સંઘ અને તેના સાથીઓ પાસેથી દાન નહીં લઈએ : અમેરિકાના 90 નેતાઓનું એલાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મોહન ભાગવતના ન્યૂયોર્ક કાર્યક્રમ પછી યુએસ રાજકારણમાં હલચલ
- અમેરિકન નેતાઓનું અભિયાન અમેરિકા અને હિન્દુ વિરોધી હોવાનો હિન્દુ અમેરિકન પોલિટિકલ એક્શન કમિટિનો દાવો
વોશિંગ્ટન : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતના ન્યૂયોર્કમાં કાર્યક્રમ પછી અમેરિકન રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. અમેરિકાના ૯૦ નેતાઓએ આરએસએસ અને તેના સંગઠન સાથે સંકળાયેલા લોકો પાસેથી દાન નહીં લેવાની જાહેરાત કરી છે. આ નેતાઓમાં ભારતીય મૂળના સાંસદ રો ખન્ના અને પ્રમિલા જયપાલનો પણ સમાવેશ થાય છે.
હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ એક્શન અને સાઉથ એશિયન અમેરિકન કોઅલિશન ટુ રિન્યુ ડેમોક્રસી એક્ટ્સ જેવા જૂથોએ ૩૧ ઓગસ્ટે જાહેર કરેલા સંકલ્પ મુજબ અમેરિકાના આઠ રાજ્યોના ચૂંટાયેલા નેતાઓ અને ઉમેદવારોએ આરએસએસ અને તેની સહયોગી સંસ્થાઓના લોકો પાસેથી મળનારી આર્થિક મદદ નકારવાની ખાતરી કરી છે. બંને જૂથો તરફથી કહેવાયું છે કે આ અભિયાન મોહન ભાગવતના અમેરિકા અને કેનેડાના પ્રવાસના જવાબમાં શરૂ કરાયું હતું. અમેરિકાના આઠ રાજ્યોના નેતાઓ, હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ એક્શન, સેક્રેડ એક્ટ્સ અને તેમના સહયોગીઓએ એક બિનપક્ષપાતી સંકલ્પની જાહેરાત કરી છે. તેમાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષના નેતાઓના જૂથનો સમોવશ થાય છે.
હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ એક્શન અમેરિકા સ્થિત રાજકીય વકીલાત જૂથ છે. આ જૂથ પોતાને બધા હિન્દુઓ માટે લોકતંત્ર, માનવાધિકારો અને બહુમતવાદનું રક્ષણ કરવા માગતું આંદોલન ઊભું કરવાની તરફેણ કરી છે. સાથે તે જાતિ વ્યવસ્થા અને હિન્દુ રાષ્ટ્રવાદને ખતમ કરવા માગે છે.
આ સંગઠનોના છ પાનાના સંકલ્પ પર હસ્તાક્ષર કરનારામાં અમેરિકન કોંગ્રેસના સભ્ય, રાજ્યોના ધારાસભ્યો, મેયર, સ્થાનિક સ્તરે ચૂંટાયેલા નેતા અને ડેમોક્રેટિક તથા રિપબ્લિકન બંને પક્ષના ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ સંગઠનોએ અગાઉ ૨૯ ઓગસ્ટે ન્યૂયોર્કના મેનહટન ખાતે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં થયેલા મોહન ભાગવતના 'યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન' કાર્યક્રમનો પણ વિરોધ કર્યો હતો.
બીજી તરફ હિન્દુ અમેરિકન પોલિટિકલ એક્શન કમિટિએ ૯૦ અમેરિકન નેતાઓના આ અભિયાનની આકરી ટીકા કરી છે. તેમણે આ સંગઠનોને કટ્ટરપંથી ડાબેરી સંગઠન ગણાવ્યા છે. કમિટિએ આ અભિયાનને અમેરિકા વિરોધી અને હિન્દુ વિરોધી પણ ગણાવ્યું છે.




