India

જેનેટિકલી મોડિફાઈડ પાક ભારત આવશે? US ટ્રેડ ડીલ મુદ્દે સરકારથી રાહુલ ગાંધીના 5 સવાલ

By GS TEAM
15 Feb 20262 mins read
TukuTouch Logo
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ખેડૂતોને આ મુદ્દે સ્પષ્ટતા મળવી જ જોઈએ. તેમણે ચિંતા વ્યક્ત કરી કે, શું આપણે કોઈ બીજા દેશને ભારતની ખેતી પર લાંબા ગાળા માટે પકડ જમાવવા દઈ રહ્યા છીએ?

Summarized by AI; it may make mistakes. Check important info

જેનેટિકલી મોડિફાઈડ પાક ભારત આવશે? US ટ્રેડ ડીલ મુદ્દે સરકારથી રાહુલ ગાંધીના 5 સવાલ

 તસ્વીર IANS



India US Trade Deal : ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર સરકારને 5 તીખા સવાલો પૂછ્યા છે. ગાંધીએ કહ્યું કે, "યુએસ ટ્રેડ ડીલના નામે આપણે ભારતના ખેડૂતો સાથે વિશ્વાસઘાત થતો જોઈ રહ્યા છીએ."

રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ખેડૂતોને આ મુદ્દે સ્પષ્ટતા મળવી જ જોઈએ. તેમણે ચિંતા વ્યક્ત કરી કે, શું આપણે કોઈ બીજા દેશને ભારતની ખેતી પર લાંબા ગાળા માટે પકડ જમાવવા દઈ રહ્યા છીએ?

આ પણ વાંચો : ઈરાનની મોટી જાહેરાત, અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા તૈયાર પરંતુ ખામેનાઈએ મૂકી એક શરત!

રાહુલ ગાંધીના 5 મુખ્ય સવાલો:

1. પશુ આહાર અને દૂધ ઉત્પાદન: DDG (ડ્રાઈડ ડિસ્ટિલર્સ ગ્રેન્સ) આયાત કરવાનો ખરેખર અર્થ શું છે? શું તેનો અર્થ એ છે કે, ભારતીય પશુઓને અમેરિકાના જીનેટિકલી મોડિફાઈડ (GM) મકાઈમાંથી બનેલો ખોરાક ખવડાવવામાં આવશે? શું આનાથી આપણું ડેરી ક્ષેત્ર અમેરિકા પર નિર્ભર નહીં થઈ જાય?

2. સોયા ખેડૂતોનું ભાવિ: જો આપણે જીનેટિકલી મોડિફાઈડ સોયા તેલની આયાતને મંજૂરી આપીએ, તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સોયા ખેડૂતોનું શું થશે? તેઓ ભાવમાં આવનારા કડાકાને કેવી રીતે સહન કરશે?

3. કઠોળ અને અન્ય પાકો: જ્યારે તમે 'વધારાની પેદાશ'ની વાત કરો છો, ત્યારે તેમાં કઈ વસ્તુઓ સામેલ છે? શું આ ભવિષ્યમાં કઠોળ અને અન્ય પાકો માટે અમેરિકાના દબાણ સામે દરવાજા ખોલવાનો સંકેત છે?

4. MSP અને સરકારી ખરીદી: બિન-વ્યાપારી અવરોધો (Non-trade barriers) દૂર કરવાનો અર્થ શું છે? શું ભવિષ્યમાં ભારત પર GM પાકો અંગેના કડક નિયમો હળવા કરવા અથવા MSP (ટેકાના ભાવ) અને બોનસ ઘટાડવાનું દબાણ કરવામાં આવશે?

5. ભવિષ્યની સુરક્ષા: એકવાર આ દરવાજો ખુલી જશે, પછી દર વર્ષે તેને વધુ ખુલતો કેવી રીતે રોકી શકાશે? શું આ રોકવા માટે કોઈ યોજના છે, કે પછી દર વખતે નવી નવી ખેતી પેદાશોને સોદાબાજી માટે ટેબલ પર મૂકવામાં આવશે?

સંસદમાં પણ કર્યા હતા આકરા પ્રહાર

રાહુલ ગાંધીએ સંસદમાં પણ આક્ષેપ કર્યો હતો કે, સરકારે દબાણમાં આવીને ખેડૂતોની મહેનત અને લોહી-પરસેવાથી કમાયેલો કોળીયો પણ છીનવી લીધો છે. "સરકાર ગભરાયેલી છે. જે ટ્રેડ ડીલ ચાર મહિનાથી અટકેલી હતી, તેમાં કોઈ જ ફેરફાર નહી આવતા છેવટે હસ્તાક્ષર કરવા માટે મજબુર બની છે. કેન્દ્ર સરકાર પર ભારે દબાણ છે અને તેમની છબીનો જે ફુગ્ગો હજારો કરોડો ખર્ચીને બનાવાયો હતો, તે હવે ફૂટી શકે છે."