Iran Nuclear Program: ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર સમજૂતીનો રસ્તો હવે ખોલી દીધો છે. તહેરાનનું કહેવું છે કે તે અમેરિકા સાથે સમજૂતીની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. જો કે તે માટે ઈરાને એક શરત પણ રાખી છે કે પરમાણુ સમજૂતી તો જ સંભવ થશે જ્યારે વોશિંગ્ટન પ્રતિબંધો દૂર કરવા માટે તૈયાર હોય, ખાનગી ચેનલ સાથે વાત કરતાં ઈરાનના ઉપ વિદેશમંત્રી માજિદ તખ્ત રવાંચીએ કહ્યું કે કરાર કરવા માટેની ઈચ્છા માટેની જવાબદારી અમેરિકા પર છે. તે જો ઈમાનદાર છે તો મને વિશ્વાસ છે કે અમે પરમાણુ કરાર પર આગળ વધીશું, તેમણે વધુમાં જણાવ્યું કે જો પ્રતિબંધોમાં રાહતનો પ્રસ્તાવ રાખવામાં આવશે તો તહેરાન પોતાના પરમાણુ કાર્યક્રમ પર મર્યાદા રાખવા અને ચર્ચા માટે તૈયાર છે.
ઈરાન સાથે સમજૂતી કરવી ખૂબ જ મુશ્કેલ
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના અધિકારીઓ સતત દાવો કરી રહ્યા છે ઈરાન લાંબા સમયથી ચાલતી આવતી વાતચીતમાં રોળા નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગત શનિવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે સમજૂતીને પ્રાથમિકતા આપી રહ્યા છે પણ સામે ઈરાન સાથે સમજૂતી કરવી ખૂબ જ મુશ્કેલ છે.
ઈરાને ઢીલ દર્શાવી
અમેરિકા અને ઈરાને ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ઓમાનમાં અપ્રત્યક્ષ વાતચીત કરી હતી. આ ઉપરાંત ઉપ વિદેશમંત્રી માજિદ તખ્ત રવાંચીએ એ પણ પુષ્ટિ કરી છે કે બીજી વાર્તા મંગળવારે જીનીવામાં થશે. શરૂઆતની વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે પણ હાલ કઈંક કહેવું ઉતાવળ કહેવાશે. 60 ટકા સમૃદ્ધ યુરેનિયમ ભંડારને ઓછા કરવાના પ્રસ્તાવમાં ઈરાને ઢીલ દર્શાવી છે. આ સ્તર પર સમૃદ્ધ યુરેનિયમ ભંડાર હથિયાર ગ્રેડની નજીક છે. જેથી આંતરરાષ્ટ્રીય શંકા વધી છે કે ઈરાન પરમાણુ હથિયાર વિકસિત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જો કે ઈરાન આ દાવાઓને સતત ફગાવી રહ્યું છે.
આંશિક રાહતનો પણ સ્વીકાર
આ દરમિયાન ઉપ વિદેશમંત્રી માજિદ તખ્ત રવાંચીએ કહ્યું કે અમેરિકા સાથે પ્રતિબંધો પર ચર્ચા કરવા માટે તૈયાર છે. ઈરાન તમામ પ્રતિબંધ દૂર કરવા પર જોર આપશે તેમજ આંશિક રાહતનો પણ સ્વીકાર કરશે. જ્યારે પૂછવામાં આવ્યું કે ઈરાન 2015ની સમજૂતી પ્રમાણે 400 કિલોગ્રામથી વધારે ઉચ્ચ સમૃદ્ધ યુરેનિયમના ભંડારને બહાર મોકલશે ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે વાતચીત કઇ દિશામાં આગળ વધે છે તેના પર બધી જ વસ્તુ નિર્ભર છે.
ટ્રમ્પની સતત ધમકીઓ
પહેલી વાતચીત સકારાત્મક દિશામાં હોવા છતાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તહેરાણને ખુલ્લી ચેતવણી આપી ચૂક્યા છે કે જો કોઈ સમજૂતી ણ થઈ તો પરિણામ ખૂબ જ ગંભીર અને દર્દનાક હશે. ટ્રમ્પની અનેક ધમકીઓ બાદ પણ ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને બંધ કરવા માટે રાજી થયું નથી. જેની સામે ટ્રમ્પ કહ્યું છે જો ઈરાન રાજી નહીં થાય તો બળ પ્રયોગ કરવામાં આવશે. સામે પક્ષે ઈરાને પણ જવાબી હુમલાઓની ચેતવણી આપી છે. ટ્રમ્પે હાલમાં ઈરાનમાં થઈ રહેલા પ્રદર્શન પર કરવામાં આવેલી કડક કાર્યવાહીને લઈને પણ ઈરાનને ધમકીઓ આપી હતી.


