For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO : મોદીજીએ જેટલા પૈસા અંબાણી-અદાણીને આપ્યા છે ને એટલા અમે પ્રજાને પાછા આપીશું : રાહુલ ગાંધી

Updated: May 8th, 2024

VIDEO : મોદીજીએ જેટલા પૈસા અંબાણી-અદાણીને આપ્યા છે ને એટલા અમે પ્રજાને પાછા આપીશું : રાહુલ ગાંધી

Lok Sabha Elections 2024 : વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પૂછ્યું કે રાહુલ ગાંધી હવે અંબાણી અને અદાણીનું નામ કેમ નથી લઈ રહ્યા. તેમણે ઉદ્યોગપતિઓથી કેટલા પૈસા મળે છે. વડાપ્રધાન મોદીના આ નિવેદન પર હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણી વાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, 'મોદી જી... થોડા ડરી ગયા છો કે શું. તમે બંધ રૂમમાં અંબાણી-અદાણીની વાત કરતા હોવ છો, પરંતુ પહેલીવાર તમે જાહેરમાં જાહેરમાં આ વાત કરી. તમને એ પણ ખબર છે કે તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે. શું તમારો આ પર્સનલ એક્સપીરિયન્સ છે? એક કામ કરો સીબીઆઈ ઈડીને ત્યાં મોકલીને જલ્દીથી તપાસ કરાવો. ડરો નહીં મોદીજી.’

આ ઉપરાંત હું દેશને કહું છું કે ‘જેટલા રૂપિયા મોદીજીએ આમને આપ્યા છે એટલા જ રૂપિયા અમે હિન્દુસ્તાનની ગરીબ જનતાને આપવા જઈ રહ્યા છીએ. મહાલક્ષ્મી યોજના, પહેલી નોકરી પક્કી યોજના, જેના માધ્યમથી અમે કરોડો લખપતિ બનાવીશું. તેમણે 22 અરબપતિ બનાવ્યા છે અમે કરોડો લખપતિ બનાવીશું.' એટલું જ નહીં રાહુલ ગાંધીએ આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું કે 'ભાજપના ભ્રષ્ટાચારના ટેમ્પોના ડ્રાઈવર અને ખલાસી કોણ છે, દેશ જાણે છે.'

વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર લગાવ્યા ગંભીર આરોપ

જણાવી દઈએ કે, આજે(બુધવાર) તેલંગાણામાં એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શેહજાદા છેલ્લા 5 વર્ષથી સવારે ઉઠતા જ માળા જપવાનું શરૂ કરતા હતા. જ્યારથી તેમનો રાફેલ વાળો મામલો ગ્રાઉન્ડેડ થઈ ગયો, ત્યારથી તેમણે એક નવી માળા જપવાનું શરૂ કરી દીધું. પાંચ વર્ષથી એક જ માળા જપતા હતા. પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ. પછી ધીરે-ધીરે કહેવા લાગ્યા. અંબાણી-અદાણી. પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે. તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું. શેહજાદા જાહેર કરો. આ ચૂંટણીમાં અંબાણી-અદાણીથી કેટલો માલ ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે, કાળાનાણાના કેટલા કોથળા ભરીને રૂપિયા માર્યા છે. કયા ટેમ્પો ભરીને નોટ કોંગ્રેસ માટે પહોંચ્યા છે. શું સોદો થયો છે?'

વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે પ્રિયંકા ગાંધીનો જવાબ

ઉત્તરપ્રદેશના રાયબરેલી પહોંચેલા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણીના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'દેશમાં બદલાવનો જુસ્સો આવી ચૂક્યો છે અને વડાપ્રધાન મોદી હવે ડરી રહ્યા છે. તેઓ ખેડૂતો-મહિલાઓની વાત નથી કરી શકતા. તેઓ સમજી રહ્યા છે કે દેશમાં બદલાવનો જુસ્સો આવી ગયો છે. 10 વર્ષમાં તેમણે સંપત્તિ મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દીધી છે. જનતાના સવાલોના જવાબ નથી આપી રહ્યા એટલા માટે તેઓ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આજે તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી હવે અદાણી-અંબાણીનું નામ નથી લઈ રહ્યા. રાહુલ ગાંધી રોજ અદાણી-અંબાણીની વાત કરે છે. અમે રોજ તેનું સત્ય સામે લાવીએ છીએ. તેમણે 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા. ઉત્તરપ્રદેશના ખેડૂતો એક-એક લાખ રૂપિયા માટે આપઘાત કરી રહ્યા છે. 10 વર્ષ માટે તેમને માત્ર ભ્રમિત કર્યા છે. તમામ સંપત્તિ કરોડપતિ મિત્રોને આપી દીધી છે.'

વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદાણી-અંબાણીવાળા નિવેદન મામલે વળતો જવાબ આપ્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા...! ત્રણ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાને આજે પોતાના જ મિત્રો પર નિશાન તાક્યું છે. આ દર્શાવે છે કે મોદીજીની ખુરશી ડગમગી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.’ 

Gujarat