રામ મંદિર ચંદા ચોરી: સુપ્રીમ કોર્ટ પહોંચ્યું નિર્મોહી અખાડા, 2019ના ચુકાદાની અવગણનાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ram Mandir Trust Controversy : રામ મંદિર ટ્રસ્ટને લઈને નિર્મોહી અખાડા સુપ્રીમ કોર્ટ પહોંચી ગયું છે. અરજીમાં 2019ના ચુકાદાનું યોગ્ય રીતે પાલન ન થયું હોવાનો દાવો કરીને ટ્રસ્ટના પુનર્ગઠન અને તેના નાણાકીય વ્યવહારોની તપાસ સહિતના કેટલાક નિર્દેશો જારી કરવાની માંગ કરવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટની રચના, તેની કામગીરી અને નાણાકીય વ્યવહારોને લઈને નિર્મોહી અખાડાએ અરજી દાખલ કરીને જણાવ્યું છે કે, ઐતિહાસિક ચુકાદાના આશરે 7 વર્ષ બાદ પણ તેની મૂળ ભાવના મુજબ અમલ કરવામાં આવ્યો નથી. અખાડાનો આરોપ છે કે, કેન્દ્ર સરકારે અદાલતના આદેશનું સંપૂર્ણ પાલન કર્યું નથી, જેના કારણે આજે આ સ્થિતિ સર્જાઈ છે.
અરજીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કાર્યશૈલી અને તેની રચના પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. નિર્મોહી અખાડાનું કહેવું છે કે, સાર્વજનિક ટ્રસ્ટને બદલે આને એક ખાનગી ટ્રસ્ટની જેમ બનાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, ટ્રસ્ટના કેટલાક સભ્યો ભ્રષ્ટાચારમાં સામેલ હોઈ શકે છે. આ તમામ વિવાદોના કારણે આ પવિત્ર સ્થળની ગરિમા અને છબીને મોટું નુકસાન પહોંચ્યું છે.
ટ્રસ્ટને લઈને શું માંગણીઓ કરાઈ?
નિર્મોહી અખાડાએ દલીલ કરી છે કે, કોઈપણ મંદિરની વ્યવસ્થા 'શેબૈત' એટલે કે પરંપરાગત સેવાભાવી વગર અધૂરી ગણાય. અરજી અનુસાર, વર્તમાન ટ્રસ્ટમાં એવા લોકોને સામેલ કરી લેવામાં આવ્યા છે, જેઓનો શ્રી રામ જન્મભૂમિ સાથે કોઈ ઐતિહાસિક, ધાર્મિક કે કાનૂની સંબંધ નથી. આ જ કારણે, અખાડાએ માંગ કરી છે કે, સમગ્ર ટ્રસ્ટનું પુનર્ગઠન કરીને તેને સાર્વજનિક ટ્રસ્ટ બનાવવામાં આવે, જેમાં તેમને યોગ્ય ભૂમિકા મળે. વાત માત્ર મેનેજમેન્ટ સુધી સિમિત નથી, પરંતુ પૈસાના હિસાબ-કિતાબને લઈને પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. અરજીમાં ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારોનું એક નિષ્પક્ષ ફોરેન્સિક ઓડિટ (Forensic Audit) કરાવવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જ 2019ના ચુકાદાના પાલનની તપાસ માટે એક સ્વતંત્ર સમિતિ બનાવવાની વાત કહેવામાં આવી છે, જેથી ટ્રસ્ટીઓની નિમણૂક માટે સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી થઈ શકે.
ધાર્મિક રીતિ-રિવાજોને લઈને પણ અખાડાએ પોતાનો પક્ષ મજબૂતાઈથી રાખ્યો છે. તેમનું કહેવું છે કે, રામલલાની પૂજા, સેવા અને ભોગ સંપૂર્ણપણે રામાનંદી સંપ્રદાયની પરંપરા અનુસાર જ કરાવવામાં આવે. આ સિવાય પરિસરમાં શ્રી રામલલા વિરાજમાનની મૂળ મૂર્તિઓને ફરીથી સ્થાપિત કરવાની માંગ પણ કરવામાં આવી છે. હવે આ અરજી પર સુપ્રીમ કોર્ટના આગામી પગલાં પર સૌની નજર ટકેલી છે.









