Get The App

'કંઈક તો ગરબડ છે...', GDP ગ્રોથના આંકડાઓ પર પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ઊઠાવ્યા સવાલ

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
'કંઈક તો ગરબડ છે...', GDP ગ્રોથના આંકડાઓ પર પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ઊઠાવ્યા સવાલ 1 - image

Raghuram Rajan India GDP Growth 2026 : ભારત હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, અને દેશનો જીડીપી ગ્રોથ રેટ સતત 7.7%ની ઉપર રહ્યો છે. પરંતુ, આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશના આ મજબૂત આર્થિક વિકાસના આંકડાઓ સામે આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, 'સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા આંકડા અને દેશની વાસ્તવિક જમીની હકીકત વચ્ચે મોટો તફાવત છે, એટલે કે આમાં કંઈક તો ગરબડ જરૂર છે.'

એક ખાસ ઇન્ટરવ્યુમાં રઘુરામ રાજને જણાવ્યું કે, 'દેશના મુખ્ય આર્થિક ગ્રોથ રેટના આંકડા (Headline Growth Numbers) અને કંપનીઓના વ્યાપારી વલણ (Business Behavior) વચ્ચે સતત એક મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. મને આ ગણિત સમજાતું નથી. જો દેશની અર્થવ્યવસ્થા ખરેખર આટલી ઝડપી ગતિએ આગળ વધી રહી હોય, તો સ્વાભાવિક રીતે જ કોર્પોરેટ રોકાણમાં મોટો વધારો થવો જોઈતો હતો. પરંતુ અહીં સ્થિતિ બિલકુલ ઉલટી છે.'

આર્થિક આંકડાઓ એક વણઉકેલાયેલો કોયડો

સત્તાવાર આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં ભારતની ઇકોનોમી 7.7%ના દરે વધી છે, જે તેના અગાઉના વર્ષે 7.1% હતી. તેમજ જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ 7.8% રહ્યો હતો. ભારતે સુધારેલી જીડીપી સિરીઝ હેઠળ વર્ષ 2022-23ને નવું બેઝ યર(આધાર વર્ષ) માન્યું છે.

આ આંકડાઓ પર પ્રહાર કરતાં રાજને જણાવ્યું કે 'ભારતીય અર્થવ્યવસ્થામાં સૌથી મોટો વણઉકેલાયેલો સવાલ એ છે કે, ખાનગી કોર્પોરેટ રોકાણમાં કેમ તેજી નથી આવી રહી? આ કોયડો 10 વર્ષ પહેલાં પણ હતો અને આજે પણ યથાવત્ છે. આ પ્રકારના ગ્રોથનો એકમાત્ર જવાબ એ હોઈ શકે કે, છેલ્લા 10 વર્ષમાં સરકારી આંકડાઓમાં આપણે જે પ્રકારની આર્થિક પ્રગતિ જોઈ રહ્યા છીએ, વાસ્તવમાં દેશ તે આંકડાઓ કરતાં ઓછી ઝડપે આગળ વધી રહ્યો છે.'

જીડીપીના સત્તાવાર ડેટા પર ભરોસો નથી?

જ્યારે રઘુરામ રાજનને પૂછવામાં આવ્યું કે, શું તેમને સરકારી જીડીપી ડેટા પર વિશ્વાસ છે? ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે, 'દેશની મોટી કંપનીઓ દ્વારા રોકાણ ન કરવાનો લેવાયેલો નિર્ણય જ આ આંકડાઓ પર શંકા પેદા કરે છે. જો બજારમાં ખરેખર આંકડા મુજબની મજબૂત માંગ (Demand) હોત, તો કંપનીઓ નવું રોકાણ કરીને ઉત્પાદન વધારત. પરંતુ કંપનીઓ નવું રોકાણ નથી કરી રહી, જે દર્શાવે છે કે આ આંકડા અર્થતંત્રનું સાચું ચિત્ર રજૂ કરતાં નથી.'

વિદેશી રોકાણકારો (FII) પાછા હટી રહ્યા છે

તાજેતરમાં વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં કરવામાં આવેલી ભારે વેચવાલી અંગે ચિંતા વ્યક્ત કરતાં પૂર્વ ગવર્નરે જણાવ્યું કે, 'એફડીઆઇ(FDI - ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)માં આવેલો મોટો ઘટાડો અને ઓછો કેપિટલ ઇનફ્લો એ સંકેત આપે છે કે દેશી અને વિદેશી બંને રોકાણકારો અત્યારે ભારતમાં નાણાં રોકવા બાબતે ભારે સાવચેતી રાખી રહ્યા છે. વિદેશીઓ ભારતમાં નવી ફેક્ટરીઓ સ્થાપવા માટે પૈસા નથી લાવી રહ્યા અને પોર્ટફોલિયો રોકાણકારો બજારમાંથી નાણાં ખેંચીને બહાર નીકળી રહ્યા છે, જે ભારતીય અર્થતંત્રમાં ભરોસાની કમી દર્શાવે છે.'