રેલવે, બેંક કે ગૃહ મંત્રાલય... સૌથી વધુ કયા વિભાગ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ? 5 વર્ષનો રિપોર્ટ જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CVC Corruption Report : દેશમાં વિવિધ સરકારી વિભાગો સામે ભ્રષ્ટાચાર મામલે થતી અરજીઓ અને ફરિયાદોના વલણમાં છેલ્લા પાંચ વર્ષમાં મોટો વળાંક જોવા મળ્યો છે. કેન્દ્રીય તકેદારી પંચના વાર્ષિક અહેવાલો મુજબ, અગાઉ જે વિભાગ સામે સૌથી વધુ ફરિયાદો આવતી હતી, તે ગૃહ મંત્રાલયનું સ્થાન પાછળ રહી ગયું છે અને પ્રજાલક્ષી અન્ય સેવા ક્ષેત્રો હવે મોખરે આવી ગયા છે. આ ફેરફાર માત્ર વહીવટી સ્તરે જ નહીં પરંતુ સામાન્ય જનતાના સરકારી સંસ્થાઓ સાથેના રોજિંદા જોડાણના સંદર્ભમાં પણ ઘણો મહત્વનો માનવામાં આવે છે. ઉપલબ્ધ વર્ષવાર આંકડા પ્રમાણે ગૃહ મંત્રાલય, રેલવે અને બેંકિંગ ક્ષેત્ર સામે મળેલી ફરિયાદોની સંખ્યા 1.69 લાખથી વધુ છે. જોકે, 2021ના બેંકિંગ ક્ષેત્રના ફરિયાદોના આંકડા ઉપલબ્ધ નથી.
વર્ષ મુજબ વિવિધ વિભાગો સામે મળેલી ફરિયાદોનું લિસ્ટ
- વર્ષ 2021 : ગૃહ મંત્રાલય વિરુદ્ધ 37670 અને રેલવે વિભાગ વિરુદ્ધ 11003 ફરિયાદો
- વર્ષ 2022 : ગૃહ મંત્રાલય વિરુદ્ધ 46643 અને રેલવે વિભાગ વિરુદ્ધ 10580 તેમજ બેંકિંગ ક્ષેત્ર વિરુદ્ધ 8129 ફરિયાદો
- વર્ષ 2023 : રેલવે વિભાગ વિરુદ્ધ 10447 અને બેંકિંગ ક્ષેત્ર વિરુદ્ધ 7004 તેમજ ગૃહ મંત્રાલય (દિલ્હી પોલીસ સિવાય) વિરુદ્ધ 2309 ફરિયાદો
- વર્ષ 2024 : રેલવે વિભાગ વિરુદ્ધ 8177 અને બેંકિંગ ક્ષેત્ર વિરુદ્ધ 5966 તેમજ ગૃહ મંત્રાલય વિરુદ્ધ 1102 ફરિયાદો
- વર્ષ 2025 : બેંકિંગ ક્ષેત્ર વિરુદ્ધ 9933, રેલવે વિભાગ વિરુદ્ધ 9381 અને દિલ્હી પોલીસ વિરુદ્ધ 2633 તેમજ ગૃહ મંત્રાલય વિરુદ્ધ 2036 ફરિયાદો
- 2021 અને 2022માં ગૃહ મંત્રાલય સામે સૌથી વધુ ફરિયાદો આવી હતી, જ્યારે 2023 અને 2024માં રેલવે મોખરે રહ્યું હતું. 2025માં બેંકિંગ ક્ષેત્ર 9933 ફરિયાદો સાથે સૌથી આગળ રહ્યું અને રેલવે 9381 ફરિયાદો સાથે બીજા ક્રમે રહ્યું.
વર્ષ 2025માં ફરિયાદોના નિકાલની સ્થિતિ
- કુલ મળેલી ફરિયાદો : 70,584
- નિકાલ કરાયેલી ફરિયાદો : 64,905
- બાકી રહેલી ફરિયાદો : 5,679
- ત્રણ મહિનાથી વધુ સમયથી બાકી ફરિયાદો : 2,002
- CVO/CBIને તપાસ માટે મોકલાયેલી ફરિયાદો : 248
ગૃહ મંત્રાલયની ફરિયાદો ઘટવા પાછળનું કારણ
પાંચ વર્ષના આંકડાકીય વિશ્લેષણમાં અચાનક આવેલી મોટી ઘટને સીધી રીતે ભ્રષ્ટાચાર ઓછો થવા સાથે જોડી શકાય નહીં. CVCની રિપોર્ટમાં અલગ-અલગ વર્ષોમાં મંત્રાલયો અને તેમની સાથે જોડાયેલી સંસ્થાઓને અલગ રીતે દર્શાવવામાં આવ્યા છે. 2024ની રિપોર્ટ મુજબ, મંત્રાલય અથવા વિભાગના આંકડામાં તેની સાથે જોડાયેલી સંસ્થાઓ પણ સામેલ છે અને ગૃહ મંત્રાલયનો આંકડો દિલ્હી પોલીસને છોડીને છે. આ કારણે સરખામણી કરતી વખતે વિભાગીય કાર્યક્ષેત્ર અને રિપોર્ટિંગના માળખાકીય બદલાવને ધ્યાનમાં લેવો જરૂરી બન્યો છે.
બેંક અને રેલવે શા માટે સતત મોખરે રહે છે?
આ બંને સંસ્થાઓ સામાન્ય નાગરિકો સાથે સૌથી વ્યાપક અને દૈનિક સ્તરે જોડાયેલી છે. નાણાકીય લેવડદેવડ, લોન, થાપણો કે બચત યોજનાઓ જેવી બાબતોને કારણે કરોડો લોકો દરરોજ બેંકોના સંપર્કમાં આવે છે. તેવી જ રીતે પ્રવાસ, ટિકિટિંગ, રોજગારી, સામાનની હેરફેર અને વિવિધ કોન્ટ્રાક્ટ્સને પગલે રેલવેનો વ્યાપ પણ દેશભરમાં વિસ્તરેલો છે. પ્રજા સાથેનો આ વિશાળ સંપર્ક અને દૈનિક વ્યવહારોનું અતિશય મોટું પ્રમાણ ફરિયાદોની સંખ્યામાં પણ મોટી ભૂમિકા ભજવે છે.
તપાસ અને કાર્યવાહીની વાસ્તવિક સ્થિતિ
કેન્દ્રીય તકેદારી પંચના નિયમ અનુસાર સામાન્ય રીતે કોઈપણ ફરિયાદની તપાસ ત્રણ મહિનામાં પૂરી થવી જોઈએ. આ ઉપરાંત નોંધાયેલી તમામ અરજીઓ સાચી કે ગંભીર હોતી નથી. મોટી સંખ્યામાં આવતી અરજીઓ અનામી અથવા અન્ય નામે, અસ્પષ્ટ કે પાયાવિહોણી હોય છે, જ્યારે ઘણી બાબતો પંચના કાર્યક્ષેત્ર બહારની હોવાથી અન્ય સંબંધિત વિભાગોને આગળ મોકલવામાં આવે છે. આમ, માત્ર ફરિયાદોનો મોટો આંકડો એ સંસ્થામાં ભ્રષ્ટાચાર સાબિત કરવાનો અંતિમ આધાર નથી, પરંતુ પૂરતી તપાસ બાદ જ સત્યતા સામે આવે છે.




