ફેસ્ટિવ સિઝનમાં રેલવેની સિસ્ટમ ફેલ, સુરત-મુંબઈ જેવા શહેરોથી પટણા જતી ટ્રેનો 24-26 કલાક મોડી, મુસાફરો રઝળ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Railway News : લોક આસ્થાના મહાપર્વ 'છઠ'ની પવિત્ર અનુષ્ઠાન વિધિઓ શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે, ત્યારે દેશના રેલવે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. ગુજરાતના હીરા-ટેક્સટાઇલ ઉદ્યોગનું કેન્દ્ર ગણાતા સુરત અને આર્થિક રાજધાની મુંબઈ તેમજ દિલ્હી જેવા મોટા શહેરોમાંથી પોતાના વતન બિહાર જઈ રહેલા શ્રમિકો અને પ્રવાસીઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે.
રેલવે વિભાગના દાવાઓ વચ્ચે તંત્રની નબળી વ્યવસ્થાના કારણે ઉત્સવના માહોલ વચ્ચે લાખો લોકો રઝળી પડ્યા છે. સુરત અને મુંબઈ સહિતના દેશના અન્ય હિસ્સાઓથી પટના આવતી ફેસ્ટિવલ સ્પેશિયલ અને પ્રીમિયમ ટ્રેનો 24 થી 26 કલાક સુધીના માતબર વિલંબથી દોડી રહી છે, જેના કારણે ઘર આંગણે પરિવાર સાથે પર્વ ઉજવવાની આશા લઈને બેઠેલા લોકોની દિવાળી અને છઠની ખુશીઓ પર પાણી ફરી વળ્યું છે.
રેલવે તંત્રના 'દવાઓ' અને જમીની હકીકત વચ્ચે કેટલો મોટો ફેર છે તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે ટ્રેનોની આ અનિયમિતતાએ પ્રવાસીઓની આખી યાત્રા યોજના જ ખોરવી નાખી છે. પટના આવતી અત્યંત મોડી દોડતી ગાડીઓમાં 04052 હાવડા સ્પેશિયલ 25 કલાક અને 59 મિનિટ તથા 04404 પટના જનસાધારણ ફેસ્ટિવલ સ્પેશિયલ 25 કલાક અને 54 મિનિટ જેટલી મોડી ચાલી રહી છે.
આ ઉપરાંત, આનંદ વિહારથી આવતી ભાગલપુર સ્પેશિયલ અને રાજેન્દ્રનગર ટર્મિનલ અમૃત ભારત એક્સપ્રેસ પણ આશરે 24 કલાકના વિલંબથી ચાલી રહી છે. બીજી તરફ, મુંબઈ CSMTથી આવતી પટના સુપરફાસ્ટ 9 કલાક અને મુંબઈ LTTથી આવતી ભાગલપુર સુપરફાસ્ટ 8 કલાકથી વધુ મોડી પડી છે, જ્યારે સુરતથી પટના આવનારી ભાગલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ અગાઉના સમય કરતાં લગભગ પોણા નવ કલાક મોડી દોડી રહી છે.
આ અતિશય વિલંબના કારણે પટના જંક્શન પર અસહ્ય ભીડ અને અફડાતફરીનો માહોલ સર્જાયો છે. જનરલ અને સ્લીપર કોચના દરવાજાઓ પર ચઢવા માટે મુસાફરો વચ્ચે ધક્કામુક્કી અને મારામારી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નાના બાળકો અને વૃદ્ધો સાથે સફર કરી રહેલા પરિવારો સ્ટેશન પર જ કલાકો સુધી હેરાન-પરેશાન થઈ રહ્યા છે, અને આગામી કનેક્ટિંગ ટ્રેન છૂટી જવાનો ડર પણ સતાવી રહ્યો છે. છઠ પર્વ જેવા મહત્ત્વના તહેવાર ટાણે પણ રેલવે વહીવટી તંત્રની આ અણઘડ વહીવટી નીતિ અને સુસ્ત રફ્તાર સામે સામાન્ય જનતામાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.




