત રાયે પત્ર લખીને મૌન વ્રત ધારણ કર્યું

ગઈ 7 જુલાઈએ ચંપત રાયે બે સત્તાવાર પત્રો લખીને પોતાના પર લાગેલા આરોપોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ અત્યારે મૌન વ્રત પર છે અને SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)નો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ તમામ આરોપોના વિગતવાર જવાબો આપશે. તેમણે પોતાના 'X' હેન્ડલ પર રામચરિતમાનસની પ્રખ્યાત ચોપાઈ 'ધીरज धर्म मित्र अरु नारी, आपद काल परिखिअहिं चारी' (ધીરજ, ધર્મ, મિત્ર અને સ્ત્રીની પરીક્ષા આપત્તિના સમયે જ થાય છે) લખીને પોતાના પત્રો અટેચ કર્યા છે, જે તેમના મિત્રો અને શુભચિંતકો માટે એક મોટો ગૂઢ સંદેશ માનવામાં આવી રહ્યો છે.

વાઇરલ પત્રમાં બેંક અને અનિલ મિશ્રા સામે સવાલો ઉઠાવ્યા

SITને લખેલો ચંપત રાયનો એક પત્ર સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થયો છે, જેમાં તેમણે મંદિરના દાનની ગણતરી પ્રક્રિયાના નિયમો (SOP)ને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ નિયમો અંગેનો કરાર (MoU) ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને બેંકના તત્કાલીન ચીફ મેનેજર ગોવિંદ મિશ્રા વચ્ચે થયો હતો. ચંપત રાયે ખુલાસો કર્યો છે કે આ કરાર વિશે તેમને કોઈ જાણકારી જ નહોતી. જ્યારે ચોરીની રકમ રિકવર થઈ, ત્યારે 13 જૂને તેમની એકાઉન્ટ ઓફિસે તેમને આ એમઓયુની નકલ આપી હતી. ચંપત રાયે સવાલ કર્યો છે કે જો ટ્રસ્ટના તમામ દસ્તાવેજોના દરેક પેજ પર તેમના હસ્તાક્ષર હોય છે, તો આ મહત્ત્વના કરાર પર તેમની સહી કેમ નથી અને તેમને આ બાબતથી અંધારામાં કેમ રાખવામાં આવ્યા?

અયોધ્યાનો સંત સમાજ કોની સાથે?

આ સમગ્ર વિવાદમાં અયોધ્યાના સ્થાનિક લોકો અને સંત સમાજ ચંપત રાયને નિર્દોષ માની રહ્યા છે અને તેમની પડખે ઊભા છે, પરંતુ ડૉ. અનિલ મિશ્રાના મુદ્દે સંતોએ મૌન સેવી લીધું છે. ચંપત રાયના જૂથનો આરોપ છે કે ચોરીની વાત સામે આવ્યા પછી અનિલ મિશ્રાએ પરિસ્થિતિ સંભાળવાના બદલે વધુ બગાડી દીધી.

બીજી તરફ, અનિલ મિશ્રાના સમર્થકોનું કહેવું છે કે ચંપત રાય પોતાના અક્કડ સ્વભાવના કારણે કોઈનું સાંભળતા નહોતા, તેથી તેમને આ અંગે જણાવવા કોણ જાય? બંને નેતાઓ વચ્ચેની આ તલખાણ અત્યારે અયોધ્યામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ટ્રસ્ટના ટ્રેઝરર સ્વામી ગોવિંદદેવ ગિરીનું મોટું નિવેદન

આ ગજગ્રાહ વચ્ચે ટ્રસ્ટના કોષાધ્યક્ષ (ટ્રેઝરર) સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજે પણ ડૉ. અનિલ મિશ્રા પર આડકતરું નિશાન સાધ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, મંદિરના દાનપાત્રોની સંપૂર્ણ જવાબદારી અનિલ મિશ્રાની હતી, તેથી આ વિવાદને લગતા તમામ સવાલો તેમને જ પૂછવા જોઈએ. જ્યાં સુધી દાનની રકમ સત્તાવાર રીતે ટ્રસ્ટના મુખ્ય ભંડાર (કોષ)માં જમા ન થઈ જાય ત્યાં સુધી તેની કોઈ જવાબદારી તેમની રહેતી નથી. આ નિવેદન બાદ અનિલ મિશ્રા ટ્રસ્ટની અંદર વધુ ઘેરાયા હોય તેવું લાગી રહ્યું છે.