For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડાપ્રધાન મોદી જનતાને જવાબ આપવાથી ડરી રહ્યા છે એટલા માટે રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવે છે : પ્રિયંકા ગાંધી

Updated: May 8th, 2024

વડાપ્રધાન મોદી જનતાને જવાબ આપવાથી ડરી રહ્યા છે એટલા માટે રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવે છે : પ્રિયંકા ગાંધી

Lok Sabha Elections 2024 : ઉત્તરપ્રદેશની બે હાઈપ્રોફાઈલ બેઠક અમેઠી અને રાયબરેલીમાં આગામી 20 મેના રોજ પાંચમાં તબક્કા (લોકસભા ચૂંટણી 2024)માં મતદાન થશે. ભલે પ્રિયંકા ગાંધી ઉમેદવાર નથી પરંતુ પાર્ટીના પ્રચાર અભિયાનમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા તરીકે તેઓ સૌથી આગળ છે. તેમના ભાઈ રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવાર છે, જ્યારે ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્મા અમેઠીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. પ્રિયંકા ગાંધી રાયબરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા.

લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારબાદ તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ વધુ ઝડપી કરી દીધી છે. આ વચ્ચે રાયબરેલી પહોંચેલા પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે, દેશમાં બદલાવનો જુસ્સો આવી ચૂક્યો છે અને વડાપ્રધાન મોદી હવે ડરી રહ્યા છે. તેઓ ખેડૂતો-મહિલાઓની વાત નથી કરી શકતા. 10 વર્ષમાં તેમણે સંપત્તિ મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દીધી છે. જનતાના સવાલોના જવાબ નથી આપી રહ્યા એટલા માટે તેઓ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણીના નિવેદન મુદ્દે પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના અદાણી-અંબાણી વાળા નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આજે તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી હવે અદાણી-અંબાણીનું નામ નથી લઈ રહ્યા. અમે રોજ તેનું સત્ય સામે લાવીએ છીએ. તેમણે 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા. ઉત્તરપ્રદેશના ખેડૂતો એક-એક લાખ રૂપિયા માટે આપઘાત કરી રહ્યા છે. 10 વર્ષ માટે તેમને માત્ર ભ્રમિત કર્યા છે. તમામ સંપત્તિ કરોડપતિ મિત્રોને આપી દીધી છે.'

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'જનતાનો થાકી ગઈ છે આવી વાતોથી અને ખોટા વચનોથી. જનતા આજે ઈચ્છે છે કે સમસ્યાનો ઉકેલ આવે. જનતા કહી રહી છે કે 10 વર્ષમાં શું કર્યું ? અમે કામના આધારે મત આપવા માંગીએ છીએ. જનતા ઈચ્છે છે કે અમારા માટે શું યોજના લાવી રહ્યા છો. કોંગ્રેસ જનતાના મુદ્દાઓ પર ચૂંટણી લડવા માંગે છે.'

સામ પિત્રોડાના નિવેદન મુદ્દે પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ સામ પિત્રોડાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, 'અમારી પાર્ટી મોટી પાર્ટી છે. કોઈ કંઈ કહી જાય છે. અમેરિકામાં બેઠેલા કોઈએ કંઈક ટિપ્પણી કરી દીધી તો આખા દેશમાં એવો માહોલ બનાવી દીધો જેમ કે કોઈ મોટા નેતાએ નિવેદન આપ્યું હોય. ચૂંટણીનો માહોલ છે અને ભાજપ આખા દેશમાં આવો માહોલ જાણીજોઈને બનાવી રહ્યું છે જેથી બેરોજગારી, ગરીબી અને શિક્ષણના મુદ્દાથી ભટકાવી શકાય.'

રાયબરેલીમાં રાહુલ ગાંધી Vs દિનેશ પ્રતાપ સિંહ

1952માં પોતાની પહેલી લોકસભા ચૂંટણી બાદથી કોંગ્રેસ માત્ર ત્રણ વખત રાયબરેલી હારી છે. 1977માં ઈમરજન્સી બાદની ચૂંટણી અને 1996 અને 1998ની ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પર હારી ગઈ હતી. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપ અને મોદી લહેર હોવા છતાં રાયબરેલી બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. આ વખતે સ્વાસ્થ્યના કારણોસર તેમણે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો અને રાજ્યસભામાં ચાલ્યા ગયા છે. આ વખતે કોંગ્રેસે તેમના પરંપરાગત ગઢમાંથી રાહુલ ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ એક સમયે ફિરોઝ ગાંધી અને ઈન્દિરા ગાંધી કરી ચૂક્યા છે. રાયબરેલીમાં રાહુલ ગાંધીનો મુકાબલો યુપીના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ સાથે છે, જેઓ 2019ની ચૂંટણીમાં સોનિયા ગાંધી સામે 1.67 લાખથી વધુ મતોથી હારી ગયા હતા.

Gujarat