Get The App

રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં સરકાર, લોકસભામાં વિપક્ષના નેતાએ કર્યા હતા કેન્દ્ર પર પ્રહાર

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
Parliament Budget Session


(IMAGE - IANS)

Parliament Budget Session: લોકસભામાં બજેટ પરની ચર્ચાના બીજા દિવસે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોમ્બેટ સ્પોર્ટ્સ ટેક્નિક્સના ઉદાહરણથી શરૂઆત કરતા કહ્યું કે, ‘માર્શલ આર્ટ્સમાં એક ક્રમ હોય છે, ગ્રીપ (પકડ), ચોક (ગળું દબાવવું) અને ટેપ (હાર સ્વીકારવી). આ ગ્રીપ રાજકારણમાં પણ અસ્તિત્વ ધરાવે છે. જો કે, રાજકારણમાં આ 'ગ્રીપ, ચોક અને ટેપ' હંમેશા છુપા રહે છે.’ આ રીતે શરૂઆત કરીને રાહુલ ગાંધીએ ચેતવણી આપી કે ‘ભારત હાલમાં એક ખતરનાક અને અનિશ્ચિત વિશ્વમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા અને એનર્જીનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.’ ત્યાર પછી તેમણે એપસ્ટિન ફાઈલ, ભારત-યુએસ ડીલ, ટેરિફ, ડેટા સુરક્ષા, ઓઈલ ખરીદી અને અદાણી સહિતના મુદ્દા ઉઠાવીને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. ત્યારબાદ હવે સરકાર રાહુલ ગાંધી વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. 

રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ લાવશે સરકાર

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, 'અમે રાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહને ગેરમાર્ગે દોરવા અને પાયાવિહોણા નિવેદનો આપવા બદલ વિશેષાધિકાર નોટિસ દાખલ કરવા જઈ રહ્યા છીએ. લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી અને કાર્યવાહીના સ્પષ્ટ નિયમો છે. જ્યારે કોઈ સભ્ય બીજા સભ્ય વિરુદ્ધ ગંભીર આરોપ મૂકવા માંગે છે, ત્યારે તેણે નોટિસ આપીને આરોપને સમર્થન આપવું જોઈએ. મેં રાહુલ ગાંધીને ગૃહમાં હાજર રહેવા અને તેમણે ઉઠાવેલા મુદ્દાઓને સમર્થન આપવા વિનંતી કરી છે. રાહુલ ગાંધીએ સરકાર અને વડાપ્રધાન વિરુદ્ધ પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવ્યા છે, દાવો કર્યો છે કે વડાપ્રધાને ભારત અને ભારતીય હિતોને વેચી દીધા છે. કયા આધારે? તેમણે નોટિસ વિના હરદીપ સિંહ પુરી વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે.'

 રાહુલ ગાંધીએ સંસદમાં શું-શું કહ્યું? 

રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઇલનો કર્યો ઉલ્લેખ 

રાહુલ ગાંધીએ સંસદમાં મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘અમેરિકા ભારતના નિર્ણયો કેવી રીતે લઈ શકે? અમારું કૃષિ ક્ષેત્ર અમેરિકા માટે મોદી સરકારે ઓપન કરી દીધું. સરકારે ખેડૂતો વિશે જરાય ન વિચાર્યું. ભારતને વેચીને તેમને શરમ નથી આવતી. અમેરિકાનો ટેરિફ ત્રણ ટકા હતો જે હવે વધીને 18 ટકાએ પહોંચી ગયો છે. પીએમ મોદી ડરી રહ્યા છે.’

આ વાત કરીને રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલનો ઉલ્લેખ કર્યો હતો. 

પીએમ મોદી બે કારણથી કરતા હોવાનો દાવો  

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘પીએમ મોદી બે કારણોસર ડરી રહ્યા છે જેમાં એક છે એપસ્ટિન. ગૌતમ અદાણી કોઈ સામાન્ય બિઝનેસમેન નથી. તેમની કંપની સામે અમેરિકામાં કેસ છે, પરંતુ તેમનો ટારગેટ પીએમ છે, અદાણી નહીં. આ કંપની ભાજપનું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર છે. અનિલ અંબાણી જેલમાં કેમ નથી? તેનું પણ કારણ એપસ્ટિન ફાઈલ જ છે. હરદીપ સિંહ પુરીનું નામ પણ એમાં છે. તેઓ તો મોદી સરકારમાં મંત્રી છે. તેઓ આ ગૃહના સભ્ય છે.’

આ વાત કરતા જ સંસદીય કાર્યકારી મંત્રી કિરેન રિજિજુએ વાંધો ઊઠાવ્યો હતો. 

કેન્દ્ર સરકારે અમેરિકા સામે સરન્ડર કરી દીધું 

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ભારતે તમામ ડેટા અમેરિકાને હેન્ડ ઓવર કરી દીધો છે. દેશના ખેડૂતોનું અમેરિકાના ખેડૂતો સામે સરન્ડર કરાવી દીધું. જે કંઇ થઇ રહ્યું છે તે યોગ્ય નથી. આ ફક્ત પીએમનું સરન્ડર નથી પણ દેશની 140 કરોડની વસતીનું સરન્ડર છે.’ 

‘અમેરિકા નક્કી કરશે કે ભારત ક્યાંથી ઓઈલ ખરીદશે?’ 

