અર્ણબ વાવાઝોડાંની અસરથી દેશના અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બંગાળની ખાડીમાં સર્જાયેલું તોફાન આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે
- આંધ્રપ્રદેશ ઉપરાંત ઓડિશા, તેલંગણા અને છત્તીસગઢમાં હાઈએલર્ટઃ ૧૪૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે, શાળા-કોલેજો બંધ
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં સર્જાયેલું લો પ્રેશર વાવાઝોડું બની ગયું છે. આ અર્ણબ વાવાઝોડાંથી દેશના ઓછામાં ઓછા ૧૮ રાજ્યોમાં ભારેથી હળવા વરસાદની શક્યતા છે. ચાર રાજ્યોમાં તો હાઈએલર્ટ આપવામાં આવ્યો છે. લગભગ છ લાખથી વધુ લોકો આ વાવાઝોડાંથી પ્રભાવિત થાય તેવી દહેશત હોવાથી સલામતીના પગલાં ભરવાની કવાયત શરૂ થઈ છે. દેશના દક્ષિણ કાંઠાથી આ વાવાઝોડું લગભગ ૬૦૦ કિલોમીટર દૂર છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે અર્ણબ નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાંથી બન્યું છે અને તે અત્યારે ઓડિશાથી ૬૧૦ કિલોમીટર તેમ જ આંધ્રપ્રદેશથી લગભગ ૬૫૦ કિલોમીટરના અંતરે દરિયામાં છે. ૧૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તે આગળ વધી રહ્યું છે. તેના કારણે પશ્વિમના રાજ્યોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને ભારે વરસાદ પણ થઈ શકે છે. હવામાન વિભાગની ગણતરી પ્રમાણે વાવાઝોડું ૨૮મીએ આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે. તેના કારણે આંધ્રપ્રદેશ ઉપરાંત ઓડિશા, તેલંગણા અને છત્તીસગઢ એમ ચાર રાજ્યોને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. આ ચાર રાજ્યોમાં ૧૧૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
તે સિવાયના દેશના ૧૮ રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવશે. કેટલાય રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની પણ આગાહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચાર-પાંચ રાજ્યોમાં તેજ હવાથી વૃક્ષો ધરાશાયી થઈ શકે, વીજળી ગૂલ થવાની ઘટના પણ બની શકે છે. મકાનોને નુકસાન થઈ શકે છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયામાં ન જવાની તાકીદ કરવામાં આવી છે. દરિયાકાંઠે વિકરાળ મોજાં જોવા મળશે. તીવ્ર વરસાદની શક્યતા હોવાથી ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાવધાન રહેવાની સલાહ આપવાની સાથે સાથે આ રાજ્યોના કાંઠાં વિસ્તારમાં રહેતા અંદાજ છ લાખ લોકો પ્રભાવિત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર સહિત કેટલાય રાજ્યોમાં ૭૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગામી બે દિવસ સુધી પવન ફૂંકાશે. ત્રણ દિવસ સુધી ગરમીમાં રાહત થશે. પૂર્વોત્તર રાજ્યોમાં હળવા વરસાદની આગાહી છે.