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ભારતના લોકો પાસે સૌથી વધુ ડેટા છે. ડેટા સિક્યોરિટી મહત્ત્વની બાબત છે. આપણા લોકોની પ્રતિભા અને વિચારસરણી પર કબજાના પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકા અને ચીનની નજર આપણા ડેટા પર છે. બાંગ્લાદેશ કાપડ ઉત્પાદનોની નિકાસ કરે છે, તો તેના પર શૂન્ય ટેરિફ છે અને આપણી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી ટેરિફ ભરશે. અમેરિકાની નિકાસ વધી, તો આપણને શું ફાયદો થયો? ટ્રમ્પે ટેરિફ વધાર્યો. શું અમેરિકા નક્કી કરશે કે ભારત ઓઈલ ક્યાંથી ખરીદશે? કોઈ વડાપ્રધાને આવું કર્યું નથી. સુપર પાવરનો યુગ પૂરો થઈ ગયો છે. જો અમેરિકા કહે છે કે તમે અહીંથી ઓઈલ ખરીદી શકતા નથી, તો તેનો અર્થ એ છે કે ઊર્જા ક્ષેત્રનો ઉપયોગ શસ્ત્ર તરીકે થઈ રહ્યો છે. જો અમેરિકા ટેરિફમાં વધારો કરે છે, તો તેનો અર્થ એ છે કે નાણાકીય ક્ષેત્રનો પણ હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. સરકારને શરમ આવવી જોઈએ.’ 

આ વિપક્ષના નેતાની રીત નથી: રાહુલ ગાંધી પર ભડક્યા સભાપતિ 

આ દરમિયાન લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીને રોક્યા હતા. તેમણે કહ્યું કે, ‘તમે વચન આપ્યું હતું કે તમે કોઈ મંત્રીનું નામ નહીં લો પણ તમે વારંવાર લઇ રહ્યા છો. આ ચેરની અવગણના છે. આ વિપક્ષના નેતા તરીકે યોગ્ય વર્તન નથી. તમારે નિયમ પ્રમાણે જ બોલવું પડશે.’ 

રાહુલ ગાંધીના ભાષણ બાદ લોકસભામાંથી વિપક્ષનું વૉકઆઉટ 

રાહુલ ગાંધીની સ્પીચ બાદ લોકસભામાંથી વિપક્ષે વૉકઆઉટ કરી દીધું હતું. તેના વિશે કટાક્ષ કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી ગ્રિપની વાત કરી રહ્યા હતા. ગ્રિપ બતાવી જતા રહ્યા. આજે પહેલા જ જતા રહ્યા. ઠાકુરે કહ્યું કે આ વખતના બજેટ માટે હું નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કરું છું જેમણે દેશના કરોડો નાગરિકોને સ્મિત કરવાની તક આપી. 

ડેટા એ નવું પેટ્રોલ છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ડેટાની સુરક્ષા પર ભાર મૂકતા કહ્યું કે, 'આજે ડેટા જ સૌથી મોટી સંપત્તિ છે અને તે AI માટે પેટ્રોલ સમાન છે. અમેરિકાને પોતાનું સુપરપાવર સ્ટેટસ અને ડોલરનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે ભારતીય ડેટાની સખત જરૂર છે. જો વિપક્ષ સત્તામાં હોત અને ટ્રમ્પ સાથે નેગોશિયેટ (વાટાઘાટો) કરતું હોત, તો સૌથી પહેલી શરત ભારતના ડેટાની સુરક્ષાની હોત. અમે એવી રીતે ડીલ ના કરી હોત, જાણે આપણે અમેરિકાના સેવક હોઈએ.' 

બજેટમાં મહત્ત્વના મુદ્દાની અવગણના

કેન્દ્ર સરકારના બજેટની ટીકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજના સમયમાં ડોલર અને એનર્જીનું 'વેપનાઇઝેશન' (હથિયાર તરીકે ઉપયોગ) થઈ રહ્યું છે, પરંતુ બજેટમાં આ અંગે કોઈ જોગવાઈ નથી. જો ભારત ડીલ કરતું હોય તો તેમાં ત્રણ બાબતો મુખ્ય હોવી જોઈએ.’

ડેટા સિક્યુરિટી: ભારતીય ડેટાનો ઉપયોગ ભારતના હિતમાં થાય.

એનર્જી સિક્યુરિટી: દેશની ઊર્જા જરૂરિયાતો સુરક્ષિત રહે.

કૃષિ સુરક્ષા: ખેડૂતોના વોટ બેઝ અને તેમના હિતોનું રક્ષણ થાય.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણીમાં પરિવારવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો, નેતાઓના દીકરા-દીકરી, સંબંધીઓ ચૂંટાયા

ભારતની તુલના પાકિસ્તાન સાથે થઈ જ ના શકે 

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, 'ભારતની સરખામણી પાકિસ્તાન સાથે ન થઈ શકે. ભારતની શક્તિ તેનો ડેટા અને તેના લોકો છે.’ આ અંગે રાહુલ ગાંધીએ ગાઝા અને ઈઝરાયલના યુદ્ધનો ઉલ્લેખ કરીને સમજાવ્યું કે ‘જૂની સિસ્ટમો બદલાઈ રહી છે અને ભારતે તેની સુરક્ષા માટે ટેકનોલોજી અને ડેટા પર મજબૂત પકડ બનાવવી પડશે. જો કે એ વાતનો અફસોસ છે કે સરકારની હાલની નીતિઓમાં આ દૂરદર્શિતાનો અભાવ દેખાઈ રહ્યો છે.'

રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં સરકાર, લોકસભામાં વિપક્ષના નેતાએ કર્યા હતા કેન્દ્ર પર પ્રહાર 2 - image